Thu Jul 23 2026

Logo

ગરમીના મહત્તમ જોખમ ધરાવતા વિશ્વના ટોપ-50 શહેરોમાં અમદાવાદ બીજા ક્રમે, મહારાષ્ટ્રના બે શહેરો સામેલ

2026-07-11 11:11:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડી છે. અમદાવાદમાં ગરમીએ કહેર વરસાવ્યો હતો અને ઉનાળાના ત્રણ મહિનાના 90 દિવસમાંથી આશરે 75 દિવસ તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું હતું. આ દરમિયાન  ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. અતિશય ગરમીના જોખમ ધરાવતા વિશ્વભરમાં શહેરોમાં અમદાવાદ બીજા ક્રમે હતું. જ્યારે વિશ્વના ટોપ-50 શહેરોમાં ભારતના 14 શહેરો હકા.  અમદાવાદ ગરમીના જોખમની દ્રષ્ટિએ ઈરાકના અલ બસરા પછી દુનિયામાં બીજું સૌથી વધુ જોખમી શહેર બન્યું હતું. આ લિસ્ટમાં મહારાષ્ટ્રના પણ બે શહેરો સામેલ થયા હતા.

વિશ્વના 205 સૌથી મોટા શહેરોના રેન્કિંગના વિશ્લેષણ અનુસાર, ભારત, પાકિસ્તાન, નાઇજીરીયા અને ઘાનામાં અતિશય ગરમીના જોખમવાળા શહેરોની સંખ્યા સૌથી વધુ હતી. આ યાદીના ટોપ-50 શહેરોમાં જયપુર જેવા અગ્રણી પ્રવાસી સ્થળો અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબનો પણ સમાવેશ થયો હતો.

મહારાષ્ટ્રના કયા બે શહેરો સામેલ

સૌથી વધુ જોખમ ધરાવતા શહેરોમાંથી 95 ટકાથી વધુ શહેરો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા તેમજ સબ-સહારા આફ્રિકામાં આવેલા છે. 'સસ્ટેનેબલ સિટીઝ એન્ડ સોસાયટી' જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં પૃથ્વી પર સતત વધી રહેલી ગરમી વચ્ચે સૌથી વધુ જોખમ ધરાવતા સ્થળોની ઓળખ કરવામાં આવી હતી. આ યાદી મુજબ, ઇરાકનું 'અલ બસરા' શહેર વિશ્વમાં સૌથી વધુ જોખમ ધરાવતું શહેર છે, ત્યારબાદ બીજા ક્રમે ગુજરાતનું અમદાવાદ હતું.

ટોપ-50 જોખમી સ્થળોમાં ભારતના જે 14 શહેરોનો સમાવેશ થાય છે, તેમાં મહારાષ્ટ્રના નાગપુર અને પુણે, તમિલનાડુના મદુરાઈ અને ચેન્નાઈ, કર્ણાટકનું બેંગલુરુ તેમજ ઉત્તર પ્રદેશના કાનપુર અને લખનઊનો સમાવેશ થાય છે.

કેવી રીતે કરવામાં આવ્યું વિશ્લેષણ

આ અભ્યાસમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ માટે ગરમી સંબંધિત બીમારીઓ અને મૃત્યુની સંવેદનશીલતા વધારતા વસ્તી વિષયક અને સામાજિક-આર્થિક પરિબળો (જેમ કે ઉંમર અને નાણાકીય સ્થિતિ) તેમજ એર કંડિશનિંગ જેવી કૂલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા અને વૃક્ષોના આવરણ જેવા કુદરતી પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે, ભારત, પાકિસ્તાન, નાઇજીરીયા અને ઘાનામાં આવા શહેરોની સંખ્યા સૌથી વધુ છે. કાઇરો (ઇજિપ્ત), બેંગકોક (થાઇલેન્ડ), હનોઇ (વિયેતનામ) અને જયપુર (ભારત) સહિતના મુખ્ય પ્રવાસી સ્થળો અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબ પણ ટોપ-50માં સ્થાન પામ્યા હતા.

રિપોર્ટ મુજબ વિશ્વભરમાં એર કંડિશનિંગની માંગ વધી રહી છે, પરંતુ ઘણા લોકો તેને ખરીદી શકે તેમ નથી.  જો એસી જેવા સાધનો પર વધારે આધાર રાખવામાં આવશે તો ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધી શકે છે. આ માટે બધાને પરવડે તેવા અને  ગરમીથી રાહત મેળવવા માટે પંખા કે કૂલર જેવી ઓછી ઉર્જા વાપરતી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો એ પહેલું પગલું હોવું જોઈએ.