સ્થાનિક ચાંદીમાં રૂ. 5731નો ઊછાળો, સોનું રૂ. 289 વધ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાના આશાવાદ સાથે આજે સતત બીજા સત્રમાં ડૉલર ઈન્ડેક્સ તથા ક્રૂડતેલના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં એક ટકાનો અને ચાંદીના ભાવમાં 3.4 ટકાનો સુધારો આગળ ધપ્યો હતો અને બન્ને કિંમતી ધાતુઓના ભાવ બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ખાસ કરીને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 5731ની તેજી આગળ ધપી હતી, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 288થી 289નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 20 પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5731ની તેજી સાથે રૂ. 2,54,798ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વિશ્વ બજાર પાછળ સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 288 વધીને રૂ. 1,50,544 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 289 વધીને રૂ. 1,51,149ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણલક્ષી છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો વધીને આૈંસદીઠ 4735.32 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે એક તબક્કે ભાવ વધીને ગત 23મી એપ્રિલ પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે જૂન ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકો વધીને આૈંસદીઠ 4745.90 ડૉલર આસપાસ અને ચાંદીના ભાવ 3.4 ટકાની તેજી સાથે આૈંસદીઠ 79.93 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડી છે ત્યારે ક્રૂડતેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો થાય છે ત્યારે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે સોના અને ચાંદી સહિતની કિંમતી અસ્ક્યામતોમાં સુધારાતરફી વલણ જોવા મળતું હોય છે, એમ સિટી ઈન્ડેક્સનાં વિશ્લેષક ફવાદ રફીકઝાદાએ જણાવ્યું હતું
તહેરાન અમેરિકાનાં શાંતિ પ્રસ્તાવો પર વિચાર કરી રહ્યું છે અને ટૂંક સમયમાં યુદ્ધનો અંત આવશે, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ તક્ક્કાવાર મોકળો થશે અને ઈરાન ન્યૂક્લિયર કાર્યક્રમ બંધ કરશે, એમ ટ્રમ્પે જણાવ્યું હોવાથી આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેવાની સાથે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે ડૉલર ઈન્ડેક્સ બે મહિનાની નીચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યો હતો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટી આવતા આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર સુધીમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી 12 ટકા શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા હતા.