Thu May 28 2026

Logo

મેલ મેટર્સઃ નવા ઍકૅડેમિક વર્ષમાં તમે સંતાનની ફી ચૂકવીને છૂટી જવાના કે...

2026-05-28 08:50:00
Author: Ankit Desai
Article Image


અંકિત દેસાઈ

નવા ઍકૅડેમિક વર્ષનો પ્રારંભ થાય એટલે દરેક ઘરમાં એક અનોખી દોડધામ શરૂ થઈ જતી હોય છે. નવાં પુસ્તકોની સુગંધ, નવા ગણવેશની ઈસ્ત્રી, નવી સ્કૂલ બૅગ અને વૉટર બૉટલની ખરીદી વચ્ચે આખું વાતાવરણ શૈક્ષણિક ઉત્સાહથી ઊભરાઈ જાય છે, પરંતુ આ બધા જ ઉત્સાહની પાછળ, ખાસ કરીને મધ્યમ કે ઉચ્ચ-મધ્યમ વર્ગીય પરિવારોના પિતાના માથે એક આર્થિક બોજ અને જવાબદારીનો ગર્ભિત તણાવ પણ આકાર લેતો હોય છે. 

જૂનની શરૂઆતમાં જ સ્કૂલની મસમોટી ફીના ચેક સાઇન કરતી વખતે કે ઑનલાઇન ફી ટ્રાન્સફર કરતી વખતે મોટાભાગના પિતા એક ઊંડો શ્વાસ લે છે અને મન મનાવી લે છે કે `ચલો, આ વર્ષની મોટી જવાબદારી પૂરી થઈ.' પરંતુ અહીં જ એક પુરુષ તરીકે, એક પિતા તરીકે આપણે આપણી જાતને બહુ મોટો સવાલ પૂછવાની જરૂર છે કે, શું નવા ઍકૅડેમિક વર્ષમાં તમે માત્ર ફીના પૈસા ચૂકવીને તમારી ફરજમાંથી મુક્ત થઈ જવાના છો કે પછી તમારા સંતાનના વર્ષભરના શિક્ષણ, તેની કેળવણી અને તેના ભણતરના સતત વધતા જતા સ્ટે્રસમાં તેની આંગળી પકડીને સાથ પણ આપવાના છો?

પરંપરાગત પુરુષકેન્દ્રી સમાજમાં પિતાની ભૂમિકા હંમેશાં એક `પ્રોવાઇડર' એટલે કે આર્થિક સંસાધનો પૂરાં પાડનાર વ્યક્તિ તરીકેની જ મર્યાદિત રહી ગઈ છે. સવારથી સાંજ સુધી ઑફસ,બિઝનેસ કે જૉબના ચક્કરમાં અટવાયેલો પુરુષ પોતાના સંતાનને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્કૂલ, મોંઘામાં મોંઘા ટ્યુશન ક્લાસીસ અને તમામ ભૌતિક સુવિધાઓ આપીને એમ સમજી લે છે કે તેણે પિતૃત્વનું સર્વોચ્ચ કર્તવ્ય નિભાવી લીધું છે. 

ભણતર અને કેળવણીની રોજિંદી જવાબદારી, બાળકના મૂડ સ્વિંગ્સ, તેની શૈક્ષણિક નબળાઈઓ કે સ્કૂલની ડાયરી ચેક કરવાનું કામ વણલખેલા નિયમ મુજબ માતાના ફાળે જતું રહે છે. પિતા માત્ર પરિણામના દિવસે પ્રગટ થાય છે અને કાં તો પીઠ થાબડે છે અથવા અપેક્ષા સંતોષાઈ ન હોવાના કારણે નારાજગી વ્યક્ત કરે છે, પરંતુ બદલાતા સમય સાથે આ પૅટર્નને બદલવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે, કારણ કે આજનું ભણતર માત્ર અક્ષરજ્ઞાન નથી રહ્યું, તે એક ભારેખમ માનસિક યુદ્ધ બની ગયું છે.

આજના ગળાકાપ સ્પર્ધાત્મક યુગમાં બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે અને તેની જગ્યાએ પર્ફોર્મન્સનું દબાણ આવી ગયું છે. ધોરણ એકથી જ બાળક પર ક્લાસમાં પ્રથમ આવવાનું, વિવિધ ઍક્ટિવિટીઝમાં અવ્વલ રહેવાનું અને માર્ક્સની રેસમાં દોડવાનું પ્રેશર હોય છે. આ ભણતરના સ્ટ્રેસમાં બાળકને જેટલી જરૂર માતાના વહાલ અને કાળજીની છે, તેટલી જ બલ્કે ક્યારેક તેનાથી પણ વધુ જરૂર પિતાના સધિયારા અને મજબૂત ટેકાની હોય છે. 

એક પુરુષ જ્યારે પિતા બને છે ત્યારે તે બાળકના જીવનનો રોલ મોડેલ બને છે. બાળક પોતાના પિતામાં દુનિયાનો સૌથી મજબૂત માણસ જુએ છે, જે કોઈ પણ મુશ્કેલી સામે તેને બચાવી શકે છે. જ્યારે એ જ પિતા બાળકના ભણતરના ટેન્શન વખતે કહી દે કે `મેં આટલી મોંઘી ફી ભરી દીધી છે, હવે તારે બસ માર્ક્સ લાવવાના છે,' ત્યારે બાળક અંદરથી એકલતા અનુભવે છે. પિતાએ સમજવું પડશે કે પૈસા આપીને ટ્યુશન રાખી દેવાથી જવાબદારીમાંથી છૂટી શકાતું નથી. 

સાચું પિતૃત્વ એ છે કે તમે દિવસના ચોવીસ કલાકમાંથી ભલે માત્ર અડધો કલાક કાઢો, પણ એ અડધો કલાક તમારા સંતાનને એ અહેસાસ કરાવવામાં જાય કે તમે તેના માત્ર ફાઇનાન્સર નથી, પણ તેના મેન્ટર અને મિત્ર છો. પિતા તરીકે જ્યારે તમે બાળકની બાજુમાં બેસીને તેના ગણિતના અઘરા દાખલા ઉકેલવામાં મદદ કરો છો, કે તેની હિસ્ટ્રીની વાર્તાઓ સાંભળો છો ત્યારે બાળકનો આત્મવિશ્વાસ બમણો થઈ જાય છે. તેને સમજાય છે કે ભણતરની આ અઘરી સફરમાં તે એકલો નથી, દુનિયાનો સૌથી મજબૂત માણસ તેની પડખે ઊભો છે.

કેળવણી એ કોઈ એવી વસ્તુ નથી જે માત્ર શાળાના છ કલાકોમાં કે પાઠ્યપુસ્તકો ગોખવાથી મળી જાય. કેળવણી એ જીવન જીવવાની કળા છે જે બાળક પોતાના પિતાના આચરણમાંથી શીખે છે. જ્યારે પિતા ઘરમાં ઑફિસના સ્ટે્રસને કેવી રીતે હૅન્ડલ કરે છે, નિષ્ફળતા વખતે કેવું વર્તન કરે છે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેવી ધીરજ રાખે છે આ બધું જ બાળક ખૂબ જ બારીકાઈથી ઑબ્ઝર્વ કરતું હોય છે. તેથી જ પિતા તરીકે બાળકના ભણતરના સ્ટ્રેસને મૅનેજ કરવા માટે તમારે પોતે પણ સ્ટે્રસ-ફ્રી થવું પડશે. 

ઘણીવાર પિતા પોતાની અધૂરી રહી ગયેલી આકાંક્ષાઓનું ભારણ સંતાન પર લાદી દેતા હોય છે. પોતે જે એન્જિનિયર કે ડૉક્ટર ન બની શક્યા, તે સંતાનને બનાવવા માટે રાત-દિવસ દબાણ કરતા હોય છે. આ પુરુષકેન્દ્રી અહમ અને અપેક્ષાઓના બોજ તળે બાળકનું અસલી કૌશલ્ય દબાઈ જાય છે. 

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ પિતાએ પોતાના સંતાનની ક્ષમતાઓને ઓળખવી પડશે અને તેને સ્વીકારવી પડશે. માર્ક્સ ઓછા આવે ત્યારે ગુસ્સો કરવાને બદલે કે સરખામણીઓ કરીને તેનું મનોબળ તોડવાને બદલે, તેને ભેટીને એમ કહેવાની હિંમત પિતામાં હોવી જોઈએ કે `કોઈ વાત નહીં બેટા,આ માત્ર એક પરીક્ષા હતી, જિંદગી નથી. આપણે આગલી વખતે સાથે મળીને મહેનત કરીશું.' પિતાના મુખેથી નીકળેલા આ થોડાક શબ્દો બાળકના મનમાંથી આત્મહત્યા કે ડિપ્રેશન જેવા નકારાત્મક વિચારોને કાયમ માટે હાંકી કાઢવા સક્ષમ હોય છે.

શિક્ષણની આ આખી પ્રક્રિયામાં પિતાની સક્રિય ભાગીદારીથી કુટુંબની આંતરિક ગતિશીલતા પણ બદલાય છે. જ્યારે પિતા બાળકના પેરેન્ટ્સ-ટીચર્સ મીટિગ (PTM)માં હાજરી આપે છે ત્યારે સ્કૂલ અને શિક્ષકોમાં પણ એક સકારાત્મક મેસેજ જાય છે કે આ બાળક પાછળ આખો પરિવાર જાગૃત છે. માત્ર માતા જ સ્કૂલે જાય અને પિતા ક્યારેય સ્કૂલનું પગથિયું પણ ન ચઢે એ માનસિકતા હવે જૂની થઈ ગઈ છે. પિતા તરીકે તમારે બાળકના મિત્રો કોણ છે, તેને કયા વિષયમાં ડર લાગે છે, સ્કૂલમાં તેની સાથે કોઈ ગેરવર્તણૂક તો નથી થતીને, આ બધી જ બાબતોથી વાકેફ રહેવું પડશે. 

ઘણીવાર બાળકો પોતાની મૂંઝવણ કે ડર માતાને કહી દે છે પણ પિતાના કડક (લાગતા ) વલણના કારણે તેમની સામે મોં ખોલી શકતા નથી. આ કમ્યુનિકેશન ગૅપને પિતાએ પોતે જ તોડવો પડશે. તમારે ઘરમાં એક એવું મોકળું વાતાવરણ ઊભું કરવું પડશે જ્યાં તમારું સંતાન કોઈ પણ ડર વગર પોતાની શૈક્ષણિક કે માનસિક સમસ્યાઓ તમારી સામે રજૂ કરી શકે. પિતૃત્વનો અર્થ માત્ર શાસન ચલાવવું કે કાયદા ઘડવા નથી, પણ સંતાનની પ્રગતિ માટે અનુકૂળ સેફ સ્પેસ પૂરી પાડવી એ છે.

આ નવું ઍકૅડેમિક વર્ષ આપણને સૌ પિતાઓને એક નવી તક આપી રહ્યું છે. એક ચેકબુક પિતા બનવા કરતાં એક ઇમોશનલી અવેલેબલ પિતા બનવાનો આનંદ અનેરો હોય છે. પૈસાથી તમે શ્રેષ્ઠ સુવિધાઓ ખરીદી શકશો, પણ સંતાનના મનમાં તમારા પ્રત્યેનો આદર અને પ્રેમ ખરીદી નહીં શકો. વર્ષો પછી જ્યારે તમારું સંતાન મોટું થઈને પાછળ વળીને જોશે ત્યારે તેને એ યાદ નહીં હોય કે તેના પિતાએ કયા વર્ષે કેટલી ફી ચૂકવી હતી, પણ તેને એ ચોક્કસ યાદ હશે કે જ્યારે બોર્ડની પરીક્ષા વખતે કે અઘરા અસાઇનમેન્ટ વખતે રાત્રે તેની આંખોમાં ઊંઘ અને મનમાં ગભરામણ હતી, ત્યારે પિતાએ તેની પીઠ પર હાથ મૂકીને ચાનો કપ આપ્યો હતો અને કહ્યું હતું કે `તું ચિંતા ન કર, હું બેઠો છું.' 

આ નવું વર્ષ માત્ર તમારા બાળકના ક્લાસ બદલાવવાનું વર્ષ નથી, પણ પિતા તરીકે તમારી ભૂમિકાને અપગ્રેડ કરવાનું વર્ષ છે. ચાલો આ વર્ષે માત્ર ફી ભરીને છૂટી જવાને બદલે, સંતાનની કેળવણીના સાચા હમસફર બનીએ અને તેને ભણતરના બોજમાંથી મુક્ત કરી ભણવાના આનંદ તરફ દોરી જઈએ.