Sat Sep 05 2026

Logo

ગુજરાત ATSનું મોટું ઓપરેશન: પાલનપુરથી ઝડપાયો પંજાબનો કુખ્યાત ગેંગસ્ટર

2026-08-25 19:48:28
Author: Devayat Khatana
ગુજરાત ATSનું મોટું ઓપરેશન: પાલનપુરથી ઝડપાયો પંજાબનો કુખ્યાત ગેંગસ્ટર

અમદાવાદ: પંજાબના કુખ્યાત ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની સિન્ડિકેટ સાથે સંકળાયેલા અને પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ફાયરિંગ તથા હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ એક શખસને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. 

ગુજરાત ATS દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, સુખપિન્દર સિંહ ઉર્ફે સુખી નામના આ આરોપીને 22 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી એક હોટેલમાંથી બાતમીના આધારે દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીની અટકાયત કર્યા બાદ તેને વધુ પૂછપરછ માટે અમદાવાદ સ્થિત ATS કચેરી ખાતે લાવવામાં આવ્યો છે.

ATSની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે ગત 20 જુલાઈના રોજ તેણે તેના સાથીદારો સાહિબદીપ સિંહ, ગગનદીપ સિંહ અને વિક્રમજીત સિંહ ઉર્ફે વિકી સાથે મળીને પંજાબના બટાલામાં એક સ્થાનિક વેપારી મહેકદીપ સિંહ (ફરિયાદી) ની દુકાન પાસે ફાયરિંગ કર્યું હતું. 

આ ઘટના સંદર્ભે બટાલા પોલીસ મથકમાં આરોપી સુખપિન્દર સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ) અને 324 (4) તેમ જ આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં પંજાબ પોલીસ તેને સઘન રીતે શોધી રહી હતી.

ગુનાને અંજામ આપ્યા બાદ પકડાઈ જવાની બીકે આરોપી સુખપિન્દર પંજાબના કાદિયાન વિસ્તારમાં રહેતી તેની કાકીના ઘરે ગયો હતો. ત્યાં તેણે પોતાની લાયસન્સવાળી રાઈફલ તેના પિતરાઈ ભાઈને આપી દીધી હતી. ત્યારબાદ પોલીસથી બચવા માટે તે દિલ્હી, હૈદરાબાદ અને મહારાષ્ટ્રના નાંદેડ થઈને પાલનપુર પહોંચ્યો હતો. 

ગુરદાસપુરના વતની સુખપિન્દર સિંહનો લાંબો ગુનાહિત ઇતિહાસ રહ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. તેની સામે પંજાબ અને ગુજરાતમાં હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે. એટલું જ નહીં, વર્ષ 2021માં ડ્રગ્સ સંબંધિત એક કેસમાં તેણે દુબઈની જેલમાં નવ મહિનાની સજા પણ કાપી હોવાનું જાણવા મળ્યું છે.

પાલનપુરમાં છુપાઈને બેઠેલા આ આરોપી વિશે ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે રાજસ્થાન સરહદ નજીકના આ શહેરમાં વોચ ગોઠવીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 
હાલમાં ગુજરાત ATS દ્વારા સુખપિન્દર સિંહની અટકાયત અંગે પંજાબ પોલીસને સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે. આરોપી સામે પંજાબમાં ગુનો નોંધાયેલો હોવાથી આગળની કાયદેસરની અને કાનૂની કાર્યવાહી હાથ ધરવા માટે તેને પંજાબ પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.