Tue Oct 06 2026

Logo

રવિવારે રોહિત-કોહલી શૉ જોવા તૈયાર થઈ જાઓ

2026-09-26 22:44:43
Author: Ajay Motiwala
રવિવારે રોહિત-કોહલી શૉ જોવા તૈયાર થઈ જાઓ

બપોરે 2.00 વાગ્યાથી પ્રથમ વન-ડે

તિરુવનન્તપુરમઃ ભારત (India) અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રવિવારે અહીં સિરીઝની પ્રથમ વન-ડે (બપોરે 2.00 વાગ્યાથી) રમાશે અને એ સાથે થોડા દિવસ માટે ક્રિકેટપ્રેમીઓને ફરી એક વખત રો-કો તરીકે જાણીતા રોહિત-કોહલીની આતશબાજીનો શૉ જોવાનો મોકો મળશે. ત્રીજી ઑક્ટોબર સુધી ચાલનારી આ સિરીઝની બીજી તથા ત્રીજી વન-ડે (ODI) અનુક્રમે ગુવાહાટી અને ન્યૂ ચંડીગઢમાં રમાશે.

બન્ને બૅટિંગ-લેજન્ડ હવે આઇપીએલ ઉપરાંત માત્ર વન-ડે ફૉર્મેટમાં જ જોવા મળતા હોવાથી સ્ટેડિયમ હોય કે ટીવીનો પડદો, ચાહકો તેમને રમતા જોવાનો કોઈ મોકો નહીં છોડે, કારણકે તેઓ હવે માંડ એક વર્ષ સુધી જ રમતા જોવા મળવાના છે.

રોહિતનું વિશાળ કટઆઉટ

તિરુવનન્તપુરમમાં શનિવારે ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની બહાર રોહિત શર્માનું મહાકાય કટઆઉટ લગાડવામાં આવ્યું હતું.

શાઇ હોપની કૅરિબિયન ટીમ સામે હાર્દિક, બુમરાહ અને શ્રેયસ વગરની આ સિરીઝમાં રમનારા ખેલાડીઓમાં ખાસ કરીને કૅપ્ટન શુભમન ગિલ ઉપરાંત યશસ્વી, ગાયકવાડ, રાહુલ, જાડેજા, જુરેલ, નીતીશ રેડ્ડી, નમન ધીર, ગુરનૂર બ્રાર, આકિબ નબી, કુલદીપ, ક્રિષ્ના અને સિરાજનો સમાવેશ છે.

ગંભીર વન-ડે ટીમ સાથે, લક્ષ્મણ જાપાનમાં

મુખ્ય કોચ ગૌતમ ગંભીર આ સિરીઝમાં ટીમની સાથે રહેશે. બીજી તરફ, સોમવારે જાપાનની એશિયન ગેમ્સમાં શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં અને વીવીએસ લક્ષ્મણના કોચિંગમાં ભારતીયો ટી-20 ટૂર્નામેન્ટમાં રમશે.