અમદાવાદઃ આજે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.00 વાગ્યાના ટૉસ બાદ 7.30 વાગ્યે ગુજરાત ટાઇટન્સ (GT) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) વચ્ચે શરૂ થનારી આઇપીએલની 19મી સીઝનની રોચક ફાઇનલ (FINAL)નો ખરો રોમાંચ ઓછામાં ઓછા પાંચ વ્યક્તિગત મુકાબલાઓમાં સમાયેલો રહેશે અને આ પાંચ જંગમાં બન્ને ટીમના મોટા ભાગના મૅચ-વિનર્સ સામેલ હશે.
આજની ફાઇનલ ખરેખર તો સુપરસ્ટાર ખેલાડીઓ વચ્ચેનો જંગ છે. એક તરફ બેંગ્લૂરુના બે સુપરસ્ટાર વિરાટ કોહલી તથા ભુવનેશ્વર કુમાર છે તો બીજી તરફ ગુજરાતના બે મૅચ-વિનર્સ શુભમન ગિલ અને જૉસ બટલર છે. આ પાંચ મુકાબલાના 10માંથી એક ખેલાડી પણ મૅચની બાજી પલટાવી શકે એમ છે.
કોની વચ્ચે મુકાબલા જોવા મળી શકે?
વિરાટ કોહલી વિરુદ્ધ મોહમ્મદ સિરાજઃ
આ વ્યક્તિગત જંગ બૅટ્સમૅન વિરુદ્ધ બોલરનો જ નહીં, પણ બે ખેલાડીઓની ભાવના વચ્ચેનો પણ છે. ઘણા વર્ષો સુધી સાથી ખેલાડી તરીકે રમનાર આ બન્ને પ્લેયર હવે સામસામે છે અને એમાં ચડિયાતા પુરવાર થવાની બન્નેની કોશિશ હશે. કોહલીએ સિરાજ વિરુદ્ધ અત્યાર સુધીમાં 19 બૉલમાં 31 રન બનાવ્યા છે અને તેની સામે એકેય વખત આઉટ નથી થયો. જોકે આ ફાઇનલ જંગ છે. જો કોહલી પાવરપ્લેની છ ઓવર હેમખેમ કાઢી નાખશે તો એ જ જૂની સ્ટોરી શરૂ થશે...વિરાટ સેટ એટલે આરસીબી ખતરનાક.
શુભમન ગિલ વિરુદ્ધ ભુવનેશ્વર કુમારઃ
ગુજરાતનો કૅપ્ટન ગિલ આખી ટૂર્નામેન્ટમાં સારું રમ્યો છે અને શુક્રવારની સેમિ ફાઇનલ સહિતની ઘણી મૅચોમાં તેણે મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું છે, પરંતુ ભુવનેશ્વર તેના માટે હંમેશાં મોટો પડકાર બન્યો છે. ભુવી અત્યાર સુધીમાં આઇપીએલમાં ગિલને છ વખત આઉટ કરી ચૂક્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ગિલ તેની સામે જે 79 બૉલ રમ્યો છે એમાં 41 ડૉટ-બૉલ રહ્યા છે. બીજી રીતે કહીએ તો ભુવી ફક્ત વિકેટ જ નથી લેતો, પણ બૅટ્સમૅનને (ગિલને) અંકુશમાં પણ રાખે છે. ક્વૉલિફાયર-વનમાં ભુવીને શાનદાર ઇનસ્વિંગરથી ગિલને ક્લીન બોલ્ડ કર્યો હતો.
જૉસ બટલર વિરુદ્ધ જૉશ હૅઝલવૂડઃ
ગુજરાતની બૅટિંગનું સૌથી મોટું એક્સ-ફેક્ટર બટલર છે. જોકે સામે હશે લાઇન ઍન્ડ લેન્ગ્થથી ભલભલા બૅટ્સમેનોને મૂંઝવી દેતો હૅઝલવૂડ. ટી-20માં હૅઝલવૂડ અત્યાર સુધીમાં બટલરને છ વખત આઉટ કરી ચૂક્યો છે. ક્વૉલિફાયર-વનમાં બન્ને વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળ્યો હતો. બટલર પહેલાં તો તેના બૉલમાં 4, 6 અને 4ના સ્કોરિંગ શૉટ મારવામાં સફળ થયો હતો, પણ પછી તરત જ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. હૅઝલવૂડ બેંગ્લૂરુની ટીમને બાજી હાથમાં લાવી દે એવો દમદાર પેસ બોલર છે.
રજત પાટીદાર વિરુદ્ધ કૅગિસો રબાડાઃ
બેંગ્લૂરુનો સુકાની થોડા દિવસોથી અલગ અંદાજમાં જ બૅટિંગ કરી રહ્યો છે. થોડી મૅચોમાં તેની લય જોવા મળી છે અને રબાડા જેવા ખતરનાક બોલર સામે તેનો રેકૉર્ડ સારો છે. તેણે રબાડાના બાવીસ બૉલમાં 56 રન બનાવ્યા છે અને અત્યાર સુધીમાં તેની બોલિંગમાં એકેય વખત આઉટ નથી થયો. ક્વૉલિફાયર-વનમાં પાટીદારે રબાડાની બોલિંગમાં લાગલગાટ છગ્ગા ફટકારીને ગુજરાતના છાવણીમાં બેઠેલાઓનું ટેન્શન વધારી દીધું હતું. પાટીદાર જો મિડલમાં રબાડા સામે સફળ થશે તો બેંગ્લૂરુ બહુ ઝડપથી મૅચને ગુજરાતના હાથમાંથી આંચકી શકશે.
સાઇ સુદર્શન વિરુદ્ધ જેકબ ડફીઃ
છેલ્લી સતત બે મૅચમાં (બૅટ હાથમાંથી છટકી જતાં) હિટવિકેટ થયેલો સુદર્શન આજે જેકબ ડફીની શરૂઆતની ઓવર્સ કેવી રીતે રમે છે એ જોવું રહ્યું. સુદર્શને બૅટના હૅન્ડલ પરની પકડ મજબૂત બનાવી રાખવાની ટેક્નિક જાણી લઈને આજે રમવાનો છે. શરૂઆતમાં જ જો સુદર્શનને ડફી અંકુશમાં રાખશે તો ગુજરાત માટે જીતવું મુશ્કેલ નહીં હોય.