(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ખેંચાઇ રહેલા વરસાદે ચિંતા જગાવી છે, શ્રાવણ માસમાં મેઘરાજાની રાહ જોયા છતાં નામ પુરતો પણ વરસાદ પડ્યો નથી. ચોમાસાની ઋતુ અડધી વીતી ગઈ છે ત્યારે રાજ્યના જળાશયોની સ્થિતિ ચિંતાજનક છે, જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રાજ્યના જળ સંપત્તિ વિભાગના આંકડા મુજબ, રાજ્યના કુલ 206 ડેમોમાંથી 145 ડેમો એવા છે જેમાં પાણીનો જળસંગ્રહ 50 ટકા કે તેનાથી પણ ઓછો નોંધાયો છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. અહેવાલો અનુસાર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં મોટાભાગના ડેમોમાં જળસ્તર ઘણું જ નીચે છે.
વિસ્તારવાર આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્ર વિસ્તારના 141 ડેમોમાંથી 111 ડેમોમાં જળસંગ્રહ 50 ટકા કે તેનાથી ઓછો છે. આ વિસ્તારમાં કુલ ક્ષમતા 2588.53 મિલિયન ક્યુબિક મીટર (એમસીએમ) સામે હાલ માત્ર 1338.35 એમસીએમ એટલે કે 51.70 ટકા જ પાણી ઉપલબ્ધ છે.
એ જ રીતે, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાંથી 11 ડેમોમાં પણ જળસંગ્રહ 50 ટકાથી ઓછો છે. આ વિસ્તારના ડેમોમાં કુલ 1932.69 એમસીએમની ડિઝાઇન ગ્રોસ ક્ષમતા સામે માત્ર 852.62 એમસીએમ એટલે કે 44.12 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે, જે ખેડૂતો અને સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય છે.
ઉત્તર ગુજરાતમાં 15 યોજનાઓમાં કુલ જળસંગ્રહ માત્ર 44.12 ટકા છે, જ્યાં બનાસકાંઠામાં 20.98 ટકા જળસંગ્રહ છે, જ્યારે મહેસાણામાં 52.17 ટકા અને સાબરકાંઠામાં 52.21 ટકા જળસંગ્રહ નોંધાયો છે. અરવલ્લીમાં 58.83 ટકા પાણી છે.
કચ્છના 20 ડેમમાંથી 19 ડેમોમાં જળસંગ્રહ અડધાથી પણ ઓછો
કચ્છ જિલ્લાની વાત કરીએ તો ત્યાંના 20 ડેમોમાંથી 19 ડેમમાં જળસંગ્રહ અડધાથી પણ ઓછો નોંધાયો છે. આ વિસ્તારના ડેમોમાં માત્ર 24.98 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. બીજી તરફ, મધ્ય ગુજરાતના 17 ડેમોમાંથી 3 ડેમોમાં જળસંગ્રહ 50 ટકાથી નીચે છે અને કુલ સરેરાશ જળસંગ્રહ 65.76 ટકા નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતની સ્થિતિ અન્ય વિસ્તારો કરતા થોડી રાહતરૂપ છે, જ્યાં 13 ડેમોમાંથી માત્ર 1 ડેમમાં જળસંગ્રહ 50 ટકાથી ઓછો છે અને વિસ્તારની કુલ સરેરાશ 77.28 ટકા છે. જોકે, સરદાર સરોવર સિવાય સમગ્ર રાજ્યનો એકંદરે જળસંગ્રહ 66.25 ટકા છે, જે તંત્ર માટે આગોતરું આયોજન કરવાની ચેતવણી સમાન છે.