Tue Sep 01 2026

Logo

સુનીલ ગાવસકરનું અનોખું સૂચન, ‘આ ભારતીય સ્પિનરોને પેનલ્ટી કરો અને પૈસા ટીમને ડિનર કરવા માટે આપો'

2026-08-30 17:41:48
Author: Ajay Motiwala
સુનીલ ગાવસકરનું અનોખું સૂચન, ‘આ ભારતીય સ્પિનરોને પેનલ્ટી કરો અને પૈસા ટીમને ડિનર કરવા માટે આપો'

નવી દિલ્હીઃ ભારતીય બોલરોની મેદાન પર બોલિંગને લગતી એક પ્રકારની ગેરશિસ્તથી બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર (Gavaskar) નારાજ છે અને તેમણે આવી ગેરશિસ્ત બદલ બોલરોને (ખાસ કરીને સ્પિનરોને) નાણાકીય દંડ કરવાનું તેમ જ ફરી ભૂલ થાય તો દંડ બમણો કરી દેવાનું સૂચન કર્યું છે.

ગાવસકર ઘણા દાયકાઓથી ક્રિકેટર તરીકે નિવૃત્ત છે, પરંતુ ભારતીય ક્રિકેટના વહીવટમાં આડકતરી રીતે તેમની ઘણી હાજરી રહી છે. તેઓ સમયાંતરે રાષ્ટ્રીય ક્રિકેટના તેમ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સુધારા માટે કોઈને કોઈ સૂચન કરતા હોય છે તેમ જ જો કોઈ ખેલાડીમાં કોઈ પ્રકારની ક્ષતિ દેખાય તો તેઓ કૉમેન્ટરી દરમ્યાન અથવા મીડિયા સાથેની મુલાકાત દરમ્યાન એ વિશે ટકોર કરતા હોય છે.

ઉતાવળે ઊંચા શૉટ મારીને વિકેટ ફેંકી દેવાની રિષભ પંતની આદત વિશે થોડા મહિના પહેલાં ગાવસકરે કૉમેન્ટરી દરમ્યાન `સ્ટૂપિડ...સ્ટૂપિડ...સ્ટૂપિડ...'ની બૂમ સાથે જે ટકોર કરી હતી એની ઘણા દિવસ સુધી ક્રિકેટ જગતમાં ચર્ચા થઈ હતી.

આ વખતે ગાવસકરે ભારતના ટેસ્ટ સ્પિનરો (Spinners)ને નિશાન બનાવ્યા છે. તાજેતરમાં શ્રીલંકા ખાતેના પ્રવાસમાં ભારતે 1-0થી જીતેલી સિરીઝ દરમ્યાન ભારતીય સ્પિનરોએ ઘણા નો બૉલ ફેંક્યા હતા. સિરીઝ દરમ્યાન ઓવરસ્ટેપિંગ નો બૉલની સમસ્યા ભારતીય ટીમને ખૂબ નડી હતી. એ બાબતને ધ્યાનમાં લઈને ગાવસકરે કેટલાક તાકીદના પગલાં સૂચવ્યા છે.

એક જાણીતા અંગે્રજી દૈનિકની કૉલમમાં ગાવસકરનું કહેવું છે કે `હવે તો રન-અપ માપવા માટે મેઝર ટેપથી માંડીને આધુનિક સાધનો અને યંત્રો સુધીની સુવિધા ઉપલબ્ધ હોય છે એ જોતાં બોલર જો બૉલ ફેંકતી વખતે ક્રીઝ પરની લાઇન વારંવાર પાર કરી જાય એ વિશે તેમનું કોઈ બહાનું ચાલે જ નહીં.

નો બૉલ ન પડી જાય એવો અંકુશ ખુદ બોલરના પોતાનામાં જ હોવો જોઈએ. ભારતીય બોલરો વારંવાર નો બૉલ ફેંકે છે એ મુદ્દો હાલમાં ચર્ચાસ્પદ થયો છે. નો બૉલને લીધે મૅચમાં બાજી પલટાઈ શકે છે એટલે આ ક્ષતિ તત્કાળ દૂર કરવી રહી.'

ભારતના સ્પિન-બોલિંગ કોચે તાજેતરમાં મજાકમાં સૂચવ્યું હતું કે `ટેસ્ટ-ક્રિકેટમાં પણ જો ફ્રી-હિટ શરૂ કરવામાં નો બૉલની સંખ્યા ઘટાડવામાં ઘણી મદદ મળશે.' જોકે ગાવસકરે આ દરખાસ્ત દૃઢપણે નકારી દેતાં એવી દલીલ કરી કે `અન્ય નિયંત્રણો દરમ્યાન સિનારિયો જ્યારે બૅટિંગની તરફેણમાં હશે ત્યારે નિયમમાં આવા ફેરફારથી બૅટ્સમેનો માટે રન કરવા વધુ આસાન થઈ જશે.

હાલમાં જ ઓવરમાં બે જ બાઉન્સર સહિત એવા કેટલાક નિયમો છે જે બૅટ્સમેનોની તરફેણમાં છે. મારું સૂચન છે કે જો કોઈ બોલર ટેસ્ટમાં નો બૉલ ફેંકે તો તેને દંડ કરવો જોઈએ અને ફરી એ જ ગુનો કરે તો દંડ (Penalty) બમણો થતો જાય એવો નિયમ બનવો જોઈએ. એટલું જ નહીં, અડધા ભાગનો દંડ બોલિંગ-કોચને પણ થવો જોઈએ અને જે તે ટીમના ખેલાડીઓ મૅચ પછી છૂટા પડે એ પહેલાં આ બધા દંડની રકમ ભેગી કરીને ટીમ માટે ડિનર રાખવું જોઈએ.'

ગાવસકરે આ પ્રકારના દંડ ટીમમાં શિસ્તમાં સુધારો લાવવાના હેતુથી કરી છે. તેમનું એવું પણ કહેવું છે કે `ફીલ્ડિંગ દરમ્યાન જો કોઈ ખેલાડી બૉલ ફેંકે ત્યારે બૅક-અપ બરાબર ન કરનાર ફીલ્ડરને દંડ થવો જોઈએ. આવા પ્રકારના દંડ કરવા કે નહીં એ વિશે ટીમમાં અંદરોઅંદર વોટિંગ થવું જોઈએ કે જેથી ટીમમાં એકતા અને સંગઠિતતા વધે અને ટીમ વધુ મજબૂત થાય.'