અમદાવાદમાં સાંજે 7.00 વાગ્યાથી ન્યૂ ઝીલૅન્ડ સાથે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટક્કર
અમદાવાદઃ આઇસીસી ટી-20 વર્લ્ડ કપની 10મી સીઝનમાં કુલ 20 ટીમે ભાગ લીધો અને એમાંથી હવે અંતિમ એવી બે ટીમ અમદાવાદમાં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે (સાંજે 7.00 વાગ્યાથી) ફાઇનલ રમશે જેમાંની એક ટીમ (ભારત)નો ઇતિહાસ ભવ્ય છે, જ્યારે બીજી ટીમે (ન્યૂ ઝીલેન્ડે) પોતાના માટે નવા ઇતિહાસનું સર્જન કરવાનું છે અને એ સાથે આ ટક્કરમાં નવા વિશ્વવિક્રમો પણ બનતા જોવા મળશે. ખાસ કરીને ભારત (India) ચૅમ્પિયન બનશે તો ત્રણ એક્સાઇટિંગ વર્લ્ડ રેકૉર્ડ બનશે.
કિવીઓ પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફીની તલાશમાં
ન્યૂ ઝીલૅન્ડ ક્યારેય મર્યાદિત ઓવર્સ (વન-ડે કે ટી-20)ના વર્લ્ડ કપની ટ્રોફી નથી જીત્યું. જોકે ભારતને લાગલગાટ બીજી વખત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનો મોકો છે. જો ભારત જીતશે તો એક દેશ સતત બે વખત આ ફૉર્મેટનો વર્લ્ડ કપ જીત્યો હોય (ટાઈટલ ડિફેન્ડ કર્યું હોય) એવું પહેલી વાર બન્યું કહેવાશે. ભારત 2024માં રોહિત શર્માના સુકાનમાં વર્લ્ડ કપ જીત્યું હતું. બીજું, ભારત ચૅમ્પિયન બનશે તો એ ભારતની કુલ ત્રીજી ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી કહેવાશે અને એ પણ નવો વિશ્વવિક્રમ જ કહેવાશે. અત્યાર સુધીમાં ભારત, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડ બે-બે વખત આ વિશ્વ કપ જીત્યા છે. ત્રીજું, જો ભારત રવિવારે ચૅમ્પિયનપદ મેળવશે તો ટી-20 વર્લ્ડ કપમાં યજમાન દેશ જ વિજેતા બન્યો હોય એવી પ્રથમ ઘટના બની કહેવાશે.
PTI
ન્યૂ ઝીલૅન્ડ સામે `પ્રથમ જીત' મળશે?
જો ભારત રવિવારે વિજયી થશે તો ટી-20 વર્લ્ડ કપમાં એણે ન્યૂ ઝીલૅન્ડ સામે પહેલી જ વખત વિજય મેળવ્યો કહેવાશે. અગાઉના ત્રણેય મુકાબલા કિવીઓ જીત્યા હતા.
PTI
ત્રીજી ફાઇનલમાં સામસામે
વધુ એક વિક્રમ પણ બનવા જઈ રહ્યો છે. ભારત અને ન્યૂ ઝીલૅન્ડ એવા માત્ર બે દેશ છે જેઓ ત્રણેય ફૉર્મેટની આઇસીસી ઇવેન્ટની ફાઇનલમાં સામસામે આવ્યા છે. ટેસ્ટના 2021ના વર્લ્ડ કપમાં ન્યૂ ઝીલૅન્ડે ભારતને હરાવ્યું હતું, જ્યારે વન-ડેની 2025ની સાલની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો કિવીઓ સામે વિજય થયો હતો. હવે તેઓ રવિવારે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે.
કોણ કેવી રીતે ફાઇનલમાં પહોંચ્યું?
ભારતઃ
(1) લીગમાં અમેરિકા સામે 29 રનથી વિજય, સૂર્યકુમાર યાદવ મૅન ઑફ ધ મૅચ
(2) લીગમાં નામિબિયા સામે 93 રનથી વિજય, હાર્દિક પંડ્યા મૅન ઑફ ધ મૅચ
(3) લીગમાં પાકિસ્તાન સામે 61 રનથી વિજય, ઇશાન કિશન મૅન ઑફ ધ મૅચ
(4) લીગમાં નેધરલૅન્ડ્સ સામે 17 રનથી વિજય, શિવમ દુબે મૅન ઑફ ધ મૅચ
(5) સુપર એઇટમાં સાઉથ આફ્રિકા સામે 76 રનથી પરાજય, ડેવિડ મિલર મૅન ઑફ ધ મૅચ
(6) સુપર એઇટમાં ઝિમ્બાબ્વે સામે 72 રનથી વિજય, હાર્દિક પંડ્યા મૅન ઑફ ધ મૅચ
(7) સુપર એઇટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે પાંચ વિકેટે વિજય, સંજુ સૅમસન મૅન ઑફ ધ મૅચ
(8) સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે સાત રનથી વિજય, સંજુ સૅમસન મૅન ઑફ ધ મૅચ
ન્યૂ ઝીલૅન્ડઃ
(1) લીગમાં અફઘાનિસ્તાન સામે પાંચ વિકેટે વિજય, ટિમ સિફર્ટ મૅન ઑફ ધ મૅચ
(2) લીગમાં યુએઇ સામે 10 વિકેટે વિજય, ટિમ સિફર્ટ મૅન ઑફ ધ મૅચ
(3) લીગમાં સાઉથ આફ્રિકા સામે સાત વિકેટે પરાજય, માર્કો યેનસેન મૅન ઑફ ધ મૅચ
(4) લીગમાં કૅનેડા સામે આઠ વિકેટે વિજય, ગ્લેન ફિલિપ્સ મૅન ઑફ ધ મૅચ
(5) સુપર એઇટમાં પાકિસ્તાન સામેની મૅચ વરસાદને લીધે અનિર્ણીત
(6) સુપર એઇટમાં શ્રીલંકા સામે 61 રનથી વિજય, રચિન રવીન્દ્ર મૅન ઑફ ધ મૅચ
(7) સુપર એઇટમાં ઇંગ્લૅન્ડ સામે ચાર વિકેટે પરાજય, વિલ જૅક્સ મૅન ઑફ ધ મૅચ
(8) સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે નવ વિકેટે વિજય, ફિન ઍલન મૅન ઑફ ધ મૅચ

હેડ-ટુ-હેડ રેકૉર્ડ-બુકમાં કોણ ચડિયાતું
(1) કુલ 30 ટી-20 મુકાબલાઓમાં ભારતનો 18માં અને ન્યૂ ઝીલૅન્ડનો 11 મૅચમાં વિજય. એક મૅચ ટાઇમાં પરિણમી.
(2) ભારતમાં ભારતનો 11 મૅચમાં અને ન્યૂ ઝીલૅન્ડનો પાંચ મૅચમાં વિજય. બે મૅચ તટસ્થ સ્થળે રમાઈ જેમાં ન્યૂ ઝીલૅન્ડનો વિજય.
(3) ટી-20 વર્લ્ડ કપમાં કુલ ત્રણ મુકાબલા જેમાં ત્રણેય (2007, 2016, 2021)માં ન્યૂ ઝીલૅન્ડનો વિજય અને ભારતને એકેય મૅચ નથી જીતવા મળી.
(4) બન્ને દેશ વચ્ચેના મુકાબલાઓમાં સૌથી વધુ રન સૂર્યકુમાર યાદવ (526).
(5) બન્ને દેશ વચ્ચેના મુકાબલાઓમાં સૌથી વધુ વિકેટ ઇશ સોઢી (30).
(6) સામસામા મુકાબલાઓમાં (વર્તમાન ખેલાડીઓમાં) ટિમ સિફર્ટ 425 રન સાથે સૂર્યા પછી બીજા નંબરે અને ડેરિલ મિચલ 366 રન સાથે ત્રીજા ક્રમે.
(7) સામસામા મુકાબલાઓમાં (વર્તમાન ખેલાડીઓમાં) મિચલ સૅન્ટનર 23 વિકેટ બીજા નંબરે, અર્શદીપ સિંહ 17 વિકેટ સાથે ત્રીજા ક્રમે.