Mon Jun 01 2026

Logo

આકાશ બનશે અભેદ્ય ગઢ: ભારતમાં જ બનશે 94 રાફેલ, વાયુસેનાની તાકાત વધારવા ફ્રાન્સ સાથે ઐતિહાસિક મેગા ડીલ!

2026-06-01 22:05:38
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: ભારતે આકાશને પણ ભૂમિ અને સમુદ્રની જેમ જ કાંકરી ન ખરે તેમ અભેદ્ય ગઢ બનાવવાની તૈયારીઓ કરી દીધી છે. આ શ્રેણીમાં હવે ભારત સરકારે વાયુસેનાની તાકાત વધારવા માટે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ લડાકૂ વિમાનો ખરીદવાની પ્રક્રિયા તેજ કરી દીધી હોવાના અહેવાલ છે. ફેબ્રુઆરી 2026માં રક્ષા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં આ 114 મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ (MRFA) ની મેગા ડીલને મંજૂરી (AoN) આપવામાં આવી હતી, જેના પગલે ભારતે ફ્રાન્સને ઔપચારિક 'લેટર ઓફ રિક્વેસ્ટ' (LoR) મોકલી આપ્યો છે. આશરે 3.25 લાખ કરોડ રૂપિયાના આ ઐતિહાસિક સંરક્ષણ સોદાને ભારતના ઈતિહાસની સૌથી મોટી લડાકૂ વિમાન ખરીદી માનવામાં આવી રહી છે.

આ ડીલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને મોટું પ્રોત્સાહન મળશે. કુલ 114 વિમાનોમાંથી જેમાં 88 સિંગલ-સીટર અને 26 ટ્વીન-સીટર ટ્રેનર હશે, શરૂઆતના કેટલાક વિમાનો ફ્રાન્સથી સીધા આવશે, જ્યારે 94 થી 96 જેટલા રાફેલ વિમાનોનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 55 થી 60 ટકા સુધીના સ્થાનિકરણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ વિમાનો AESA રડાર, આધુનિક ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને લાંબા અંતરની મિસાઈલો જેવી ઘાતક ક્ષમતાઓથી સજ્જ હશે.

આ મેગા ડીલને આખરી ઓપ આપવા માટે ભારતીય વાયુસેનાના પ્રમુખ એ.પી. સિંહ હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ રાફેલ બનાવતી કંપની દસોલ્ટ એવિએશન અને ભારતીય વાયુસેનામાં વપરાતી મિસાઈલો બનાવતી કંપની MBDA ની મુલાકાત લેશે. ભારત દ્વારા આ ડીલ માટે કેટલીક મહત્વની શરતો પણ મૂકવામાં આવી છે, જેમાં સ્વદેશી હથિયારોનું એકીકરણ, ભારતીય ડેટા લિંક સિસ્ટમ, ટેકનોલોજી ટ્રાન્સફર (ToT) અને ભારતમાં જ મોટા પાયે વિમાનોનું નિર્માણ સામેલ છે.

વાયુસેના પ્રમુખનો આ ફ્રાન્સ પ્રવાસ માત્ર રાફેલ વિમાનોની ખરીદી પૂરતો સીમિત નથી, પરંતુ તે ભારત-ફ્રાન્સ વચ્ચેની સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી પણ ઘણો મહત્વનો છે. આ પ્રવાસ દરમિયાન ભવિષ્યના સંરક્ષણ સહયોગ, ભારતના સ્વદેશી AMCA પ્રોગ્રામ માટે એન્જિન ટેકનોલોજી અને ભારતમાં એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ વિકસાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની પૂરી સંભાવના છે. આ ડીલ થકી એન્જિન, એરફ્રેમ અને એવિયોનિક્સ ક્ષેત્રે બંને દેશો વચ્ચે ટેકનિકલ સહયોગ નવી ઊંચાઈઓ પર પહોંચશે.