મુંબઈ: બોલીવૂડમાં ધમાકેદાર સ્ટંટ અને એક્શન ફિલ્મો માટે જાણીતા પ્રખ્યાત દિગ્દર્શક રોહિત શેટ્ટી ફરી એકવાર ગુનેગારોના નિશાના પર આવ્યા છે. તાજેતરમાં જ રોહિત શેટ્ટીને એક અજ્ઞાત નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર શખ્સે તેમની પાસે 20 કરોડ રૂપિયાની મસમોટી ખંડણી માંગી છે. આ હાઈ-પ્રોફાઈલ ધમકીના કારણે મુંબઈ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પોલીસ અધિકારીઓના પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટના પાછળ કુખ્યાત લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બિશ્નોઈ ગેંગ દ્વારા રોહિત શેટ્ટીના જુહુ સ્થિત બંગલાને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ નવ માળની ઇમારત પર હુમલાખોરોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી બિલ્ડિંગમાં આવેલા જીમના કાચ પર વાગી હતી.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આ ફાયરિંગ કેસમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે પકડાયેલા શૂટર્સને જે રકમ આપવામાં આવી હતી તે સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી અને તેને એટીએમ દ્વારા ઉપાડવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ હાલ આ બેંક ખાતાઓની વિગતોના આધારે નાણાં મોકલનાર મુખ્ય સૂત્રધારની શોધ કરી રહી છે. તપાસ દરમિયાન પોલીસને એવા પુરાવા મળ્યા છે કે આ ફાયરિંગ માટેના ફંડિંગનું કનેક્શન છેક નેપાળ સાથે જોડાયેલું છે.
હવે 20 કરોડની ખંડણીના આ નવા ધમકીભર્યા ફોન બાદ મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીની સુરક્ષાની સમીક્ષા કરી છે અને અજ્ઞાત ફોન કરનાર વ્યક્તિને ટ્રેસ કરવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે.