કાબુલ: અફઘાનિસ્તાનથી એક અત્યંત દુઃખદ અને મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. પૂર્વી અફઘાનિસ્તાનના એક મુખ્ય હાઇવે પર શરણાર્થીઓથી ભરેલી એક ટ્રક પલટી જતાં ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. આ કરુણ દુર્ઘટનામાં 10 બાળકો અને 5 મહિલાઓ સહિત લગભગ 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 35થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
લઘમાન હાઇવે પર સર્જાયો ભયાનક અકસ્માત
મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર, આજે સવારે કાબુલને નંગરહાર પ્રાંત સાથે જોડતા લઘમાન પ્રાંતના મુખ્ય હાઇવે પર આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. અફઘાનના પાડોશી દેશ પાકિસ્તાનથી પરત ફરી રહેલા અફઘાન શરણાર્થી પરિવારો આ ટ્રકમાં સવાર હતા. અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ગઈ હતી. મૃતકોમાં સૌથી વધુ સંખ્યા મહિલાઓ અને માસૂમ બાળકોની છે.
મુખ્ય વિગતો:
10 બાળકો અને 5 મહિલાઓ સહિત 18ના મોત
આ અકસ્માતમાં 35થી વધુ લોકો ઘાયલ થવા હોવાથી તેમને નંગરહારની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. પાકિસ્તાનથી પરત ફરી રહેલા અફઘાન શરણાર્થીઓ આ ટ્ર્કમાં સવાર હતા, તાલિબાન સરકારે આ ઘટના અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં ખરાબ રસ્તાઓ, વાહનોમાં ઓવરલોડિંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે આવા જીવલેણ અકસ્માતો અવારનવાર થતા રહે છે.
શા માટે શરણાર્થીઓ અફઘાનિસ્તાન પરત ફરી રહ્યા હતા?
આ અકસ્માતનો ભોગ બનેલા લોકો એ હજારો અફઘાન નાગરિકોનો હિસ્સો હતા જેઓ તાજેતરમાં પાકિસ્તાન છોડીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા. પાકિસ્તાન સરકારે વર્ષ 2023થી દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી પ્રવાસીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે લાખો અફઘાનીઓને બળજબરીપૂર્વક દેશ છોડવો પડ્યો છે. પાકિસ્તાનમાંથી લાખો અફઘાન નાગરિકો પોતાના વતન પરત ફર્યા છે. જેમને જન્મ પણ પાકિસ્તાનમાં થયેલો છે, તેવા લોકોને પણ પાકિસ્તાન સરકારે હાંકી કાઢ્યાં છે.