પુણે: એક તરફ ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે પુણેમાં તહેવારો દરમિયાન મોટા અવાજે વગાડવામાં આવતા ડીજે અને અન્ય સાઉન્ડ એમ્પ્લિફિકેશન સિસ્ટમની વિરુદ્ધ આજે વિરોધ માર્ચ યોજવામાં આવી હતી. ડીજેના વિરોધમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈને ધ્વનિ પ્રદૂષણની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. બાલગાંધર્વ રંગમંદિર ખાતે યોજાયેલા આ વિરોધ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓએ ડીજે સિસ્ટમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવું અને ધ્વનિ પ્રદૂષણથી રક્ષણ મેળવવું દરેક નાગરિકનો અધિકાર છે.
પ્રદર્શનકારીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે જો સોલાપુર અને નાગપુર જેવા શહેરોમાં વહીવટીતંત્ર દ્વારા ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી શકે છે, તો પુણેમાં આવો નિર્ણય કેમ લેવામાં આવતો નથી. તેમણે પુણેમાં પણ તહેવારો દરમિયાન ઊંચા અવાજે વગાડાતા ડીજે પર કડક નિયંત્રણ અથવા સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરી હતી.
વિરોધ માર્ચ બાદ યોજાયેલી જાહેર સભામાં વક્તાઓએ પુણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે શનિવારે યોજાયેલા દહીંહંડીના ઉત્સવ દરમિયાન અનેક સ્થળોએ ધ્વનિની મર્યાદા કરતાં વધુ અવાજ કરવામાં આવ્યો હોવા છતાં પોલીસ તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી હતી.
આ વિરોધ માર્ચ બાલગંધર્વ રંગમંદિરથી શરૂ થઈને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય સુધી પહોંચી હતી. તેનું આયોજન લાઉડસ્પીકર ઓપોઝિશન પુણે સિટિઝન્સ ફોરમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વિરોધ પાછળનું એક મહત્વનું કારણ સામાજિક કાર્યકર વિદ્યાનંદ બાપટ પર તાજેતરમાં થયેલો હુમલો પણ છે. બાપટ લાંબા સમયથી ધ્વનિ પ્રદૂષણને રોકવા અને ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવાની માંગને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે.
ગણેશોત્સવ પહેલાં પુણેમાં ડીજે અને ઊંચા અવાજના સાઉન્ડ સિસ્ટમના ઉપયોગનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હવે નાગરિકોની માગણી વચ્ચે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર આ અંગે શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.