Wed Aug 19 2026

Logo

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનની ભારત મુલાકાત: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શું છે વ્યૂહાત્મક સંદેશ?

2026-08-14 17:00:13
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવભરી સ્થિતિને લઈને અનેકવાર વૈશ્વિક મંચ પર ચર્ચા થઈ ચૂકી છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ભારતમાં આવીને તેઓ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે. આગામી મહિને 12 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બર એમ બે દિવસ તેઓ ભારતમાં રોકાણ કરશે. બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં ભાગ લેશે. ઈરાને આ યાત્રાને લઈને એક ખાતરી આપી દીધી છે. આ વર્ષે બ્રિક્સની યજમાની ભારત કરી રહ્યું છે. સમગ્ર સંમેલન અને કાર્યક્રમોની રૂપરેખા પર કામ ચાલી રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ નવી દિલ્હીમાં યોજાવવાનો છે. 

મિડલ ઈસ્ટનો મુદ્દો ફરી ચર્ચામાં

ઈરાનના મોટા નેતા પેજેશકિયાનની ભારત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે મિડલઈસ્ટમાં સ્થિતિ સ્થાયી નથી. અશાંતિનો માહોલ છે. અમરિકા ગમે ત્યારે હુમલો કરશે એવી ધમકીઓ આવી રહી છે. પેજેશકિયાનની યાત્રા દરમિયાન ભારત તથા ઈરાનના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 
આ માહોલ વચ્ચે વડા પ્રધાન મોદી ઈરાનના વડા સાથે શું વાતચીત કરે છે, એમનો વિષય ક્યો રહેશે અને ક્યા મુદ્દાને લઈને વાત કરવામાં આવશે એના પર સૌની નજર છે. ભારતના એવા પ્રયાસો રહ્યા છે કે, પશ્ચિમ એશિયામાં તણાવગ્રસ્ત માહોલ ઓછો થાય. યુદ્ધનું સંકટ ઘેરાય નહીં અને સંવાદનો રસ્તો અપનાવાય. આ માટે ભારતે જે તે સંબંધિત પક્ષ અને નેતાઓ સાથે પણ વાતચીતથી જ પોતાનો મત વ્યક્ત કર્યો છે. વિવાદનું સમાધાન સંવાદથી થઈ શકે એવી પહેલ કરી છે. વર્ષ 2024માં ઈરાન બ્રિક્સ સમૂહનો ભાગ બન્યો અને આ પછી આર્થિક તેમજ રાજકીય સહયોગને પ્રાથમિકતા આપીને સતત સક્રિય રહ્યું. 

ભારતના પ્રયાસોની નોંધ લેવાઈ

યુદ્ધના માહોલે ઈરાનની અર્થવ્યવસ્થાને નુકસાન કર્યું. જુન મહિનામાં જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચી બ્રિક્સના દેશના વિદેશમંત્રીઓની મહાબેઠકમાં ભાગ લેવા માટે ભારત આવી ચૂક્યા હતા. આ દરમિયાન તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ભારત મિડલ ઈસ્ટમાં તણાવ ઘટે એવું ઈચ્છે છે. આ માટે તે પ્રયાસ પણ કરે છે. આ માટે કોઈ મોટી અને મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે. 
ઈરાન ભારતની કોઈ પણ રચનાત્મક ભૂમિકા માટે તૈયાર છે અને સ્વાગત કરે છે. આ વિષય પર ભારતનું વલણ સ્પષ્ટ હતું.ઑક્ટોબર 2024માં પેજેશકિયાને બ્રિક્સ સંમેલનની મહાબેઠકમાં વડા પ્રધાન મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ સમયે બન્ને નેતાઓએ દ્વીપક્ષીય સંબંધો, પશ્ચિમ એશિયાના મુદ્દાઓ, સમુદ્રી ક્ષેત્રલ તથા વિકાસને લગતા પ્રોજેક્ટ પર વિસ્તારથી ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ ચાહબહાર પોર્ટ તથા ભારત ઈરાન સહયોગ ક્ષેત્ર વિશે પણ ખાસ મહત્ત્વની વાત કરી હતી. 

દુનિયાની નજર ભારત પર

ભારત સાથે ચર્ચાનો આ કોઈ પહેલો તબક્કો નથી. આ પહેલા પણ જ્યારે ઈરાનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવ્યા હતા એ સમયે પણ બન્ને દેશના કેટલાક વિષયો પર વિસ્તારથી ચર્ચા થઈ હતી. આ માહોલ વચ્ચે હવે જ્યારે ઈરાનના મોટા નેતા પેજેશકિયાન ભારત આવી રહ્યા છે ત્યારે કેટલાક વિષયોની ફરી ચર્ચા થાય એવી આશા વ્યક્ત થઈ રહી છે. 
ખાસ કરીને યુદ્ધના માહોલ વચ્ચે ભારત અને ઈરાનના વલણ પર દુનિયાભરના દેશની નજર રહેલી છે. પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતાનો માહોલ સ્થાપાય એ અનિવાય છે. ખાસ કરીને જ્યારે વિવાદ હોર્મુઝને લઈને છે ત્યારે સંવાદથી સોલ્યુશન થાય એવું દુનિયાના મોટાભાગના દેશ ઈચ્છે છે.