જયવંત પંડયા
હમણાં જેનઝીની ચર્ચા ચારેકોર છે. જંતરમંતર પર થયેલા પેપર લીક વિરુદ્ધ આંદોલનમાં જેનઝીના લોકોની ગાળોસભર અને અત્યંત ખરાબ બરછટ લાગે તેવી ભાષાની ટીકા થઈ રહી છે. બચાવ કરનારા એવું કહી રહ્યા છે કે આ તેમની ભાષા છે... તેમની રુઢિ છે...
આપણે અહીં એની ચર્ચા નથી કરવી પણ જેનઝીના લોકો જો તમારી સામે આ ભાષામાં વાત કરે તો તમને ખબર પણ ન પડે કે તે શું કહી રહ્યા છે. અંગ્રેજીના શબ્દોને તોડી ફોડીને એના પરથી તેમણે પોતાની કોડવર્ડ ભાષા વિકસાવી છે, જેમકે અંગ્રેજીમાં કાકા, મામા, માસા, ફૂઆ ઇત્યાદિને અંકલ કહે છે. જેન ઝીને અંકલ બોલવું પણ અઘં લાગે. તેથી તે Unc લખે અને બોલે અંક ! એક અક્ષર `લ' બોલવામાં તેમને કેટલી તકલીફ પડી જાય! જે લોકો પોતે ભ્રમમાં જીવતા અથવા ખોટી માન્યતામાં જીવતા હોય તેમને ડેલુલુ (delulu) કહે છે. આ શબ્દ તેમને પોતાને કેટલો લાગુ પડે તે તે લોકો જ જાણે.
જેનઝીને કોઈ વાત ગમી જાય તો શું કહે ?
Wow, Amazing, Good, Best?
ના. તે તો કહેશે : Clock it..આમાં ઘડિયાળને કોઈ લેવાદેવા નથી. આ શબ્દ કેવી રીતે આવ્યો તે રામ જાણે.
જોકે `ક્લોક ઇટ'નો અર્થ થાય છે કોઈ સાચી વાત- આકરી વાત, કે ચોંકી ઉઠાય તેવા અવલોકન સાથે સંમત થવું... ઈત્યાદિ
ઘણા લોકો આ શબ્દ ન બોલે તોય એકબીજા સાથે વાત થઈ જાય કે ભીડુ, તારી વાત સારી અથવા સાચી છે. તેના માટે અંગૂઠા પર તર્જની (પહેલી આંગળી) ભટકાવી લઈ લેવાની ક્રિયા વારંવાર કરવાની, જાણે કે ફોટો ન પાડતા હોય તેમ કરવાનું એટલે સામેવાળી વ્યક્તિ સમજી શકાય.!
આ ઉપરાંત તમે તેને `You are serving' પણ કહી શકો. આનો અર્થ સામાન્ય રીતે તો એવો થાય કે તમે સેવા કરો છો, જમવાની વાત હોય તો પીરસો છો, પરંતુ જેન ઝી માટે તેનો અર્થ થાય છે તમે કોઈ મહાન અથવા કોઈ દીવાનું થઈ જાય તેવું કામ કરી રહ્યા છો. !
આ જ રીતે અંગ્રેજીમાં `બડી' (Buddy) એટલે મિત્ર થાય. પરંતુ જો તમને જેન ઝીની કોઈ વ્યક્તિ એમ કહે કે `You are 10 on 10 baddie' તો તેનો અર્થ `Bad' એટલે કે ખરાબ કહ્યા તો તેવું નથી. તેનો અર્થ થાય છે તમે 10માંથી 10 ગુણ મળે તેવું સાં કામ કર્યું છે...! જેન-ઝી માટે `બેડી' (Baddie) `ગુડી' (Goodie) છે.
હા, તમારે જેનઝીની આગળ છાકો પાડવો હોય તો તમે જેન-ઝીને એમ કહી શકો તેં Aura +++ કરી દીધો છે. તેનો અર્થ તેણે કોઈ સાં કામ કર્યું છે. Aura +++નો બીજો અર્થ એમ પણ થાય છે કે સામેવાળી વ્યક્તિ શાંત, ઠાવકી છે. તે સ્ટાઇલિશ છે. પ્રભાવશાળી છે, પરંતુ જો તમને આવીને તમારી દીકરી કે દીકરો એમ કહે કે આજે મારો ઑરા ડાઉન છે. નેગેટિવ છે તો સમજી લેજો કે બહેનબા કે ભાઈ, આજે કંઈક ઊંધુચત્તું, શરમમાં મૂકાવું પડે તેવું કરીને આવ્યા છે.. ! જોકે તેમને શરમ લાગે તે પણ મોટી વાત કહેવાય, નહીં?
જેન-ઝીની કોઈ વ્યક્તિ ભલે પંદર-વીસ વર્ષની હોય પરંતુ તે એમ કહે કે, `હું બેબી છું.'
તો એમ ન સમજતા કે તે પોતાને બાળક સમજે છે, પરંતુ તેને જ્યારે લાગે કે આ કામ તેને નથી આવડતું અથવા નહીં ફાવે તો તે એમ કહીને ઊભી રહી જશે કે `I am baby'.
જેન-ઝીની વ્યક્તિ જો તમને `Shake a leg' ત્રણ-ચાર વાર કહે તો તમે શું સમજશો? તમને થશે કે જેન ઝી તો નાચવામાં ભારે રસ ધરાવે. એટલે આપણને પણ નાચવાનું કહેતી હશે. અને ત્રણ-ચાર વાર કહે તો તેને આગ્રહ માની તમે પણ નાચવા લાગશો, તો પણ તમારો `ઑરા' ફરીથી `ડાઉન' થઈ જશે. એટલે કે તમે શરમમાં મૂકાઈ જશો. `Shake a leg' દ્વારા આ પેઢી એવું કહેવા માગે છે : `જલદી કરો.!'