Wed Aug 19 2026

Logo

ઋષભ પંતે સિક્સર ફટકારીને રચ્યો ભારતીય વિક્રમ, ભારતને શ્રીલંકા સામે જીતવાનો સારો મોકો

Colombo   2026-08-18 15:18:57
Author: Ajay Motiwala
Article Image

ગૉલ: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતનો બીજો દાવ 193 રનમાં સમેટાઈ ગયો એ પહેલા ઋષભ પંતે બહુ મોટી સિદ્ધિ મેળવી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે.

આજે શ્રીલંકા સામેની ટેસ્ટના બીજા દાવમાં પંતે જે બીજી સિક્સર ફટકારી એ તેની 100મી સિક્સર હતી. આ રેકૉર્ડ બુકમાં બેન સ્ટોક્સ (138), બ્રેન્ડન મેકલમ (107) અને ઍડમ ગિલક્રિસ્ટ (100) પહેલા ત્રણ ક્રમે અને પંત ચોથા સ્થાને છે.

શ્રીલંકાને જીતવા માટે 372 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો છે. આવતી કાલે છેલ્લો દિવસ છે. મેઘરાજા ન નડે તો ભારત (INDIA)ને આ મૅચ જીતીને 1-0ની સરસાઈનો સારો મોકો છે.

ભારતીય ટીમમાં એકમાત્ર ઋષભ પંત (66 રન)ની હાફ સેન્ચુરી થઈ હતી. તેણે 69 બૉલની ઈનિંગ્સમાં બે છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. પડિક્કલે 44 રનનું અને કે. એલ. રાહુલે 35 રનનું યોગદાન આપ્યું હતું.

પેસ બોલર ફર્નાન્ડોએ સૌથી વધુ ચાર વિકેટ, સ્પિનર પ્રભાત જયસૂર્યાએ ત્રણ વિકેટ અને બીજા પેસ બોલર લાહિરુ કુમારાએ બે વિકેટ મેળવી હતી.

પંત (PANT) અને આઠ રન બનાવનાર જાડેજા વચ્ચેની 54 રનની છઠ્ઠી વિકેટ માટેની ભાગીદારી કુમારાએ જ તોડી હતી. બંનેને તેણે આઉટ કર્યા હતા.