Thu Jun 11 2026

Logo

પાણીમાં પણ નહીં પલળે નોટો! કાપડ-કાગળ છોડી આ દેશે 1988માં જ શરૂ કરી દીધી હતી પ્લાસ્ટિક કરન્સી, જાણો આનો ઈતિહાસ...

2026-06-11 14:47:00
Author: Darshana Visaria
Article Image

Ai Image


હાલમાં સોશિયલ મીડિયા પર ભારતીય ચલણી નોટને બદલે પ્લાસ્ટિક કરન્સી એટલે કે પોલીમર નોટો લાવવાની ચર્ચાઓ વચ્ચે આ ટેકનોલોજીની શરૂઆત કરનારા દેશો અને એમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ડોલરના ગણિત વિશે ચાલો વિસ્તારથી વાત કરીએ. એટલું જ નહીં પણ ભારતના 500 રૂપિયાની ઓસ્ટ્રેલિયન ડોલરમાં કેટલી કિંમત થાય છે એ પણ જાણીએ...

બદલાતા સમયની સાથે દુનિયાભરની બેંકિંગ સિસ્ટમ અને કરન્સીમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ભારતમાં પણ આગામી સમયમાં પ્લાસ્ટિક એટલે કે પોલીમર નોટો લાવવાની સંભાવનાઓએ જોર પકડ્યું છે. આ ચર્ચા વચ્ચે કરન્સીની દુનિયામાં એક નવો ગ્લોબલ સ્ટાન્ડર્ડ સેટ કરનારા દેશ ઓસ્ટ્રેલિયાની કરન્સી અને તેની મજબૂતાઈ ફરી એકવાર હેડલાઇન્સમાં આવી છે. ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો એવો દેશ હતો જેણે વર્ષ 1988માં જ કાગળની નોટો બંધ કરીને સંપૂર્ણ પ્લાસ્ટિક કરન્સી અપનાવીને ઈતિહાસ રચી દીધો હતો.

આંતરરાષ્ટ્રીય કરન્સી માર્કેટના વર્તમાન એક્સચેન્જ રેટના આધારે ગણતરી કરીએ તો, અત્યારે એક ઓસ્ટ્રેલિયન ડોલરનું મૂલ્ય આશરે રૂ.66.92ની આસપાસ છે, જે ભારતીય રૂપિયાની સરખામણીએ તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે. આ હિસાબે જો તમે ઓસ્ટ્રેલિયા જાઓ, તો ભારતના રૂ. 500ની નોટની કિંમત ત્યાં આશરે રૂપિયા 7.45 ઓસ્ટ્રેલિયન ડોલર બરાબર થાય છે. જોકે, આ કિંમત આંતરરાષ્ટ્રીય બજારના ઉતાર-ચઢાવ મુજબ બદલાતી રહે છે.

કેમ આટલો પાવરફુલ છે ઓસ્ટ્રેલિયન ડોલર?
ઓસ્ટ્રેલિયન ડોલરને દુનિયાની સૌથી પ્રભાવશાળી કરન્સીમાંથી એક માનવામાં આવે છે. તે વૈશ્વિક સ્તરે ટોપ-૫ સૌથી વધુ ટ્રેડિંગ થતી કરન્સીમાં સામેલ છે. તેની પાછળનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયાની સ્થિર અર્થવ્યવસ્થા, મજબૂત ફાઇનાન્સિયલ સિસ્ટમ અને વૈશ્વિક સ્તરે કોમોડિટી એક્સપોર્ટમાં તેનો બહુ મોટો દબદબો છે.

પ્લાસ્ટિક એટલે કે પોલીમર નોટોના અદભુત ફાયદા
ઓસ્ટ્રેલિયાએ 1988માં નકલી નોટોના દૂષણને રોકવા અને ચલણી નોટો આયુષ્ય વધારવા માટે આ ટેકનોલોજી વિકસાવી હતી-

વધુ મજબૂતાઈ: 
પોલીમર નોટો સામાન્ય કાગળની નોટોની સરખામણીએ ચારથી પાંચ ગણી વધારે ટકાઉ હોય છે, જેના કારણે તેને વારંવાર બદલવાનો ખર્ચ ઘટી જાય છે.

વોટરપ્રૂફ અને ક્લીન: 
આ નોટો પાણી, ભેજ, ધૂળ, ગંદકી કે ઘસારાથી સરળતાથી ફાટતી કે બગડતી નથી. જો પાણીમાં પલળી જાય તો પણ તેને કંઈ થતું નથી.

હાઈ-ટેક સિક્યોરિટી: 
પ્લાસ્ટિક નોટોમાં એવા એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ ઉમેરી શકાય છે, જેની નકલ કરવી કે ડુપ્લિકેટ નોટો બનાવવી કોઈપણ સ્કેમર્સ માટે અશક્ય બની જાય છે.
ઓસ્ટ્રેલિયાની આ સફળતા બાદ હવે દુનિયાના ઘણા દેશોએ આ ટેકનોલોજી અપનાવી છે અને ભારત પણ આ દિશામાં ગંભીરતાથી વિચારી રહ્યું છે.