ધાર/અમદાવાદ: તાજેતરમાં જ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી સદીઓ જૂની વિવાદાસ્પદ ભોજશાલા પરિસર અંગે હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા કોર્ટે સમગ્ર પરિસરને હિંદુ મંદિર તરીકેના માન્યતા આપી હતી. આ સાથે વૈજ્ઞાનિક સંશોધનો અને પુરાતત્વીય પુરાવાઓને ધ્યાનમાં રાખીને, હાઈકોર્ટે આ વિવાદાસ્પદ સ્થળને રાજા ભોજના સમયનું વાગ્દેવી (મા સરસ્વતી)નું મંદિર હોવાનું માન્ય રાખ્યું હતું. અદાલતે આ ચુકાદા સાથે જ હિન્દુ પક્ષને પરિસરમાં નિયમિત પૂજા-અર્ચના કરવાનો કાનૂની અધિકાર પણ બહાલ કર્યો હતો.
આ ઐતિહાસિક નિર્ણય વર્ષ 2024માં હાઈકોર્ટના આદેશ બાદ શરૂ કરાયેલી વ્યાપક પુરાતત્વીય તપાસના આધારે આવ્યો છે. અદાલતે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ને આ સમગ્ર સ્થળનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આદેશનું પાલન કરીને, ASI ની ટીમે અત્યંત ઝીણવટભર્યો સર્વે હાથ ધર્યો હતો અને ત્યારબાદ મધ્યપ્રદેશ હાઈકોર્ટ સમક્ષ 2,190 પાનાનો એક વિસ્તૃત અને વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો, જેમા આ પરિસર અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.

ઐતિહાસિક તથ્યો મુજબ, આ ભવ્ય સરસ્વતી મંદિર અને શિક્ષણ કેન્દ્રની સ્થાપના ઈ.સ. 1034માં પ્રખ્યાત રાજા ભોજ દ્વારા કરવામાં આવી હતી, જે સનાતન ધર્મના અનુયાયીઓ માટે આધ્યાત્મિકતા અને જ્ઞાનનું મોટું કેન્દ્ર હતું. ઈ.સ. 1305માં આક્રમણખોર અલાઉદ્દીન ખીલજીએ આ પરિસર પર પ્રથમ હુમલો કર્યો હતો, જેમાં ધર્મ પરિવર્તનનો ઇનકાર કરનારા 1200થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
આ યુદ્ધમાં હિન્દુ રાજા મહલ દેવે વીરતાપૂર્વક લડીને બલિદાન આપ્યું હતું. ખીલજીએ મંદિરની મૂર્તિઓ અને માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું હોવા છતાં, તે ત્યાં કોઈ ઇસ્લામિક ઇમારત ઊભી કરી શક્યો ન હતો. ત્યારબાદ ઈ.સ. 1401માં દિલાવર ખાને અને ઈ.સ. 1514માં મહમૂદ શાહ ખીલજીએ પણ અહીં આક્રમણ કરીને તેને મસ્જિદમાં ફેરવવાના અસફળ પ્રયાસો કર્યા હતા.

જો કે ઇતિહાસના દસ્તાવેજો દર્શાવે છે કે મહમૂદ શાહ ખીલજીએ મંદિરની બહારની જમીન પર 'કમલ મૌલા'ના નામે એક મકબરો બનાવ્યો હતો, જ્યારે હકીકતે મૌલાના કમાલુદ્દીનનું અવસાન ઈ.સ. 1310માં 'કર્ણાવતી' એટલે હાલના અમદાવાદમાં થયું હતું અને તેમને ત્યાં જ દફનાવવામાં આવ્યા હતા. મુસ્લિમ આક્રમણખોરોએ તલવારના જોરે પરિસરમાં અનેક કબર અને મઝારો બનાવીને તેનું ધાર્મિક સ્વરૂપ બદલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સરસ્વતી મંદિરના મૂળ ચરિત્રને બદલી શક્યા નહોતા. આજે પણ આ પરિસરમાં દેવી-દેવતાઓની અસંખ્ય મૂર્તિઓ, શિલ્પો અને ભોંયતળિયા નીચે દબાયેલી ભગવાન હનુમાનજીની વિશાળ મૂર્તિ તપાસ દરમિયાન મળી આવી હતી.