Fri Apr 17 2026

Logo

ફાઇનલ માટે ટૉસ પહેલાં જ બહાર આવી ગઈ પ્લેઇંગ-ઇલેવન? જાણો, શું છે કારણ અને ટીમના ખેલાડીઓ...

2026-03-08 17:05:08
Author: Ajay Motiwala
Article Image

અમદાવાદઃ આજે અહીં સાંજે ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થનારી ટી-20 વર્લ્ડ કપની મહાટક્કર માટેની ભારતીય પ્લેઇંગ-ઇલેવન વિશે થોડા દિવસથી જાત-જાતની અટકળો ચાલી રહી હતી અને એવામાં જાણવા મળ્યું છે કે સૂર્યકુમાર યાદવ પ્લેઇંગ ઇલેવનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર મેદાન પર ઊતરશે. બીજી રીતે કહીએ તો ગુરુવારે મુંબઈમાં ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં ખેલાડીઓના જે કૉમ્બિનેશન સાથે ટીમ રમી હતી એ જ મોટા ભાગે આજે જોવા મળશે.

કહેવાય છે કે ટીમ ઇન્ડિયા ફાઇનલ (Final) માટે ઇલેવનમાં કોઈ ફેરફાર નથી કરવા માગતી. જોકે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસકરે ઓપનર અભિષેક શર્માને હવે તો પડતો મૂકવાની જોરદાર હિમાયત કરી છે એ વાતને ધ્યાનમાં લેવામાં આવશે કે નહીં એ તો ટૉસના સમયે (6.30 વાગ્યે) જ ખબર પડશે. એમ તો સ્પિનર વરુણ ચક્રવર્તીને પણ ડ્રૉપ કરવામાં આવશે એવી ચર્ચા હતી, પરંતુ એનો પણ ફાઇનલ ઇલેવનમાં ફરી સમાવેશ કરાશે એવું કેટલાક અહેવાલો જણાવે છે.

ટૂંકમાં, ભલે અભિષેક (Abhishek) સદંતર ફ્લૉપ રહ્યો અને વરુણનો પર્ફોર્મન્સ થોડો ચિંતાજનક રહ્યો છે. તે ઇંગ્લૅન્ડ સામે ખૂબ ખર્ચાળ હતો. 64 રનમાં તેને એક વિકેટ મળી હતી. એમ છતાં ટીમ ઇન્ડિયા વિનિંગ કૉમ્બિનેશનથી જ આગળ વધવા માગે છે એવું બપોરે જાણવા મળ્યું હતું.

અભિષેકને પડતો મૂકીને રિન્કુ સિંહને અને વરુણને ડ્રૉપ કરીને કુલદીપ યાદવને ઇલેવનમાં સમાવવો જોઈએ એવો કેટલાક ક્રિકેટ નિષ્ણાતોનો અને સોશ્યલ મીડિયામાં ક્રિકેટ ચાહકોનો મત રહ્યો છે. જોકે વિનિંગ ટીમ જ જાળવી રાખવાનો અભિગમ અપનાવાશે એવી સંભાવના નકારી ન શકાય.

સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ

સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), ઇશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.