નવી દિલ્હી: તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા છ બહાદુર સૈનિકોના નામ પહેલીવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ નામોનો ઉલ્લેખ નેશનલ વોર મેમોરિયલ વેબસાઇટ પર કરવામાં આવ્યો છે. આ વેબસાઇટ પર તેઓના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જેણે ભારત માટે કોઈપણ યુદ્ધ અથવા ઓપરેશનમાં ભાગ લીધો હોય. હવે, આ મામલે રાજનીતિમાં ભારે ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન છ સૈનિકોના બલિદાન વિશેની માહિતી છુપાવીને સૈનિકોનું અપમાન કરવામાં આવ્યું હતું અને દેશની સંસદને પણ આ મુદ્દે ગેરમાર્ગે દોરવામાં આવી હતી.
કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેરાએ ટ્વિટર પર ગયા વર્ષે સંસદના ચોમાસા સત્ર દરમિયાન લોકસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ભાષણના એક ભાગનો વીડિયો શેર કર્યો હતો, જેમાં રાજનાથ સિંહને એમ કહેતા સાંભળી શકાય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશના બહાદુર સૈનિકોને કોઈ નુકસાન થયું નથી. હકીકતમાં ગયા વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન ફરજ બજાવતી વખતે શહીદ થયેલા છ સૈનિકોના નામ નેશનલ વોર મેમોરિયલ પર અંકિત કરવામાં આવ્યા છે. આ સૈનિકોમાં પાંચ સેનાના અને એક ભારતીય વાયુસેનાના જવાનનો સમાવેશ થાય છે.
महोदय, यह भी देख लेते : https://t.co/UWmmmh0GCH pic.twitter.com/MtBgtpeWFe
— Pawan Khera 🇮🇳 ಪವನ್ ಖೇರಾ (@Pawankhera) June 27, 2026
કોંગ્રેસ નેતા પવન ખેરાએ કહ્યું કે, "ફક્ત બે જ શક્યતાઓ છે. કાં તો સંરક્ષણ પ્રધાન સંસદને સંબોધતી વખતે છ સૈનિકોની શહીદીથી અજાણ હતા. જો એમ હોય, તો તે મંત્રીને જે મંત્રાલયનું નેતૃત્વ કરે છે તેના બાબતોની જાણકારીના અભાવ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે કહ્યું કે બીજી શક્યતા એ છે કે સંરક્ષણ પ્રધાન સત્ય જાણતા હતા અને છતાં તેમણે સંસદને ગેરમાર્ગે દોરવાનું પસંદ કર્યું. તેમણે કહ્યું હતું કે, આ વધુ ગંભીર છે, કારણ કે તે સાબિત કરે છે કે આ સરકાર લોકશાહીના મંદિરમાં શપથ લઈને રાષ્ટ્ર સમક્ષ જૂઠું બોલી રહી છે.
આ મામલે હવે સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે જે દાવા કરવામાં આવી રહ્યા છે તે જાણી જોઈને ગેરમાર્ગે દોરનારા અને હકીકતમાં ખોટા છે. મંત્રાલય દ્વારા તેના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ ગયા વર્ષે 28 જુલાઈના રોજ સંસદમાં સંરક્ષણ પ્રધાનના ભાષણને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ્સમાં જાણી જોઈને ભાષણના એક ભાગનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે, જાણે કે સંરક્ષણ પ્રધાને કહ્યું હોય કે ઓપરેશન સિંદૂર દરમિયાન કોઈ ભારતીય સૈનિક શહીદ થયા ગયા નથી. આ નિવેદનો ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરનારા અને હકીકતમાં ખોટા છે.