હિન્દવલી હઝરત ખ્વાજા નિઝામુદ્દીન અવલિયા, અલ્લાહ, ઈશ્ર્વરના મહાન સંતના મુરીદ; શિષ્ય હઝરત અમીર ખુસરૂ ઉત્તમ કવિ જ નહીં એક સારા લેખક અને એક સારા આલિમ; જાણકાર; સંપૂર્ણ વિદ્વાન પણ હતા.
* જે જમાનામાં અમીર ખુસરૂ પૈદા થયા હતા, તે બાદશાહી યુગ હતો.
* ગ્યાસુદ્દીન બલબનનો તે રાજયકાળ હતો.
- જયારે અમીર ખુસરૂને પહેલીવાર દરબારમાં બોલાવવામાં આવ્યા ત્યારે આપની ઉપર નાની હતી.
-બલબન પછી ખિલ્જી રાજાઓનો દૌર આવ્યો.
- જલાલુદ્દીન ખિલ્જી એક ઈલ્મી, જ્ઞાનિ શિક્ષિત દોસ્ત અદલ નવાઝ; ન્યાયપ્રિય બાદશાહ હતા. તેમણે હઝરત ખુસરૂને ખાસ હોદ્દો આપ્યો અને દૌલતમંદ અમીરો માટે જે ખાસ લિબાસ, પહેરવેશ રાખવામાં આવતો તે લિબાસ, પહેરવેશ અમીર ખુસરૂને આપવામાં આવ્યો હતો. આ કારણને લીધે જ આપ ‘અમીર’ના નામથી જાણીતા; મશહૂર થયા છે.
આપનો જન્મ હીજરી વરસ 651માં ઈટા જિલ્લામાં આવેલા એક નાનકડા ગામ પ્યાલીમાં થયો હતો. આપ બલ્ખના એક આબરૂદાર ખાનદાનના ફરઝંદ હતા. આ ખાનદાનમાં ઈલ્મ અને દૌલતની કસરત હતી. આપના પિતાનું નામ અમીર સૈફુદ્દીન મહેમુદ હતું. આપ બલ્ખના અમીરઝાદા હતા.
ચંગેઝખાનના જમાનામાં આપ ભારત આવ્યા અને શાહી દરબારમાં મોટા અધિકારી બન્યા. આપના બે ભાઈ હતા. એક ભાઈનું નામ અગરાઝુદ્દીન અલીશાહ હતું અને બીજા ભાઈનું નામ હિસામુદ્દીન હતું. હઝરત અમીર ખુસરૂનું નામ અબુલ હસન છે. આપનો લકબ યમીનુદ્દીન છે. આપ હઝરત ખ્વાજા નિઝામુદ્દીન અવલીયા, મહેબૂબે ઈલાહી (અલ્લાહના પ્રિય) મુરીદ અને ખલીફા (અધિકારી) હતા.
જ્યારે આપની ઉંમર નવ વર્ષની થઈ ત્યારે આપના પિતાની છત્રછાયા જતી રહી. પિતાના ઈંતેકાલ (અવસાન) પછી, આપની માતાના દૂરના એક સગાએ આપની તા’લીમ-તરબીયત (સંસ્કાર, શિક્ષણ, પરવરીશ) માટે બહુ જ ધ્યાન આપ્યું. આપની તાલીમ હિન્દુસ્તાનની રાજધાની દિલ્હીમાં થઈ.
જ્યારે હઝરત ખુસરૂની ઉંમર આઠ વર્ષની હતી ત્યારે આપના પિતા, આપને લઈને હઝરત નિઝામુદ્દીન મહેબૂબે ઈલાહી પાસે આવ્યા હતા. આપના પિતા હઝરત નિઝામુદ્દીન રહમતુલ્લાહ અલયહ પાસે ઘરની અંદર ગયા, પરંતુ બાળક ખુસરૂ દરવાજા પાસે બેસી ગયા અને થોડાક અશઆર (પંક્તિઓ) લખી. આપે ત્યાં બેઠા બેઠા જે પંક્તિઓ લખી તે આ મુજબ છે:
તુ આં શાહી કે બર ઐવાને કસરત
કબૂતર ગર નશીનદ બાઝ ગરદદ
ગરીબે મુસ્તમન્દે બર બર આમદ
બયાયદ અન્દરૂ, યા બાઝ ગરદદ?
ઉપરોક્ત અશઆર (પંક્તિ)ઓનો સરળ ગુજરાતીમાં અર્થ આ મુજબ થાય છે: ‘આપ તે બાદશાહ છો કે જેના મહેલની છત ઉપર જો કબૂતર આવીને બેસી જાય તો બાજ (પક્ષી જેવું) બની જાય. (બાઝ એક શિકારી પક્ષી છે). એક ગરીબ હાજતમંદ આપના દરવાજે હાજર થયો છે. કહો તો અંદર આવે અને કહો તો પાછો ચાલ્યો જાય.
આ અશઆર લખવાનો હેતુ એવો હતો કે હઝરત અમીર ખુસરૂ પોતાના થનાર કશ્ફ (પ્રત્યક્ષ જ્ઞાન) અને કામિલ (સંપૂર્ણ)પણાની પરીક્ષા લેવા ચાહતા હતા.
હઝરત ખ્વાજા નિઝામુદ્દીન મહબૂબે સુબ્હાનીએ પોતાના રૂહાની કશ્ફ (ઈશ્ર્વરી પ્રેરણા)થી આ વાત જાણી લઈ, પોતાન એક ખાદિમ (સેવક)ને ફરમાવ્યું- ‘જાવ, એક તુર્કઝાદો બહાર બેઠો છે, તેની સામે આ શે’ર (પંક્તિ) પઢી લો અને પાછા આવો.’
બયાયદ અન્દરૂં, મર્દે હકીકત
કે બા મા યક નફસ હમરાઝ ગરદદ
અગર અલ્લાહ બુવદ આં મર્દે નાદાં
અઝાં રાહે કે આમદ, બાઝ ગરદદ.
અર્થ: ‘મર્દે હકીકત અંદર ચાલ્યા આવે, જેથી આપણે થોડીવાર આપસમાં રાઝની વાતો કરીએ. જો (તુ) મર્દે નાદાન અને બેવકુફ છે, તો, જે રસ્તેથી આવ્યો છે તે રસ્તેથી પાછો ચાલ્યો જા.’
હઝરત અમીર ખુસરૂ રહમતુલ્લાહ અલયહએ જ્યારે આ જવાબની પંક્તિઓ સાંભળી ત્યારે હઝરત મહેબૂબે ઈલાહીની ખિદમત (સેવા)માં હાજર થઈ ગયા અને બૈઅત લીધી. (ઈમાન) લઈ આવ્યો અને આપના મુરીદ; શિષ્ય બની ગયા. આમ તો અમીર ખુસરૂની ફિતરત, ટેવ; (સમજદારી)નું ખમીર, રોઝે અફઝલથી ઈશ્કો મહોબ્બતની ચાસણીથી ગુંદેલું હતું. પરંતુ મુરશિદ (ગુરુ)ની સોહબતે આપને પહેલાથી વધુ સરમસ્ત અને શયદાઈ (સંપૂર્ણ) બનાવી દીધા.
આપ દરેક પળ પડછાયા; સાયાની માફક ખ્વાજાની સાથે જ રહેતા હતા. હઝરતને પણ અમીર ખુસરૂથી એવી જ મહોબ્બત અને દિલનો સંબંધ હતો. ઘણીવાર તો હઝરત નિઝામુદ્દીન અવલિયા રહમતુલ્લાહ અલયહ ફરમાવતા હતા કે જ્યારે કયામતમાં સવાલ થશે કે અય નિઝામુદ્દીન! શું લાવ્યા છો? તો તે સવાલના જવાબમાં હું ખુસરૂને પેશ કરી દઈશ.
જ્યારે હઝરત નિઝામુદ્દીન દુઆ માગતા હતા, ત્યારે હઝરત અમીર ખુસરૂની તરફ ઈશારો કરીને ફરમાવતા હતા - ‘ઈલાહી! બસોઝે સીનએ ઈં તુર્ક, મોરા બબખ્શ’. અર્થ: ‘હે અલ્લાહ! આ તુર્કના સીના (છાતી)ની આગ મહોબ્બત (ઈશ્ક)ના તુફેલમાં મને બખ્શી દે!’ હઝરત નિઝામુદ્દીન અવલીયા રહમતુલ્લા અલયહનો કાયદો હતો કે આપ જ્યારે સુવા માટે તશરીફ લઈ જતા, ત્યારે મુલાકાતીઓને દરવાજા પર રોકી દેવામાં આવતા હતા, પરંતુ હઝરત અમીર ખુસરૂ માટે એ પાબંદી ન હતી.
અમીર ખુસરૂ, હઝરત ખ્વાજા નિઝામુદ્દીનની સાથે જ તેમની આરામગાહમાં બેસતા અને તેમના જ કદમોમાં સુઈ જતા હતા. એકવાર એવું બન્યું કે ઘણા દિવસો સુધી ખુસરૂને હઝરત સાથે આરામગાહમાં સુવાનું મળ્યું નહીં. પરંતુ કેટલાક મહિના બાદ એ સિલસિલો ફરી શરૂ થયો ત્યારે તેની ખુશાલીમાં હઝરત અમીર ખુસરૂએ નીચે જણાવેલો શે’ર લખ્યો હતો-
ન ખુફત ખુસરૂ મીસ્કી, અઝ હવસ શબહા
કે દીદા બર કફે પાયત નેહદ બખ્વાબ શુદ.
અર્થ: ‘ગરીબ ખુસરૂ આવી તમન્નાઓમાં કેટલીયે રાત્રિઓ સુઈ શકયો નહીં કે હુઝૂરના કદમો પર આંખ મુકીને ઊંઘે!
હઝરત અમીર ખુસરૂ રહમતુલ્લાહ અલયહની વસિયત, વફાત, શે’રો શાયરી, કિતાબો જેવી મહત્ત્વપૂર્ણની જાણકારી ત્વારિખના પૃષ્ઠો પલટાવી મજકુર લેખના આવતા અંકના બીજા ભાગમાં માણીશું અને એક મહાન હસ્તીના દીની, દુન્યવી અને ઈલ્મો જ્ઞાનથી ભર્યા જીવન પરથી બોધ હાંસલ કરીશું.
* * *
સાપ્તાહિક સંદેશ:
પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.)ની રિવાયત છે કે- ‘જયારે તમે રાત્રે કૂતરા ભસવાનો અવાજ અને ગધેડાના ભોંકવાનો અવાજ સાંભળો, ત્યારે સેતાન મરદુદથી અલ્લાહની પનાહ માગો. એવું બોલો કે ‘અઉઝોબિલ્લાહે મિશશ્શય તાનિર્રજીમ’ અર્થ: હે અલ્લાહ! હું સેતાનથી તારું રક્ષણ - તારી પનાહ માગું છું. કારણ કે કૂતરા અને ગધેડા એવી ચીજો જુએ છે, જે તમે જોઈ શકતા નથી.
રાત્રે જ્યારે લોકો બજારમાં જવાનું બંધ કરવા માંડે અને રસ્તા સુના પડી જાય, ત્યારે તમે ઘરની બહાર નીકળવાનું ઓછું કરી દો, કારણ કે રાત્રે ખુદાતઆલા પોતાની મખ્લુકાત (મામ જીવ - સર્જન)માંથી, જેને ચાહે તેને ફેલાવી દે છે.’ (હવાલો: મિશ્કાત શરીફ).