શહેરો કરતાં ગામડાઓમાં વ્યસનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું; દર વર્ષે લાખો લોકો ગુમાવે છે જીવ
નવી દિલ્હીઃ ભારતમાં તમાકુ અને દારૂનું વ્યસન કરનારાની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેના પર નિયંત્રણ મેળવવાનું પ્રશાસન માટે પડકારજનક બન્યું છે. ભારતમાં તમાકુ અને દારૂનું સેવન એ લોકોના સ્વાસ્થ્ય પરનું સૌથી મોટું જોખમ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-6)ના એક રિપોર્ટ અનુસાર, 36.3 ટકા પુરુષો તમાકુના અને 18.9 ટકા પુરુષો દારૂના વ્યસનથી બંધાણી છે. જોકે, એનાથી બીજી ચોંકાવનારી વાત એ છે કે દેશના શહેરો કરતા ગામડાઓમાં રહેતા લોકોની સંખ્યા ચિંતાજનક રીતે વધતી જાય છે, જે અનેક બીમારીને આમંત્રણ આપે છે.
આજકાલના ઝડપી યુગમાં લોકો વ્યસનથી પીડાતા હોય છે, પણ વર્ષો જૂના બંધાણી હોવાના કારણે તેઓ વ્યસનથી મુક્તિ પામી શકતા નથી. ખેતરોમાં કામ કરવાવાળા ખેડૂત હોય, નોકરી કરનારી વ્યક્તિ કે પછી કોઈ સામાન્ય મજૂર હોય, પણ દરેક વ્યક્તિના જીવનમાં તમાકુ અને દારૂનું વ્યસન કરવાનું દિવસે દિવસે સામાન્ય બનતું જાય છે, જ્યારો મોર્ડન ફેમિલીમાં ફેશન સ્ટેટ્સ બની ગયું છે.
પબ્લિક હેલ્થ માટે આ એક ચિંતાજનક પડકાર છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6, 2023-24ના રિપોર્ટ અનુસાર લોકોની બદલાતી આદતો અને સ્વાસ્થ્ય સબંધી જોખમ ઊભું થયું છે. આ સર્વે અનુસાર તમાકુ અને દારૂનું સેવન કરનારા લોકોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ તમાકુનું સેવન કરનારા લોકોનો આંકડો સામાન્ય રીતે થોડો નીચો જોવા મળ્યો હતો, પણ આ કુટેવથી કરોડો લોકોનું જીવન બરબાદ થઇ રહ્યું છે. એક સર્વે મુજબ 15 વર્ષ કે તેથી વધુ વયના પુરુષોમાં 36.3 ટકા જેટલા પુરુષો તમાકુનું સેવન કરી રહ્યા છે. આ આંકડાઓમાં તમાકુનું સેવન કરતી મહિલાઓનું પ્રમાણ 8.4 ટકા જેટલું જોવા મળી રહ્યું છે.
તમાકુનું સેવન કરનારામાં ચિંતાજનક વધારો
NFHS-6ના રિપોર્ટ મુજબ શહેરો અને ગામડાઓ વચ્ચે વ્યસન કરતા લોકોના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે, જેમાં ગ્રામ્યવિસ્તારોમાં 41.1 ટકા અને શહેરી વિસ્તારોમાં 26.2 ટકા જેટલું તમાકુનું સેવન કરનારા લોકોનું પ્રમાણ જોવા મળ્યું હતું. જેમાં મહિલાઓનું પ્રમાણ 10 ટકા અને શહેરોમાં મહિલાઓનું પ્રમાણ 4.6 ટકા જેટલું જોવા મળ્યું હતું.
આ પ્રમાણ ઓછા ભાવ અને આસાનીથી મળી જતા તમાકુ, ગુટકાની આદતના લીધે ગામડાઓમાં વધારે જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર, ગામડામાં શહેરોની સરખામણીમાં દારૂનું સેવન કરનારા લોકોની સંખ્યા વધારે છે, જેમાં શહેરોમાં આ પ્રમાણ 15.5 ટકા જેટલું અને ગ્રામીણ વિસ્તારોમાં 20.6 ટકા જેટલું છે.
તમાકુ-દારૂના વ્યસનથી થનારી જોખમી બીમારીઓ
આરોગ્ય વિભાગના અધિકારીઓના મતે નાના-મોટા વ્યસન પણ ગંભીર બીમારીઓને આમંત્રણ આપનારું એક ફેક્ટર છે. તમાકુના સેવનથી ભારતમાં કૅન્સર જેવી ખતરનાક જાનલેવા બીમારીઓ જોવા મળી રહી છે. જેમાં મોંનું કેન્સર, ફેફસાનું કેન્સર, હૃદયરોગ જેવી સ્વાસ્થ્ય સબંધી જોખમી બિમારીઓ જોવા મળે છે. વધારે પડતા દારૂનું સેવન લીવર ડેમેજ, હાઈ બ્લડ પ્રેશર, મેન્ટલ હેલ્થ જેવી બીમારીઓનું કારણ બને છે.
સ્વાસ્થ્ય સબંધી જાગૃતિ અને કડક પગલાં જરૂરી
NFHS-6ના રિપોર્ટ મુજબ દેશના લોકોની લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી આ ગંભીર બીમારીઓ પર ગંભીરતાથી કામ કરવું પડશે. સરકાર દ્વારા તમાકુના ઉત્પાદનો પર ચેતવણી, આરોગ્ય સામે જોખમ ઊભા કરનારા પીણા પર ટેક્સ તેમ જ તેના સંબંધિત જાહેરાતો પર પ્રતિબંધ જેવા પગલાં લીધા છે. આમ છતાં હજી ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે.
WHOના સર્વે મુજબ ભારતમાં દર વર્ષે 10 લાખથી વધારે લોકોનું મૃત્યુ તમાકુના વધારે પડતા સેવનથી થતી બીમારીઓથી થાય છે. ભારતમાં શાળાઓમાં અને ગામડાઓમાં જાગૃતિ અભિયાન અને નશામુક્તિના કાર્યક્રમોને મજબૂતાઈ આપવાની જરૂર છે, જો આ સમસ્યા માટે સમયસર કડક પગલાં લેવામાં નહી આવે, તો આવનારા ભવિષ્ય માટે ખુબ મોટું જોખમ ઊભું થશે.