Sat Sep 05 2026

Logo

ગુજરાતમાં પ્રતિબંધિત ડેરી-એનાલોગ્સ અંગે કાર્યવાહી, બે દિવસમાં 5.28 લાખનો જથ્થો જપ્ત

2026-08-07 22:15:48
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં પ્રતિબંધિત ડેરી-એનાલોગ્સ અંગે કાર્યવાહી, બે દિવસમાં 5.28 લાખનો જથ્થો જપ્ત

ગાંધીનગર: ગુજરાતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર રાજ્યમાં બનાવટી ‘ડેરી-એનાલોગ્સ’(ચીઝ એનાલોગ / પનીર એનાલોગ) સામે સઘન દરોડા અને તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

વડોદરા કોર્પોરેશનમાંથી 471 કિ.ગ્રા જથ્થો ઝડપાયો 

આ ઝુંબેશ ભાગરૂપે તા. 06  ઓગસ્ટ 2026ના રોજ સૌથી વધુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 471  કિ.ગ્રા રૂ.1.5  લાખનો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 235  કિ.ગ્રા રૂ. 58 હજારથી વધુની કિમતનો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 115 કિ.ગ્રા રૂ.30  હજારથી વધુની કિમતનો ‘ડેરી-એનાલોગ્સ’નો નાશ કરાયો હતો. 

જૂનાગઢ જિલ્લામાંથી 585 કિ.ગ્રા જથ્થો ઝડપાયો 

આ ઉપરાંત તા. 07 ઓગસ્ટ 2026ના રોજ  સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાંથી 585  કિ.ગ્રા રૂ.2.04 લાખથી વધુ કિંમતનો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 27 કિ.ગ્રા રૂ.6750 , જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 29 કિ.ગ્રા રૂ.6500  ની કિમતનો  ‘ડેરી-એનાલોગ્સ’નાશ કરવામાં આવ્યો હતો.

કુલ 842 પેઢીઓમાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી

આમ આ ઝુંબેશ હેઠળ તંત્રની વિવિધ ટુકડીઓ દ્વારા છેલ્લા બે દિવસમાં તા. 06  અને તા. 07  ઓગસ્ટ, 2026  દરમિયાન રાજ્યભરમાં કુલ 842  પેઢીઓમાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને ભેળસેળયુક્ત એવો કુલ 1750  કિલોગ્રામ અંદાજિત રૂ. 5.28 લાખ  કિંમતનો પનીર/ચીઝ એનાલોગ જથ્થો પકડી પાડી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો

આરોગ્ય જોખમમાં મુકનાર કોઇને છોડવામાં નહિ આવે 

આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા વેપારીઓ સામે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. દૂધ, પનીર કે ચીઝના નામે એનાલોગ્સ (બનાવટી પ્રોડક્ટ્સ) વેચીને પ્રજાની આરોગ્ય  જોખમમાં મુકનાર કોઈપણ વેપારી કે ઉત્પાદકને છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી તપાસ અને ઝુંબેશ ચાલુ રહેશે.