Sat Jun 20 2026

Logo

સ્પોર્ટ્સમૅન: વર્લ્ડ કપ આવે એટલે ભારતમાં ફૂટબૉલ ફીવર ચરમસીમાએ...

2026-06-20 08:43:00
Author: Ajay Motiwala
Article Image

અગાઉ કરતાં વધુ રાજ્યોમાં સૉકર રમાય છે, સરકાર અને ફૂટબૉલ ફેડરેશને પાયાના સ્તરની તાલીમ અને સવલતો વિશે 2047 સુધીનો રોડમૅપ તૈયાર કર્યો છે

 

- અજય મોતીવાલા

 

કોલકાતાના એક વિસ્તારમાં મેસી, રોનાલ્ડો અને નેમારના કટઆઉટ રાખવામાં આવ્યા છે. વર્લ્ડ કપ દરમ્યાન ભારતમાં ફૂટબૉલનો ક્રેઝ આ રમતના મોટા દેશ જેવો જ હોય છે એનો આ પુરાવો છે.

 

અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં ફૂટબૉલનો મહોત્સવ ચાલી રહ્યો છે અને એનો લહાવો આખી દુનિયા લઈ રહી છે. ભારત પણ એમાંથી બાકાત નથી. ભારતમાં ફૂટબૉલનો ક્રેઝ અગાઉ કરતાં વધુ છે, પરંતુ દર ચાર વર્ષે ફિફા વર્લ્ડ કપ રમાય ત્યારે સવા-દોઢ મહિનો ભારતમાં અને દેશના કરોડો ખેલકૂદપ્રેમીઓમાં ક્રિકેટ નંબર-ટૂ થઈ જાય છે અને ફાઇનલ સુધી સૌના દિલોદિમાગ પર ફૂટબૉલનો જાદુ છવાયેલો રહે છે.

 

ભારતમાં 10-15 વર્ષ અગાઉ ફૂટબૉલની જે ઘેલછા હતી એની સરખામણીમાં અત્યારે ઘણી વધુ છે. એટલે જ તો ભારતમાં આ વિશ્ર્વ કપનું સીધું પ્રસારણ થશે કે નહીં એ વિશે અનેક લોકોમાં ઉત્સુકતા હતી અને છેવટે ઝી ગ્રૂપની યુનાઇટ-8 સ્પોર્ટ્સ ચૅનલે સૌને ફૂટબૉલમય કરી દીધા છે.

 

ભારતમાં ક્રિકેટનો ક્રેઝ સર્વોપરી છે અને ફૂટબૉલ સહિતની બીજી રમતો ઘણી પાછળ છે. જોકે ફિફા વર્લ્ડ કપની વાત જ જુદી છે. મોટી ઉંમરના લોકોમાં બહુ ઓછા લોકોને આ રમત પ્રિય હશે, જ્યારે પ્રૌઢ વયના લોકો (ખાસ કરીને પુરુષો)ને ખાસ તો ફિફા વર્લ્ડ કપ સાથે લેવાદેવા હોય છે, પરંતુ યુવા વર્ગ (વિશેષ કરીને ઝેન-ઝી)ને ફૂટબૉલની રમતના નિયમો, પ્રોફેશનલ લીગના સ્ટાર ખેલાડીઓ અને ટોચની ટીમો વિશે રજેરજ જાણકારી હોય છે. મોટા ભાગની કૉન્વેન્ટ અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં ક્રિકેટ કરતાં ફૂટબૉલ રમવામાં વિદ્યાર્થીઓને વધુ રસ હોય છે.

 

ભારતનો સુનીલ છેત્રી છે રોનાલ્ડો-મેસી પછી ત્રીજા નંબરે!

ફૂટબૉલમાં ભારત હાલમાં ભલે છેક 138મી રૅન્ક પર છે, પણ ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીનું નામ એક રેકૉર્ડ-બુકમાં સુપરસ્ટાર ખેલાડીઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી પછી છે. વાત એવી છે કે હાલમાં ફૂટબૉલની રમતમાં સક્રિય હોય એવા ટોચના ગોલ-સ્કોરર ખેલાડીઓમાં પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 143 ગોલ સાથે મોખરે છે. આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી (120) બીજા ક્રમે અને ઇરાનનો અલી ડાઇ (95) ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે ભારતનો સુનીલ છેત્રી છે જેણે આંતરરાષ્ટ્રીય મૅચોમાં કુલ 95 ગોલ કર્યા છે. આ રેકૉર્ડ-બુકમાં બેલ્જિયમના રૉમેલો લુકાકુ, પોલૅન્ડના રોબર્ટ લેવાન્ડૉવ્સ્કી તેમ જ ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી કેનનું નામ સુનીલ છેત્રી પછી લખાયું છે.

 

ભારતમાં ફૂટબૉલ કયા તબક્કે?

 

ભારતમાં દાયકાઓથી ફૂટબૉલની રમત ખાસ કરીને કેરલમ, ગોવા, પશ્ર્ચિમ બંગાળ તેમ જ ઇશાન ભારતનાં કેટલાંક રાજ્યોમાં જ લોકપ્રિય રહી છે. જોકે ધીમે-ધીમે મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે રાજ્યોના લોકોમાં પણ વિશ્ર્વની આ સૌથી લોકપ્રિય રમતનો ફેલાવો વધી રહ્યો છે.

 

ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ) ભારતની સૌથી મોટી ફૂટબૉલ ટૂર્નામેન્ટ છે. તાજેતરમાં જ ઈસ્ટ બેંગાલે પહેલી વખત આઇએસએલની ટ્રોફી જીતી લીધી હતી. સ્પેનમાં જન્મેલા યૉસેફ એઝેઝારીએ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 11 ગોલ કર્યા હતા.

 

ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એઆઇએફએફ) પાયાના સ્તરેથી બાળકો અને ટીનેજરોને ફૂટબૉલની તાલીમ અપાવવા સહિતના કાર્યક્રમો યોજે છે જેને લીધે દેશમાં ફૂટબૉલને ફેલાવો મળી રહ્યો છે. એ ઉપરાંત, દેશભરમાં ઠેકઠેકાણે ફૂટબૉલની ઍકેડમી ખૂલી રહી છે, નવા સ્ટેડિયમો પણ બની રહ્યા છે અને તાલીમ માટેની સવલતો પણ સરકાર તરફથી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના અન્ય મોટા પ્રકલ્પોની માફક એઆઇએફએફનો પણ 2047ની સાલ સુધીનો લાંબા સમયકાળનો રોડમેપ બની રહ્યો છે. 21 વર્ષના આ વિશાળ કાર્યક્રમમાં વાર્ષિક સ્તરે યુવા વર્ગ માટે વધુ લીગ ટૂર્નામેન્ટો યોજવામાં આવશે, આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપવામાં આવશે અને બીજા ઘણા નવા પ્રકલ્પો પર વિચાર કરવામાં આવશે.

 

એક સારો સંકેત એ છે કે ભારતમાં ફૂટબૉલની રમત હવે બે-ચાર રાજ્યો પૂરતી મર્યાદિત નથી રહી. આઇએસએલમાં ઇસ્ટ બેંગાલે પહેલી વખત ટાઇટલ જીતી લીધું એ સાથે અન્ય ટીમોમાં પણ આશા જાગી છે. આઇએસએલને આવનારાં વર્ષોમાં વધુ સ્પર્ધાત્મક બનાવવી પડશે કે જેથી આ રમત વિશ્ર્વ સ્તરના ખેલાડીઓ ફૂટબૉલ જગતને આપી શકે. ભારત ભલે ફૂટબૉલમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, ફ્રાન્સ કે સ્પેન જેવો માતબર દેશ નહીં બની શકે, પરંતુ એશિયન જાયન્ટ્સ જાપાન, સાઉથ કોરિયા, ઇરાન તથા સઉદી અરેબિયાની હરોળમાં તો આવી જ શકે.

 

જોકે ક્રિકેટ હજી પણ ભારતમાં નંબર-વન સ્પોર્ટ છે અને દાયકાઓ સુધી રહેશે. હા, સાથોસાથ ફૂટબૉલનો ક્રેઝ પણ વધશે એમાં બેમત નથી. ભારતમાં પાયાના સ્તરે ફૂટબૉલની તાલીમ અપાવતી સંસ્થાઓ આ રમતના મોટા દેશો જેવી તાલીમ આપતી થશે ત્યારે ભારતીય ફૂટબૉલનો વિશ્ર્વ સ્તરે ડંકો વાગશે. પ્રોફેશનલ સ્તરે તકો મર્યાદિત હોવાથી ઘણા ટૅલન્ટેડ ખેલાડીઓ આ રમત છોડીને અન્ય રમત તરફ વળી જતા હોય છે.

 

પીએમ મોદીની નજરે ભારત-ફ્રાન્સ ફૂટબૉલ કનેક્શન

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ફ્રાન્સના પ્રવાસે ગયા હતા જ્યાં તેમણે પ્રવાસના અંત ભાગમાં ખાસ કરીને ફૂટબૉલની રમતનો ઉલ્લેખ કર્યો હતો. ફૂટબૉલનો મેગા રમતોત્સવ ચાલી રહ્યો છે અને એ અવસરે પીએમ મોદીએ પ્રવચનમાં કહ્યું, ‘મારે તમને એક ખાસ કનેક્શનની વાત કરવી છે. એ સંબંધો ફૂટબૉલના છે. ભારતમાં અત્યારે ફૂટબૉલ ફીવર સર્વોત્તમ ઊંચાઈએ છે. ફ્રાન્સમાં જ્યાં જુઓ ત્યાં ફૂટબૉલની જ ચર્ચા છે, પરંતુ ભારતમાં પણ અઠવાડિયાથી ફૂટબૉલની બોલબાલા છે. ભારતમાં ફ્રેન્ચ ફૂટબૉલ ટીમના અસંખ્ય ચાહકો છે. ફ્રાન્સે આ વખતના વર્લ્ડ કપમાં વિજયી શરૂઆત કરી છે, જેમાં ફ્રાન્સે સેનેગલને 3-1થી હરાવ્યું હતું.’

 

આઝાદ ભારતની પ્રથમ ફૂટબૉલ મૅચ ફ્રાન્સ સામે હતી!

 

1948ની 31મી જુલાઈએ ભારત પોતાની સૌપ્રથમ સત્તાવાર ફૂટબૉલ મૅચ રમ્યું હતું. એ મૅચ ફ્રાન્સ સામે રમાઈ હતી. ભારતીય ખેલાડીઓ એ મૅચ ઉઘાડા પગે રમ્યા હતા અને એમ છતાં તેમણે ફ્રાન્સના ખેલાડીઓને સારી એવી ટક્કર આપી હતી. ભારતીય ટીમ એ મૅચ 1-2થી હારી ગઈ હતી, પરંતુ ભારતીય ખેલાડીઓ મેદાન પરથી પાછા આવી રહ્યા હતા ત્યારે પ્રેક્ષકોએ ઊભા થઈને તેમનું બહુમાન કર્યું હતું.