Mon Oct 05 2026

Logo

2027માં છેલ્લો વર્લ્ડ કપ રમીશ, ટાઇટલ જીતવા બધુ દાવ પર લગાવી દઈશઃ કોહલી

2026-09-26 21:37:59
Author: Ajay Motiwala
2027માં છેલ્લો વર્લ્ડ કપ રમીશ, ટાઇટલ જીતવા બધુ દાવ પર લગાવી દઈશઃ કોહલી

તિરુવનન્તપુરમઃ ભારતના બૅટિંગ સુપરસ્ટાર વિરાટ કોહલીએ કહ્યું છે કે આવતા વર્ષે રમનારો વન-ડે વર્લ્ડ કપ તેનો છેલ્લો હશે અને એની ટ્રોફી જીતવા માટે તે બધુ દાવ પર લગાવી દેશે. ઉલ્લેખનીય છે કે 2027નો વિશ્વ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં સંયુક્ત રીતે યોજાશે.

ખરું કહીએ તો વિરાટે આવું કહીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તે ઑક્ટોબર, 2027ના વર્લ્ડ કપ સુધી ભારત વતી રમતો રહેવાનો છે. બીજી રીતે કહીએ તો વિરાટ એક વર્ષ સુધી ફૉર્મમાં હોય કે ન હોય, તે 2027નો વર્લ્ડ કપ રમવાનો જ છે અને કોઈ પણ સિલેક્ટર તેને એ ટૂર્નામેન્ટની ટીમની બહાર રાખવાની હિંમત નહીં કરે.

37 વર્ષનો કિંગ કોહલી (Kohli) હવે ભારત વતી માત્ર વન-ડે ફૉર્મેટમાં જ રમે છે. તેણે રવિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થતી વન-ડે સિરીઝની પૂર્વસંધ્યાએ એક જાણીતી ઍપ સાથે ઘણી વાતચીત કરી હતી. તેણે પત્રકારને કહ્યું, `2027નો વન-ડે વર્લ્ડ કપ મારો અંતિમ હશે. એ જ મારા માટે ટાઇટલ જીતવા માટેનું સૌથી મોટું પ્રોત્સાહન છે. હું બનતું બધુ કરી છૂટીશ. બધુ દાવ પર લગાવી દઈશ. એ માટે હું તૈયાર છું. મારો એકમાત્ર ધ્યેય વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનો છે.'

જોકે વિરાટ અગાઉ એક વન-ડે વર્લ્ડ કપ (World Cup)ના ચૅમ્પિયનપદનો હિસ્સો રહી ચૂક્યો છે. 2011માં એમએસ ધોનીની કૅપ્ટન્સીમાં ભારતે જે વન-ડે વર્લ્ડ કપ જીતી લીધો હતો એની ટીમમાં વિરાટ હતો. નવેમ્બરમાં વિરાટ 38 વર્ષનો થશે. તેણે વધુમાં કહ્યું, `હવે તો ટી-20ના સ્તર જેવી તીવ્રતાવાળી લગભગ 10 વન-ડે મૅચ મોટી ટૂર્નામેન્ટમાં રમાતી હોય છે. અઢી ટી-20 મૅચ બરાબર એક વન-ડે થાય. એ જોતાં 10 વન-ડે રમવી એ બહુ મોટી વાત કહેવાય અને એ પણ વિદેશી પિચો પર!'

39 વર્ષનો રોહિત શર્મા પણ આ ઇન્ટરવ્યૂમાં હતો અને તેણે વર્લ્ડ કપ બાબતમાં પૂછાતાં કહ્યું, `વર્લ્ડ કપનો પડકાર કંઈક જુદો જ હોય છે. એ અલગ જગ્યાએ અલગ હરીફો સામે રમાતો હોય છે. હું વર્લ્ડ કપ બાબતમાં ઉત્સુક અને એક્સાઇટેડ છું.'