અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે ઈતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ રમાશે. મેચ ભલે સાંજે શરૂ થવાની હોય, પણ સમગ્ર શહેરમાં વહેલી સવારથી જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી ક્રિકેટપ્રેમીઓ અમદાવાદમાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને ફેન્સના ચહેરા પરના પેઈન્ટિંગ્સ અને તિરંગા સાથેના નારાઓએ સ્ટેડિયમની બહારના વાતાવરણને ગૂંજતું કરી દીધું છે.
આ વખતે ક્રિકેટના રોમાંચ સાથે આસ્થાનો અનોખો સંગમ પણ જોવા મળ્યો છે. અનેક ચાહકો ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ 'લાલા'ને સાથે લઈને સ્ટેડિયમ પહોંચ્યા છે, જે દ્રશ્ય સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બીજી તરફ, ભારતીય ટીમના ખેલાડીઓએ પણ વિજય માટે અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનજી મંદિરે શિશ ઝુકાવી દાદાના આશીર્વાદ લીધા હતા. ચાહકોમાં અતૂટ વિશ્વાસ છે કે આ વખતે ભારત વિશ્વ વિજેતા બનીને જ રહેશે.
લોખંડી પોલીસ બંદોબસ્ત
ફાઈનલ મેચની ગંભીરતા અને VIP મહેમાનોની હાજરીને જોતા અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 8 DCP, 14 ACP અને 1800 થી વધુ પોલીસ જવાનો સ્ટેડિયમમાં ખડેપગે છે. સમગ્ર પરિસરમાં 256થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ અણધારી ઘટનાને રોકવા માટે BDDSની 4 ટીમ અને NDRFની એક ટુકડીને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેનાથી સુરક્ષાનું સ્તર અત્યંત કડક બનાવવામાં આવ્યું છે.
સ્ટેડિયમ તરફ આવતા રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ રૂટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 744 જેટલા અધિકારીઓ અને હોમગાર્ડના જવાનો રસ્તા પર ટ્રાફિક નિયમન કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે દિલ્હી, મુંબઈ અને છેક પંજાબથી આવેલા હજારો ચાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વધારાની મેટ્રો ટ્રેન અને બસ સેવાઓ પણ મોડી રાત સુધી શરૂ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રશાસન અને જનતા બંને આજે એક જ લયમાં ક્રિકેટના આ મહાપર્વને માણી રહ્યા છે.