વિદેશી કલાકારોથી પ્રભાવિત થવું ઇઝ ઓકે, પણ આપણા દમદાર અભિનેતાઓની પણ યોગ્ય પ્રશંસા કરવી જોઈએ
હેન્રી શાસ્ત્રી
જયંત દેસાઈ દિગ્દર્શિત ‘દો બદમાશ’માં દીક્ષિત અને ઘોરી, ‘કોમેડી ઓફ એરર્સ’ ઉર્ફે ‘ભૂલ ભૂલૈયા’માં ઘોરી અને દીક્ષિત
કોમેડી કરવી સિરિયસ બાબત ગણાય છે, હાસ્ય - વિનોદ ગંભીર બાબત માનવામાં આવે છે. જોકે, ફિલ્મોને બિરદાવતા નેશનલ અવૉર્ડ - ફિલ્મફેર અવૉર્ડ કોમેડીને ગંભીરતાથી નથી લેતા એવું પ્રતીત થાય છે. તાજેતરમાં ઘોષિત થયેલા નેશનલ અવૉર્ડની યાદીમાં બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલ - શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો અવૉર્ડ કોને મળ્યો છે એ શોધવાની કોશિશ નિષ્ફ્ળ સાબિત થઈ. તરત યાદ આવ્યું કે આ વિભાગ માટે નેશનલ અવૉર્ડ આપવામાં જ નથી આવતો. પછી એક નજર દોડાવી ફિલ્મફેર અવૉર્ડ પર.
આ અવૉર્ડનો પ્રારંભ થયો 1954માં, પણ શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો અવૉર્ડ આપવાની શરૂઆત 1967માં થઈ અને 2007 પછી એ બંધ કરી દેવામાં આવ્યું હતું. કેમ? કોમિક રોલ કરતા કલાકારની અભિનય પ્રતિભાને એક એક્ટર તરીકે જ જોવી જોઈએ - બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલ અલગ બાબત ન ગણી શકાય એવી માન્યતાએશ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો અવૉર્ડને તાળું મારી દીધું.
ખેર. એકંદરે હિન્દી ફિલ્મો વિવિધ રસાયણોની બનેલી છે, જેમાં કોમેડી પણ એક મજેદાર રસાયણ ગણાયું છે.મૂક ફિલ્મોના દોરમાં તેમજ બોલપટ શરૂ થયા એ સમયમાં પણ હાસ્ય - હાસ્ય કલાકારોની હાજરી સતત જોવા મળી છે. હાસ્ય અભિનેતા - વિનોદી નટનો ઈતિહાસ પણ જૂનો અને ઉજ્જ્વળ છે.
‘એક કરતા બે ભલા’ - સાથ સંગાથમાં વધુ અનુકૂળતા રહે છે એ કહેવતમાં કદાચ કોમેડિયનોને શ્રદ્ધા હોવી જોઈએ. એટલે જ વિશ્વ ચિત્રપટ ઈતિહાસમાં કોમેડિયન પેર - હાસ્ય કલાકારોની જોડીએ સમયાંતરે રંગ જમાવ્યો છે. વિદેશી ફિલ્મોમાં બડ એબોટ એન્ડ લુ કોસ્ટેલોથી શરૂ કરી સ્ટાન લોરેલ - ઓલિવર હાર્ડી વાયા બડ સ્પેન્સર - ટેરેન્સ હિલ સહિત કેટલીક જોડીએ સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવી છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આઈ એસ જોહર - મેહમૂદ, ગોવિંદા - શક્તિ કપૂર વગેરે જોડીઓએ દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. જોકે, એમના ગુણગાન ગાતી વખતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિનોદી નટની જોડીની પરંપરા શરૂ કરનારા મનોહર જનાર્દન દીક્ષિત અને નઝીર અહમદ ઘોરી (દીક્ષિત - ઘોરી) જોડી જલદી યાદ નથી આવતી કે તેમનો ઉલ્લેખ પણ વિશેષરૂપે નથી થતો. એનું પ્રમુખ કારણ કદાચ એ હોવું જોઈએ કે એમની ફિલ્મો આમ જનતા માટે ઉપલબ્ધ નથી અને એમને મીડિયામાં વિશેષ પ્રસિદ્ધિ પણ નથી મળી. સમય સાથે કોમેડીનું સ્વરૂપ બદલાયું એ હકીકત છે અને આજની તારીખમાં દર્શકોને દીક્ષિત - ઘોરીની કોમેડી કાળબાહ્ય લાગી શકે છે, પણ અમૃત ઘાયલ સાહેબના અદભુત શેર ’કેમ ભૂલી ગયા? દટાયો છું, આ ઈમારતનો હુંય પાયો છું’નું સ્મરણ કરી પાયાની આ જોડીને યાદ કરવાની ફરજ અદા કરીએ.
1921થી 1931ના દશકમાં શોર્ટ ફિલ્મોથી ખ્યાતિ મેળવનારી સ્ટાન લોરેલ અને ઓલિવર હાર્ડીની જોડીને ભારતીય સિને દર્શકોએ પણ પસંદ કરી હતી. યોગાનુયોગ ઘોરીની દેહયષ્ટિસ્ટાન લોરેલને અને દીક્ષિતનો શારીરિક બાંધો ઓલિવર હાર્ડીને મળતો (જુઓ, તસવીર) હોવાથી હિન્દી ફિલ્મોની પ્રથમ હાસ્યનટની જોડી તરીકે તેમને ખ્યાતિ મળી. હિન્દી ઉપરાંત ગુજરાતી, બંગાળી, ફારસી, ઉર્દૂ અને પંજાબી ભાષા પર પ્રભુત્વ ધરાવતા નઝીર અહમદ ઘોરી મોતીનો બિઝનેસ કરતા પરિવારના ફરજંદ હતા. નાનપણથી જ ફિલ્મો જોવાનો શોખ એમને મુંબઈ ખેંચી લાવ્યો અને તેમને ફિલ્મોમાં નાના- મોટા રોલ મળવા લાગ્યા. સરખામણીમાં મનોહર જનાર્દન દીક્ષિતને વધુ સંઘર્ષ કરવો પડ્યો હતો. એસએસસીમાં ત્રણ વાર નાપાસ થયેલા મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સિન્નર શહેરમાં ઉછરેલા દીક્ષિતને વાંચનનો શોખ હતો. મરાઠી સાહિત્યમાં પૌરાણિક અને સામાજિક જાગૃતિ સંદર્ભે સાહિત્યિક લખાણ કરનારા મામા વરેરકરથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. વરેરકરની સિફારીશથી દીક્ષિતને ફિલ્મોમાં સહાયક કેમેરામેનની નોકરી મળી. જોકે, એમાં રુચિ ન કેળવાઈ અને કેમેરા પાછળ રહેલા કલાકારને કેમેરાની સામે આવવાનો મોકો મળ્યો અને ‘સ્પાર્કલિંગ યુથ’ - ‘ઝગમગતી જવાની’ (1930) ફિલ્મથી અભિનય યાત્રાનો પ્રારંભ થયો. ત્યાર બાદ ત્રણેક ફિલ્મ કર્યા બાદ દીક્ષિત અને ઘોરી ચંદુલાલ શાહની રણજિત ફિલ્મ કંપનીમાં અનાયાસે ભેગા થઈ ગયા. બોલપટના યુગના મંડાણ થઈ ગયા હતા અને ચંદુલાલ શાહના માનીતા અને કોમેડીમાં હથોટી ધરાવતા અગ્રણી ફિલ્મ દિગ્દર્શક જયંત દેસાઈએ 1932ના બોલપટ ‘ચાર ચક્રમ’માં પહેલી વાર દીક્ષિત - ઘોરીની જોડીને ચમકાવી. ફિલ્મમાં આ જોડી ઉપરાંત બે અન્ય ચક્રમ હતા એડ્ડી બિલિમોરિયા અને માધુરી (એંગ્લો ઈન્ડિયન એક્ટ્રેસ). ફિલ્મને બોક્સઓફિસ પર ફાંકડી સફળતા મળી અને જાડિયા પાડિયા દીક્ષિત અને દૂબળા પાતળા ઘોરીની કોમેડી પેરની નામના થઈ ગઈ. સંયોગ્વાશાત્ બંનેના શારીરિક દીદાર લોરેલ - હાર્ડીને મળતા આવતા હોવાની માન્યતા ઈન્ડસ્ટ્રીમાં પણ બંધાઈ જતા ફિલ્મ કંપની એ લોકપ્રિયતા રોકડી કરવા થનગનવા લાગી જે સ્વાભાવિક કહેવાય અને ભારતીય લોરેલ - હાર્ડીની જોડીની તો નીકલ પડી. ઘોરીને ગુજરાતી આવડતું હતું અને દીક્ષિતમાં અભિનય કૌશલ ભારોભાર હોવાને કારણે તેમજ જોડી તરીકે પહેલી જ ફિલ્મમાં આવકાર મળવાને કારણે દિગ્દર્શક જયંત દેસાઈના દિલ દિમાગમાં વસી ગઈ. જયંતભાઈએ જોડીને ચમકાવતી જે ફિલ્મો દિગ્દર્શિત કરી એમાં ‘ચાર ચક્રમ’ ઉપરાંત ‘ભૂતિયા મહલ’, ‘દો બદમાશ’, ‘ભોલા શિકાર’, ‘ભૂલ ભુલૈયા’, ‘નાદિરા’, ‘વિશ્વમોહિની’ વગેરેનો સમાવેશ થાય છે. ‘નાદિરા’માં તો દીક્ષિત - ઘોરી સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ સ્ટાર કોમેડિયનનું બિરુદ મેળવનાર મશહૂર હાસ્યનટ નૂર મોહમ્મદ ચાર્લીની પણ હાજરી હતી. આ જોડીએ લગાતાર ‘રણજીતકંપની’ની ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
કમનસીબીની વાત એ છે કે આ જોડીની ફિલ્મો સાચવણીના અભાવે નષ્ટ થઈ ગઈ છે. હા, થોડા ફોટોગ્રાફ બચ્યાછે જે એક દિલાસો છે. ફિલ્મો બચી હોત તો વિદેશી જોડીની તુલનામાં આપણી જોડી કેવી નીવડી એ જાણવાની તક મળી હોત. દીક્ષિતની એ. આર. કારદારની પેહલે આપ’ અને પી. એન. અરોરા નિર્મિત ’પઘડી’ ફિલ્મો હેમખેમ રહી શકી છે. 1972માં ‘પઘડી’ની રીમેક ‘દિલ દૌલત ઔર દુનિયા’ બની હતી જેનું નિર્માણ અને દિગ્દર્શન પી.એન. અરોરાએ જ કર્યું હતું. ’પઘડી’માં રામુચાચાનો રોલ દીક્ષિતજીએ કર્યો હતો જ્યારે 1972ની ફિલ્મમાં એ ભૂમિકા ઓમ પ્રકાશજીએ કરી હતી. ’પઘડી’ના રોલ માટે બાબુલાલ પટેલે એમના મેગેઝિન ‘ફિલ્મ ઇન્ડિયા’માં ભારોભાર પ્રશંસા કરી હતી. જોકે, ફિલ્મના શૂટિંગ દરમિયાન દીક્ષિતજીને હાર્ટ એટેક આવ્યો હતો અને 43 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. ઘોરી પણ પાકિસ્તાન ચાલ્યા ગયા અને એક પ્રભાવશાળી જોડી પર પડદો પડી ગયો.