નવી દિલ્હીઃ ભારતે અહીં મંગળવારે બૅટિંગમાં થોડા સંઘર્ષ બાદ અફઘાનિસ્તાન (Afghanistan)ને સિરીઝની બીજી ટી-20માં પણ પરાજિત કરીને શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી હતી. 2026ના વર્ષમાં ભારતે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને વન-ડે પછી હવે ટી-20 સિરીઝ પણ જીતીને અનોખી હૅટ-ટ્રિક કરી છે.
160 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યા બાદ ભારત (India)એ 14.5 ઓવરમાં 3/163ના સ્કોર સાથે જીત હાંસલ કરી હતી. ઓપનર અભિષેક (39 રન, 19 બૉલ, ચાર છગ્ગા, બે ચોગ્ગા) આઉટ થઈ ગયો ત્યાર બાદ સંજુ સૅમસન (57 રન, બાવીસ બૉલ, ચાર છગ્ગા અને સાત ચોગ્ગા)ને ઇશાન કિશનનો સાથ મળ્યો હતો. સૅમસન પાછો ફૉર્મમાં આવી ગયો અને તેણે ધમાકેદાર બૅટિંગ કરી હતી. અભિષેક-સૅમસન વચ્ચે 38 બૉલમાં 88 રનની ભાગીદારી થઈ હતી. જોકે સાતમી ઓવરમાં રાશીદ ખાને અભિષેક અને સૅમસનની વિકેટ લેતાં ભારતનું રનમશીન ધીમું પડી ગયું હતું.
Series victory sealed 🔒
— BCCI (@BCCI) September 15, 2026
Superb from start to finish as #TeamIndia make it 2️⃣-0️⃣ in the Friendship Cup 🇮🇳👏
Scorecard ▶️ https://t.co/96e4nhbYLf#AFGvIND pic.twitter.com/zvWVii5nBC
રાશીદે પછીથી શ્રેયસ ઐયર (11 રન)ને આઉટ કરી દેતાં ભારતીય ટીમ થોડી ચિંતામાં મુકાઈ ગઈ હતી. જોકે ઇશાન કિશન (38 અણનમ, 23 બૉલ, બે છગ્ગા, ત્રણ ચોગ્ગા) અને તિલક વર્મા (15 અણનમ, 14 બૉલ, એક ચોગ્ગો)એ ગઢ સાચવી રાખ્યો હતો ભારતને 15મી ઓવરમાં વિજય અપાવી દીધો હતો. 14મી ઓવર મુજીબ-ઉર-રહમાનની હતી જેમાં કિશનના બે ચોગ્ગા અને એક છગ્ગા સહિત કુલ 17 રન બન્યા હતા.
એ પહેલાં, અફઘાનિસ્તાને આઠ વિકેટે 159 રન બનાવ્યા અને ભારતને 160 રનનો લક્ષ્યાંક મળ્યો છે. કૅપ્ટન ઇબ્રાહિમ ઝડ્રાન (37 રન) સિવાય બીજો કોઈ બૅટ્સમૅન લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. આઠમાંથી ત્રણ વિકેટ પેસ બોલર નીતીશ કુમાર રેડ્ડીએ, બે વિકેટ અર્શદીપે તેમ જ એક-એક વિકેટ સ્પિનર અક્ષર, બિશ્નોઈએ તેમ જ મુખ્ય પેસ બોલર બુમરાહે લીધી હતી.