Sat May 30 2026

Logo

ગરમીથી ત્રાહિમામ વચ્ચે IMDની મોટી આગાહી!જાણો ક્યા રાજ્યોમાં કઈ તારીખથી શરૂ થશે ચોમાસું

2026-05-30 16:54:53
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ ગરમીએ ઉત્તર ભારત અને પશ્ચિમના રાજ્યોને તપાવ્યા બાદ હવે રાહત મળે એવા દિવસો નજીક આવી રહ્યા છે.ઉત્તર ભારતના અનેક એવા રાજ્યમાં હીટવેવમાંથી રાહત મળવાની છે. આવનારા એકાદ અઠવાડિયામાં ઉત્તર ભારતમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા તાપમાન નીચું ઊતરશે. મધ્ય ભારતના રાજ્યોમાં વરસાદના ગૂડ ન્યૂઝ મળવાના છે. હીટવેવનું જોર ખતમ થશે અને વાતાવરણ ઠંડુ થઈ જશે. 

રાજ્યોનું વાતાવરણ પલટાશે
પૂર્વોત્તરના રાજ્ય અને દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. તારીખ 30 અને 31 મેથી વાતાવરણમાં પલટો આવે એવી શક્યતાઓ છે.આ ઉપરાંત અનેક એવા રાજ્યમાં મિનિ વાવાઝોડા જેવું ચિત્ર જોવા મળશે. જ્યારે પૂર્વી ભારત અને દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. પૂર્વી રાજ્યોમાં આવતા અઠવાડિયે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરામાં 30 મે થી 5 જુન સુધી વરસાદ થશે, આસામ, મેઘાલયમાં 5 જુનથી ચોમાસું માહોલ સર્જાશે. અરૂણાચલ પ્રદેશમાં 5 જુનથી વરસાદી માહોલ સર્જાશે. બીજી તરફ દક્ષિણ ભારત માટે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, કર્ણાટકમાં 30-31 મે, આંધ્ર પ્રદેશમાં, યનમ, રાયલસીમા, તેલંગણા, તમિલનાડુ, પોંડીચેરી, કરાઈકલમાં 30 મે થી 3 જુન સુધીમાં ચોમાસું સક્રિય થઈ જશે. આ તમામ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થશે. 

પંજાબથી લઈ મધ્ય પ્રદેશ સુધી વરસાદ
ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડમાં 31 મે, જમ્મુ કાશ્મીરમાં 5 જુનમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડી શકે છે. પંજાબ પ્રાંત સુધી ગાજવીજ સાથે આ જ સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.પંજાબ, હરિયાણા, નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તા.30 મે પછીના સાતેક દિવસમાં ચોમાસું સક્રિય થઈ જશે.આ પ્રાંતમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને મધ્ય પ્રદેશમાં 1 જૂન આસપાસ ચોમાસું માહોલ જોવા મળી શકે છે. વરસાદ પહેલા 80 કિમી/કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ધુળની ડમરીઓ ઊડી શકે છે. વાતાવરણ ઠંડુ થતા તાપમાનનો પારો નીચે ઊતરશે પણ બફારામાંથી રાહત મળતા થોડો સમય લાગી શકે છે. બીજી તરફ કેરળનું ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આ વર્ષે ચોમાસમાં અગાઉના સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાના એંધાણ હાલમાં વર્તાય રહ્યા છે. 

પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે વરસાદ
પશ્ચિમ બંગાળના મહાનગર કૉલકાતામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. બંગાળમાં વીજળી પડવાથી 6 લોકોના મૃત્યું થયા છે. આ સમગ્ર મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીએ જણાવ્યું હતું કે, જુદા-જુદા જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટના બની છે. મૃતકોને ચાર લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. બિહારમાં વીજળી પડવાને કારણે સાત વ્યક્તિનો મૃત્યું થયા હતા. ભારે વરસાદને કારણે અહીંયા રસ્તા પર જાણે નદી વહેતી હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. હજું દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું સક્રિય થયું નથી. આ માટે થોડો સમય રાહ જોવી પડશે. 1 જુન આસપાસ ચોમાસું માહોલ બંધાય એવા અણસાર વર્તાય રહ્યા છે.