ચેન્નઈઃ દેશના મંદિરોમાં VIP દર્શનને લઈને મદ્રાસ હાઈકોર્ટે ટીપ્પણી કરી છે. મદ્રાસ હાઈકોર્ટે મૌખિક ટીપ્પણી કરતા સવાલ કર્યો હતો કે, ભગવાન સામે તમામ લોકો સમાન હોય છે, તો મંદિરમાં VIP દર્શન જેવી વ્યવસ્થા શા માટે હોવી જોઈએ? આ કારણે સામાન્ય શ્રદ્ધાળુઓને મંદિરની બાહર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. ચીફ જસ્ટિસ જી.આર.સ્વામીનાથન અને ચીફ જસ્ટીસ વી. લક્ષ્મીનારાણનની બેંચે મંદિરમાં VIP દર્શન તથા સ્પેશ્યલ દર્શનની ખાસ વ્યવસ્થા ખતમ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. એ સમયે આ ટીપ્પણી ઉચ્ચારી હતી.
VIP દર્શન વ્યવસ્થા ખતમ થવી જોઈએ
આ સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે મૌખિક રૂપે વાત કરતા આગળ કહ્યું કે, મંત્રીઓ તથા ધારાસભ્યોને એવું ન સમજવા દેતા કે, તેઓ ગમે ત્યારે મંદિરમાં પ્રવેશ કરી શકે છે અને ભગવાન એમની રાહ જોઈને બેઠા છે. આખરે VIP દર્શનની જરૂરિયાત જ શું છે? ભગવાનની સામે સૌ સમાન છે. રિપોર્ટ અનુસાર આ અરજીમાં વરિષ્ઠ નાગરિક, દિવ્યાંગજન, મંદિર કલા સાથે જોડાયેલા કલાકાર, નવદંપતિ, રાજ્યના પ્રમુખ, બંધારણીય અધિકારી અને ગર્ભવતી મહિલાઓને બાદ કરતા અન્ય લોકો માટે VIP દર્શન અને વિશેષ વ્યવસ્થા ખતમ કરવા માટેની માગ કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે અગાઉ પણ પૂછપરછ કરી હતી કે, 15 મે ના રોજ કોઈ મંત્રીના દર્શન માટે તિરૂપરંદુંદ્રમ સુબ્રમણ્યસ્વામી મંદિરને બંધ કરવાના સમયમાં વિલંબ કરાયો હતો.
કેસની સુનાવણી સ્થગિત
આ વિષય પર એડિશનલ એડવોકેટ જનરલ પી.વી. બાલાસુબ્રમણ્યમએ બેંચને જણાવ્યું હતું કે, મંદિર બંધ થવાના સમયમાં એક મંત્રીના ઈશારે કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વિષય પર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને કોર્ટમાં એ જમા કરાવી દેવાયો છે. આ પછી જવાબી એફિડેવિટ જમા કરાવવા માટે સમય માગવામાં આવ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે સમગ્ર અપીલનો સ્વીકાર કરતા કેસની સુનાવણી છ અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી હતી. આ અરજી મદ્રાસ હાઈકોર્ટમાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર તમિલનાડુના અધ્યક્ષ ચોક્કલિંગમે દાખલ કરી હતી. તેમણે અરજીમાં એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, સનાતન ધર્મમાં ભેદભાવને કોઈ પ્રકારનો અવકાશ નથી. બધા મનુષ્યો પ્રત્યે સમભાવ રાખવાનું જ સનાતન ધર્મ શીખવે છે.