Sun Oct 04 2026

Logo

વન-ડે રૅન્કિંગમાં નંબર-વન ભારત મજબૂત સ્થિતિમાં, ચોથા ક્રમનું પાકિસ્તાન વધુ નીચે જઈ શકે

2026-04-28 17:06:19
Author: Ajay Motiwala
વન-ડે રૅન્કિંગમાં નંબર-વન ભારત મજબૂત સ્થિતિમાં, ચોથા ક્રમનું પાકિસ્તાન વધુ નીચે જઈ શકે

નવી દિલ્હીઃ દર વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના બે મહિના દરમ્યાન ભાગ્યે જ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાતી હોય છે અને અત્યારે પણ એવી જ સ્થિતિ છે, પરંતુ આવતા વર્ષે (2027માં) વન-ડેનો વર્લ્ડ કપ રમાવાનો હોવાથી ભારત ટીમો હવે પછી પોતાની વન-ડે ટીમને મજબૂત કરવા કોઈ કસર નહીં છોડે અને આઇસીસી (ICC) વન-ડે રૅન્કિંગ (RANKING)ના ક્રમ મોટા ભાગે આવનારા મહિનાઓમાં સ્થિતિ સ્પષ્ટ કરી આપશે. ભારત ઘણા મહિનાઓથી પહેલા નંબરે છે અને થોડા મહિનાઓથી એની સિરીઝ ન રમાઈ હોવા છતાં મોખરે ટકી રહ્યું છે. કટ્ટર હરીફ ચોથા નંબરે છે.

આઇસીસી વન-ડે (ODI) રૅન્કિંગમાં ભારત 119 રેટિંગ પૉઇન્ટ સાથે મોખરે છે. ત્યાર પછીના સ્થાને જે ટીમો છે એનાથી ભારત ઘણું આગળ છે એટલે આવનારા થોડા મહિનાઓ સુધી ભારતને કોઈ હટાવી શકશે એવું લાગતું નથી. ભારતની આગામી વન-ડે સિરીઝ જૂનમાં અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે રમાવાની છે.

ન્યૂ ઝીલૅન્ડ રૅન્કિંગમાં બીજા નંબરે છે. એના 111 રેટિંગ પૉઇન્ટ છે. ન્યૂ ઝીલૅન્ડે તાજેતરમાં જ બાંગ્લાદેશ સામે ત્રણ મૅચની વન-ડે શ્રેણી રમ્યું જેમાં ન્યૂ ઝીલૅન્ડની 1-2થી હાર થઈ હતી. વન-ડેનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા ત્રીજા નંબરે છે અને તેના 109 રેટિંગ પૉઇન્ટ અને ભારતના 119 રેટિંગ પૉઇન્ટ વચ્ચે 10 પૉઇન્ટનું અંતર છે.

પાકિસ્તાન 102ના રેટિંગ પૉઇન્ટ સાથે ચોથા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ હવે ટેસ્ટ સિરીઝ રમવા માટે બાંગ્લાદેશ જવાની છે, પરંતુ વન-ડે શ્રેણી ક્યારે રમશે એનું કોઈ અપડેટ નથી એટલે બની શકે કે આવનારા અઠવાડિયાઓમાં પાકિસ્તાન કદાચ ટૉપ-ફાઇવની બહાર જતું રહેશે. સાઉથ આફ્રિકા 98ના રેટિંગ પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.