બેંગ્લૂરુઃ 15 વર્ષના ટીનેજ-સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ હજી તો અઠવાડિયા પહેલાં (રવિવાર, 23મી ઑગસ્ટે) દુલીપ ટ્રોફીમાં વાઇસ-કૅપ્ટન તરીકેની જવાબદારી પહેલી વખત સંભાળી ત્યાં તો રવિવાર, 30મી ઑગસ્ટે તેના માટે `કૅપ્ટન્સી' સંભાળવાની ઓચિંતી જવાબદારી આવી પડી જે માત્ર ભારતીય ક્રિકેટ માટે નહીં, પણ સમગ્ર ક્રિકેટ જગત માટે આશ્ચર્યની વાત છે.
વાત એવી છે કે બિહારના સમસ્તીપુર જિલ્લાનો વૈભવ રવિવાર, 30મી ઑગસ્ટે બેંગ્લૂરુમાં દુલીપ ટ્રોફીની સેમિ ફાઇનલમાં કાર્યવાહક કૅપ્ટન બન્યો હતો. ઈસ્ટ ઝોનના મુખ્ય સુકાની ઇશાન કિશનને ઈજા થતાં સેન્ટ્રલ ઝોન સામેની સેમિ ફાઇનલમાં નેતૃત્વ સંભાળવાની જવાબદારી વૈભવના ખભે આવી હતી.
કિશને સારવાર માટે મેદાનની બહાર જતા રહેવું પડ્યું ત્યાર બાદ સેન્ટ્રલ ઝોનની 19મી ઓવરમાં વૈભવે ટીમનું નેતૃત્વ સંભાળવાની શરૂઆત કરી હતી. એ સાથે તે સિનિયર ટીમનો પહેલી વખત કૅપ્ટન બન્યો હતો.
કિશન વિકેટકીપર છે અને ફીલ્ડિંગ દરમ્યાન તેના જમણા કાંડા પર બૉલ વાગ્યો હતો. ટીમ ફિઝિયો દ્વારા મેદાન પર જ તેને તાકીદની સારવાર અપાઈ હતી, પણ પછીથી તે મેદાનની બહાર ગયો હતો અને પછી હાથ પર પટ્ટી બંધાવીને પાછો આવ્યો હતો. કિશનની ગેરહાજરીમાં ઝારખંડના કુમાર કુશાગ્રએ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી.

વૈભવ (Vaibhav)ને આ મહિનાની શરૂઆતમાં ઈસ્ટ ઝોનનો વાઇસ-કૅપ્ટન ઘોષિત કરવામાં આવ્યો ત્યારે ઘણાને આંચકો લાગ્યો હતો અને સિલેક્ટરોના આ નિર્ણયની ટીકા પણ થઈ હતી. જોકે સિલેક્ટરોની એવી પ્રતિક્રિયા હતી કે વૈભવના ક્રિકેટર તરીકેના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
વૈભવે 23-25 ઑગસ્ટ સુધી દુલીપ (Duleep) ટ્રોફીમાં ઈસ્ટ ઝોન અને નોર્થ ઈસ્ટ ઝોન વચ્ચે રમાયેલી ક્વૉર્ટર ફાઇનલમાં વૈભવે બોલિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે બે વિકેટ પણ લીધી હતી.