Mon Aug 31 2026

Logo

IPL ફાઈનલ બાદ મોટી દુર્ઘટના ટળી: ગુજરાત ટાઈટન્સની બસમાં શોર્ટ સર્કિટ, ખેલાડીઓનો આબાદ બચાવ!

2026-06-01 08:32:00
Author: Mayur Patel
IPL ફાઈનલ બાદ મોટી દુર્ઘટના ટળી: ગુજરાત ટાઈટન્સની બસમાં શોર્ટ સર્કિટ, ખેલાડીઓનો આબાદ બચાવ!

અમદાવાદઃ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાયેલી આઈપીએલ 2026ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ સામે 5 વિકેટથી પરાજય થયો હતો. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 155 રન બનાવ્યા હતા. આરસીબીએ 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 161 રન બનાવીને ફાઈનલ મુકાબલો જીત્યો હતો. આઈપીએલ 2026ની ફાઈનલમાં નિરાશાનજક હાર બાદ ગુજરાત ટાઈટન્સની બસમાં આગ લાગવાથી એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી.

રિપોર્ટ મુજબ, બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે તેમામ ખેલાડીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ શોર્ટ સર્કિટ બસ મેચ પૂરી થયા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટલ જતી હતી ત્યારે બની હતી. આગના કારણે ખેલાડીઓ એક કલાક સુધી રોડ પર જ ફસાયેલા રહ્યા હતા. ટીમ મેનેજમેન્ટ દ્વારા તમામ ખેલાડીઓને બીજી બસમાં સહી સલામત હોટલ પહોંચાડવામાં આવ્યા હતા.

ગુજરાત ટાઈટન્સ માટે છેલ્લા થોડા દિવસો થોડા પડકારજનક રહ્યા છે. ફાઈનલ પહેલાં પણ ટીમને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનના કારણે અમદાવાદ પહોંચનારી ટીમની ચાર્ટર્ડ ફ્લાઈટ આશરે ત્રણ કલાક મોડી રવાના થઈ હતી. જેના કારણે ટીમ 30 મે ના રોજ મોડી રાત્રે અમદાવાદ પહોંચી શકી હતી. એટલું જ નહીં આ કારણે શુભમન ગિલ અને રજત પાટીદાર વચ્ચે થનારું કેપ્ટનોનું ફોટોશૂટ પણ સ્થગિત કરવું પડ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સનું છેલ્લાં 5 દિવસમાં ખૂબ વ્યસ્ત શેડ્યૂલ હતું. 26 મે ના રોજ ધરમશાલામાં રમાયેલી ક્વોલિફાયર-1માં આરસીબી સામે હાર થઈ હતી. જે બાદ ટીમ ચંદીગઢ પહોંચી હતી અને 29 મેના રોજ રાજસ્થાન રૉયલ્સ સામે ક્વોલિફાયર-2 જીતીને ફાઈનલમાં પહોંચી હતી. સતત ટ્રાવેલિંગ, દબાણ અને ફાઈનલ મુકાબલા વચ્ચે ગુજરાત ટાઈટન્સે શાનદાર સંઘર્ષ કર્યો પરંતુ ઘરેલું મેદાન પર રમાયેલી ફાઈનલમાં ટીમ ટ્રોફી જીતવાથી ચૂકી ગઈ હતી.