(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)બોમ્બેના કેમ્પસમાંથી સોમવારે વહેલી સવારના નવ ફૂટ લાંબો મગર મળી આવ્યો હતો. વાઈલ્ડ લાઈફ નિષ્ણાત દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો હતો.
પૂર્વ ઉપનગરમાં પવઈ પરિસરમાં આવેલા આઈઆઈટીના કેમ્પસમાં સુરક્ષા કર્મચારીઓેએ સવારના મગરને જોયો હતો અને તેમણે તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
આઈઆઈટી કેમ્પસની નજીક પવઈ તળાવ છે અને તેમાં મોટા પ્રમાણમાં મગર હોવાનું માનવામાં આવે છે અને તળાવમાંથી જ મગર બહાર નીકળીને કેમ્પસ સુધી પહોંચી ગયો હોવાનું માનવામાં આવે છે.
અધિકારીના જણાવ્યા મુજબ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેસ્કિંક અસોસિયેશન ફોર વાઈલ્ડલાઈફના કર્મચારીઓની બનેલી આઠ સભ્યોની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. એ બાદ મગરની મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યું હતું અને તેને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યું હતું. તેની તપાસ બાદ તેને તેના કુદરતી વિસ્તારમાં છોડી દેવામાં આવશે.