1950ના દાયકાથી 2010 સુધી એના ચિત્રપટ બનતા રહ્યા છે
હેન્રી શાસ્ત્રી
વૈજ્યંતિમાલાની ‘નાગિન’ (1954), 50 વર્ષ પહેલા આવેલી રીના રોયની ‘નાગિન’
નાગ પાંચમ શ્રાવણ માસનો તહેવાર છે. ભારતના મહત્તમ રાજ્યોમાં શ્રાવણ સુદ પાંચમ (17 ઓગસ્ટ)એ તહેવારની ઉજવણી થઈ ગઈ. જોકે, ગુજરાતમાં જન્માષ્ટમી (શ્રાવણ વદ આઠમ)ના ત્રણ દિવસ પહેલા આવતી શ્રાવણ વદ પાંચમને દિવસે નાગ પંચમીનો તહેવાર મનાવાય છે. એ હિસાબે મંગળવાર, પહેલી સપ્ટેમ્બરે નાગ પાંચમ છે. નાગ અને હિન્દી ચિત્રપટ સૃષ્ટિનો અનન્ય સંબંધ રહેલો છે. મૂંગી ફિલ્મોના દોરમાં ‘કાલા નાગ’ (1924) અને ‘રિટર્ન ઓફ કાલા નાગ’ (1927) ફિલ્મો બની હતી, પણ એમાં સાપ - નાગની કોઈ હાજરી નહોતી. ગુનાહિત પ્રવૃત્તિનું એ પ્રતીક હતો. 1950ના દાયકાથી નાગિનને કેન્દ્રમાં રાખી ફિલ્મો બનવાની શરૂઆત થઈ હતી. એક અવલોકન નાગ અને હિન્દી ફિલ્મોનું.
નાગિન (1954): વૈજયંતિમાલા - પ્રદીપ કુમાર: એ વાત ખરી કે 1951ની ‘બહાર’ ફિલ્મથી વૈજ્યંતિમાલાનો હિન્દી ચિત્રપટ સૃષ્ટિમાં પ્રવેશ થયો અને આ ફિલ્મ સુપરહિટ થઈ હતી. જોકે, આ અને ત્યારબાદ આવેલી ‘લડકી’ એ બંને સાઉથના ફિલ્મમેકરોનો પ્રયાસ હતો. 1954માં રિલીઝ થયેલી ‘નાગિન’ અભિનેત્રીની ત્રીજી હિન્દી ફિલ્મ હતી. ફિલ્મીસ્તાન દ્વારા નિર્મિત આ સાઉથના પડછાયા વિનાની કોશિશ હતી. ડિરેક્ટર હતા નંદલાલ જશવંતલાલ. ફિલ્મના નાયક - નાયિકા (પ્રદીપ કુમાર - વૈજયંતિમાલા) મદારી છે. બંને પ્રેમમાં પડે છે પણ એમના જૂથ વચ્ચે લડાઈ થાય છે. હીરોને મારવા મોકલેલો સાપ ભૂલમાં હીરોઇનને કરડે છે પણ હીરો ઝેર ચૂસી એને ઉગારી લે છે. વાર્તાનું પોત નબળું છે, પણ નૃત્યો અને સંગીતએ ફિલ્મને લોકપ્રિય બનાવી હતી. કોરિયોગ્રાફર તરીકે સચિન શંકર (ઉદય શંકરના શિષ્ય), યોગેન્દ્ર દેસાઈ (લીંબડીના રાજવી પરિવારમાં જન્મ, નૃત્યકલામાં પ્રવીણ અને આશા પારેખના સુપરહિટ ડાન્સ બેલે ‘ચૌલાદેવી’ના સર્જક) અને હીરાલાલ (1950 - 60ના દાયકાના હિન્દી ફિલ્મોના નંબર વન કોરિયોગ્રાફર) હતા. વૈજયંતીમાલાના નૃત્ય અને હેમંત કુમારનું સંગીત અને ખાસ તો ‘મન ડોલે મેરા તન ડોલે’ ગીતમાં કલ્યાણજીભાઈએ ક્લેવાયોલિનની મદદથી વગાડેલું બીન આજે પણ રસિકોને યાદ છે.
નાગિન (1976) - રીના રોય - હીરોની ફોજ:
ચોપડા બંધુની ‘વક્ત’ મલ્ટીસ્ટારર હિન્દી ફિલ્મોની છડીદાર માનવામાં આવે છે, તો રાજકુમાર કોહલી અગ્રણી અભિનેતાઓની ફોજને ચમકાવી ફિલ્મ બનાવવા માટે જાણીતા હતા. 50 વર્ષ પહેલા આવેલી ‘નાગિન’માં રીના રોયની બદલો લેતી ઈચ્છાધારી નાગિનની મુખ્ય ભૂમિકા હતી. એ સિવાય ફિલ્મમાં સુનીલ દત્ત, ફિરોઝ ખાન, જીતેન્દ્ર, સંજય ખાન, વિનોદ મેહરા, અનિલ ધવન જેવા હીરો લોકોની ફોજ હતી. સાથે મુમતાઝ, રેખા, નીલમ, યોગિતા બાલી, અનિતા ગુહા, પ્રેમા નારાયણ જેવી હીરોઇનોની પણ ફોજ હતી. રીના રોયનું નાગિન તરીકેનું પરફોર્મન્સ ફિલ્મની હાઈલાઈટ હતી. લોકકથા સાથે ઈમોશનલ અપીલનું સંયોજન દર્શકોને બેહદ પસંદ પડ્યું અને ફિલ્મ સુપરહિટ થઈ. ફિલ્મની સફળતાએ સાપના બદલાની ફિલ્મો માટે એક નવી કેડી તૈયાર કરી. ત્યારબાદ વિવિધ ભારતીય ભાષામાં આવી અનેક ફિલ્મો આવી પણ કોહલીની ફિલ્મ સાથે મેળ ખાય એવી કોશિશ ભાગ્યે જ જોવા મળી. લોકકથાના પૌરાણિક તત્ત્વને જાળવી કથાને લાગણીને તાંતણે ગુંથવાથી દર્શકોને આકર્ષી શકાય છે એ રાજકુમાર કોહલીની ફિલ્મે સિદ્ધ કર્યું. 1954ની જેમ આ ફિલ્મનું ‘તેરે સંગ પ્યાર મૈં નહીં તોડના’ (લતા દીદીનું એકલ અને લતાદીદી - મહેન્દ્ર કપૂરનું યુગલ) ગીત મશહૂર થયું હતું. ફિલ્મમાં નૃત્ય નિર્દેશક હતા 1960 - 70ના દયાકાના જાણીતા કોરિયોગ્રાફર સુરેશ ભટ્ટ. રીના રોયનો નાગિન ડાન્સ લોકોએ વખાણ્યો હતો. 1976ની આ સૌથી સફળ ફિલ્મ હતી.
અન્ય નાગ ફિલ્મો:
સંભવત: સૌથી પહેલી હતી નિરૂપા રોય - મનહર દેસાઈની ‘નાગ પંચમી’ (1953). આ ફિલ્મના નિર્માતા (વિનોદ સી. દેસાઈ), દિગ્દર્શક રમણ બી. દેસાઈ) અને પટકથા - સંવાદ લેખક (ચતુર્ભુજ દોશી) ગુજરાતી હતા. રમણ બી. દેસાઈ નિર્મિત દિગ્દર્શિત ‘નાગ મણિ’ (1957)ફિલ્મના લેખક હતા કે. વી. પટેલ, સંગીતકાર હતા અવિનાશ વ્યાસ અને ગીતકાર હતા કવિ પ્રદીપ. આ જોડીએ 10 ગીત સ્વરબદ્ધ કર્યા હોવાની નોંધ છે. મુખ્ય જોડી નિરૂપા રોય - મનહર દેસાઈની જ હતી. અમિતાભ સાથે અવિસ્મરણીય ફિલ્મો આપનારા મનમોહન દેસાઈના ભાઈ સુભાષ દેસાઈની નિર્માતા તરીકે શરૂઆત પૌરાણિક ફિલ્મોથી થઈ હતી. 1956માં આવેલી ‘સતી નાગ ક્ધયા’માં સુભાષ ભાઈ સહ નિર્માતા હતા અને દિગ્દર્શન બાબુભાઈ મિસ્ત્રીએ કર્યું હતું. ફરી એક વાર હીરો - હિરોઈન હતા મનહર દેસાઈ - નિરૂપા રોય. આ સિવાય નાગ પદ્મિની (1957), નાગ લોક (1957), નાગ ચંપા (1958), નાગ દેવતા (1962), નાગ જ્યોતિ (1963), નાગ મોહિની (1963) પણ બની હતી. બાબુભાઈ મિસ્ત્રીએ જ 1972માં ‘નાગ પંચમી’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી જેના મુખ્ય કલાકાર હતા પૃથ્વીરાજ કપૂર અને જયશ્રી ગડકર. સહ કલાકારોની યાદીમાં મનહર દેસાઈનું નામ છે, પણ નિરૂપા રોય ગેરહાજર છે. રાજકુમાર કોહલીની ફિલ્મ પછી હરમેશ મલ્હોત્રાએ ઈચ્છાધારી નાગિન વિષય લઈ શ્રીદેવીને લઈ ‘નગીના’ (1986) બનાવી જેને અભૂતપૂર્વ સફળતા મળી. તેમણે શ્રીદેવીને જ લઈને ત્રણ વર્ષ પછી સિક્વલ ‘નિગાહેં: નગીના પાર્ટ ટુ’ બનાવી.
જોકે, આ ફિલ્મ સુપરફ્લોપ સાબિત થઈ હતી. રાજકુમાર બોહરાએ મંદાકિનીને લઈ ‘નાગ નાગિન’ (1989) બનાવી અને એ જ વર્ષે મીનાક્ષી શેષાદ્રી અને ‘મહાભારત’ સિરિયલના કૃષ્ણ ભગવાન નીતિશ ભારદ્વાજની ‘નાચે નાગિન ગલી’ પણ આવી હતી. મંદાકિની - રિશી કપૂરની ‘શેષનાગ’ (1990), આમિર ખાનના પિતાશ્રી તાહિર હુસેનએ પણ હાથ અજમાવ્યો અને મદારી કથાને કેન્દ્રમાં રાખી ‘તુમ મેરે હો’ બનાવી. જેકી શ્રોફ - વર્ષા ઉસગાંવકરની ‘દૂધ કા કર્જ’માં નાગ કેન્દ્રમાં હતો. પૂજા બેદીની ‘વિષક્ધયા’ (1991) અને એ જ વર્ષે સુમિત સેહગલની ‘નાગમણિ’ આવીને તરત ગાયબ પણ થઈ ગઈ. રાજકુમાર કોહલીએ નવી બોટલમાં જૂનો દારૂ પીરસી ‘જાની દુશ્મન: એક અનોખી કહાની (2002) બનાવી પણ એ 1976ની ‘નાગિન’ સામે ફિકી અને વામણી સાબિત થઈ. અમેરિકન ફિલ્મમેકરે 2010માં હિન્દી - અંગ્રેજીમાં મલ્લિકા શેરાવતને લઈ ‘હિસ્સ’(જેનો અર્થ થાય સાપનો ફૂંફાડો) બનાવી, પણ એ ફિલ્મ જોવા ભાગ્યે જ કોઈ ગયું.