નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે જો પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આગામી આઈપીએલમાં મજબૂત પડકાર ઉભો કરવો હોય તો કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે અને ટીમનું નેતૃત્વ આગળથી કરવું પડશે. પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વર્ષના ટ્રોફીના દુષ્કાળનો અંત કરવા અને લીગના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ બનવાનું લક્ષ્ય રાખશે.
હરભજને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મને લાગે છે કે હાર્દિક પંડ્યાએ પોતાનું વાસ્તવિક ફોર્મ બતાવવું પડશે. તેને પોતાની શ્રેષ્ઠ રમત રમવી પડશે. જ્યારે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો ફક્ત બેટ્સમેન તરીકે જ નહીં, પરંતુ બોલર તરીકે પણ મોટો ફરક પડશે."
તેમણે કહ્યું હતું કે આપણે તેને ટી-20 વર્લ્ડ કપમાં બોલિંગ કરતા જોયો હતો. તેઓ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે આઈપીએલમાં પણ આવું જ કરવાની જરૂર છે. જ્યારે કોઈ કેપ્ટન નેતૃત્વ કરી રસ્તો બતાવે છે ત્યારે બધા તેને અનુસરે છે. આ બધું વિશ્વાસ પર આધાર રાખે છે.
ભૂતપૂર્વ સ્પિનરે કહ્યું હતું કે, "જો હાર્દિક અને તેની ટીમ પહેલા દિવસથી જ એવો વિશ્વાસ કરી લે છે કે તેઓ અહીં ફક્ત સ્પર્ધા કરવા માટે જ નહીં, પરંતુ છઠ્ઠી વખત ટ્રોફી જીતવા માટે આવ્યા છે તો મુંબઈ ઈન્ડિયન્સ માટે પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ શકે છે.
ટીમ મેનેજમેન્ટ ક્વિન્ટન ડી કોક અને રિયાન રિકેલ્ટન બંનેને પ્લેઈંગ ઈલેવનમાં એકસાથે મેદાનમાં ઉતારશે નહીં. મને નથી લાગતું કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ મેનેજમેન્ટ ક્વિન્ટન ડી કોક અને રિકેલ્ટન બંનેને પ્લેઈંગ ઈલેવનમાં એકસાથે મેદાનમાં ઉતારશે. તેમાંથી ફક્ત એક જ ઓપનિંગ ઓર્ડરમાં હશે."
હરભજને કહ્યું કે રોહિત શર્મા ઓપનિંગની જવાબદારી સંભાળશે, જ્યારે ડી કોક અથવા રિકેલ્ટન તેની સાથે ઇનિંગની શરૂઆત કરશે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે ટોચના ક્રમમાં રોહિત શર્મા પણ છે. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા ત્રીજા અને ચોથા નંબરે આવશે. તેથી મને નથી લાગતું કે આપણે ક્વિન્ટન ડી કોક અને રિકેલ્ટનને એક જ સમયે સાથે રમતા જોઈશું."