માવજી મહેશ્વરી
મુજે તો કલસે ઈનકી જલન હો રહી હૈ. બીવી હો તો આપકી જૈસી. બૂરા મત માનના ક્યોંકી મેરી અભી તક શાદી નહીં હુઈ હૈ. ભાભીજી નહીં આઈ?
અચાનક સનત હસી પડ્યો. તેણે હસતાં હસતાં જ કહ્યું, `નવાઈ લાગે છે કે તમને પ્લેટફોર્મ ટિકિટ યાદ આવી પણ જર્ની ટિકિટ લેવાનું ન સૂઝ્યું. વાહ ખરા છો તમે.'
`અરે યાર તમેય શું પૂરું સાંભળ્યા વગર ડહોળો છો. મારે ક્યાં દિલ્હી આવવાનું હતું તે ટિકિટ લઉં. આ તો મારે ભાગવું પડ્યું છે. ટે્રનમાં ચડ્યા વગર છૂટકો ન હતો.'
`ઓહ! સોરી મને જસ્ટ વિચાર આવ્યો એટલે મેં કહી નાખ્યું. કમ સે કમ વચ્ચે બોલવાનો મોકો તો મળ્યો. ચાલો પછી શું થયું ?'
`હું એક સીટ પર બેસી ગઈ. મારે ક્યાં જવું, શું કરવું તે વિચારવા લાગી અને અચાનક મારી આંખો ફાટી રહી. મારી સામેથી જ સંજયનો નાનો મામો પસાર થઈ ગયો. મારા સદ્ભાગ્ય ગણો કે એની ભૂલ તેણે મારી સામે જોયું નહીં. મેં ઝડપથી બેગ ખોલી અને મારી ચુની મોં ઉપર બાંધી લીધી જેથી ચહેરો દૂરથી ઓળખાય નહીં. એ લોકોએ કદાચ મને રેલવે સ્ટેશન આવતા જોઈ હશે. વળી સંજયનો મામો અહીં છે એનો અર્થ એવો થતો હતો કે એ લોકો પ્લાન બનાવીને નીકળ્યા છે.
સંજયનો મામો અહીં બીજા કોઈ કારણસર હોય તેવું આશ્વાસન લેવું મૂર્ખાઈ હતી. મને એક જ વાત સમજાતી ન હતી કે એ લોકોનો હવે ઈરાદો શું હશે ? એમની મૂળ લડાઈ મિલકત માટે હતી. જો એ લોકો મને મારી નાખે તો એમને કંઈ મળવાનું ન હતું. એ લોકો બળજબરીથી મારી પાસેથી લખાવી લે એવો વિચાર હોઈ શકે તેવી શક્યતા હતી. જો એ લોકો મને ઉપાડી જાય તો મારા શા હાલ થાય તે વિચાર મને ધ્રુજાવી જતો હતો અને હવે એ લોકો રેલવે સ્ટેશન પર આવી ગયા હતા. હજુ અજવાળું હતું.
પાલનપુરનું રેલવે સ્ટેશન સાવ નાનુંય નથી. સેંકડો માણસોની અવરજવર થતી રહે છે. તેમ છતાં હવે મારે બહાર નીકળવું જોખમ ભરેલું હતું. હું મનોમન અમદાવાદ ચાલ્યા જવાની ગણતરીઓ કરતી અંધાં થવાની વાટ જોતી બેસી રહી. એક વિચાર એવોય આવ્યો કે બસ સ્ટેશન જઈ અમદાવાદ જતી એસટીની બસમાં બેસી જાઉં. અમદાવાદ પહોંચી જાઉં એટલે બાકીનું જોયું જશે. પણ એ બધા વિચાર આવીને ચાલ્યા જતા હતા. એ બધામાં કોઈને કોઈ જોખમ દેખાતું હતું.
આવી માનસિક સ્થિતિમાં વધુ વખત બેસી રહેવું અઘરું હોય છે. હું ત્યાંથી ઊઠી અને બહાર નીકળવાના મેઈન ગેટ તરફ આગળ વધી. મેં ચહેરા પર ચુની કદી બાંધી નથી. આજની છોકરીઓ જેવી રીતે મોં ઉપર બુકાની બાંધે છે તેવી રીતે મને ફાવે તેમ ન હતું. મેં ફરી એક મૂર્ખાઈ કરી. મોં ઉપર બાંધેલી ચુની કાઢી નાખી. જાણે આવી કોઈ તકની વાટ જોતી હોય તેમ મુસીબત એકાએક મારી સામે ધસી આવી. જેવી હું બહાર આવી કે મને એ લોકો દેખાયા જેમના માત્ર પગ મેં જોયા હતા.
બપોરે મારા ઘરમાં પ્રવેશતી વખતે દાદર પરથી મેં જે બૂટ અને જીન્સ જોયા હતા તેને હું ભૂલી શકું તેમ નથી. એ લોકોનું ધ્યાન મારા તરફ ન હતું. હું એમને દેખાઈ જાઉં તેવી પૂરી શક્યતા હતી. હવે શું કરવું ? એ વખતે લાઉડ સ્પીકર પરથી કોઈ ટે્રન આવી રહ્યાની જાહેરાત થતી હતી. મને સમજાતું ન હતું કે કઈ ટ્રેન આવી રહી છે. હું એકાએક પાછી પ્લેટફોર્મ તરફ ભાગી. ટે્રન પ્લેટફોર્મ પર પહોંચી આવી હતી. ટ્રેનની વાટ જોઈ રહેલા લોકો આમતેમ દોડવા લાગ્યા. બરાબર એજ સમયે મારા આગલા ભવનો વેરી સંજયનો મામો એકદમ મારી સામે આવીને ઊભો રહી ગયો.
માત્ર એક ક્ષણ અમારી આંખો મળી અને મેં દોટ મૂકી. મેં ટ્રેન તરફ દોટ મૂકી અને સંજયના મામાએ કેદાર નામની જોરથી બૂમ મારીને તે બહાર તરફ દોડ્યો. પ્લેટફોર્મ ઉપર લોકોની અવરજવર હતી. હું કઈ તરફ દોડી, કઈ બોગીમાં ચડી તેનું મને ભાન ન હતું. મારું એક જ લક્ષ્ય હતું, કોઈ પણ રીતે એ લોકોના હાથમાં નથી આવવું. બોગીમાં જઈ હું સીધી ટૉઇલેટમાં ઘુસી ગઈ. મને ખબર હતી કે કદાચ એકાદ કલાક પણ જો હું અંદર ઊભી રહીશ તોય કોઈને ખબર નહીં પડે.
તમને કેમ સમજાવું કે ઊભેલી ટ્રેનના ટૉઇલેટમાં મેં કેવી રીતે વીસ મિનિટ પસાર કરી છે. ટ્રેન ઉપડી ત્યારેય મને ખબર ન હતી કે આ ટ્રેન દિલ્હી જઈ રહી છે, જ્યાં સુધી આબુ રોડ આવ્યું ત્યાં સુધી હું બોગી બદલતી રહી. મેં એ જાણી લીધું કે આ ટ્રેન દિલ્હી જઈ રહી છે. પ્રશ્ન મારી ટિકિટનો હતો. ખબર નહીં એકાએક એવું લાગ્યું કે હવે હું સલામત છું. દિલ્હી પહોંચી ગયા પછી બધું મેનેજ થઈ શકવાનું હતું. પણ તેમ છતાં મને એકાદ બે દિવસ એવી જગ્યાની જરૂર હતી જે ટોટલી સેફ હોય અને મારા નશીબ કેટલા સારા કે તમે મળી ગયા.'
`આ મારી કરમ કહાની છે સાહેબ ! બોલો હવે તો ખુશ ? સાલ્લું આવતા બે મહિના સુધી મૌન રાખવું પડે એટલું બોલાવ્યું છે તમે.'
સનત સોનલ સામે જોઈ રહ્યો. પછી તેણે સોનલના હાથ ઉપર પોતાનો હાથ મૂકતાં ધીમેથી કહ્યું, `સોનલ આઈ એમ પ્રાઉડ ઓફ યુ. યુ આર એ બ્રેવ ગર્લ. આઈ હેવ નો મોર વર્ડ ફોર યુ.'
એકાએક સોનલે સનતના માથા પાછળ હાથ નાખ્યો અને તેને નમાવી સનતના ગાલ ઉપર ચુંબન ચોડી દેતાં કહ્યું. `ઈટસ ફ્રોમ સોનલ ઝવેરી ! યુ આર રિયલી અ જેન્ટલમેન. નાઉ આઈ ગો ટુ સ્લીપ. પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી.'
જાણે સનતને ઓળખતી જ ન હોય તેમ સોનલ પડખું ફરીને સૂઈ ગઈ.
* * *
સનતે આંખો ચોળી. થોડીવાર તેને સમજાયું નહીં કે તે ક્યાં છે. બહાર ચહલ પહલ થઈ રહી હોય તેવા અવાજ આવતા હતા. બાજુમાં સોનલ એક પગ ઘૂંટણથી વાળીને ગાઢ નિંદરમાં સૂતી હતી. તેનો ગાઉન ઉપર ચડી ગયો હતો. તેને સોનલની ગોરી પીંડી ઉપર આંગળી ફેરવવાનું મન થયું. તેને યાદ આવ્યું કે રાતે અચાનક સોનલે પોતાના ગાલ પર ચુંબન કરી લીધું હતું અને તેનો રોમાંચ વ્યક્ત કરવાની તક આપ્યા વગર તે તરત જ પડખું ફરીને સૂઈ ગઈ હતી. સનત સોનલને જોતો રહ્યો. તેને થયું આ છોકરી અજાણ્યા યુવાન સાથે કઈ હિંમતથી રાત રોકાઈ હશે? તેને મારા સ્વભાવનો અંદાજ આવી ગયો હશે કે જે થયું તે માત્ર એક યોગાનુયોગ છે? સનત આ છોકરીની સચ્ચાઈને કારણે જ તારી અંદરનો પુરુષ શાંત રહ્યો એવું નથી બન્યું?
પોતાની સામે જ ઊભા થયેલા પ્રશ્ન વિશે ઘડીભર સનત વિચારતો રહી ગયો. એને અચાનક સોનલ ઉપર વહાલ ઊભરાયું. તેણે સોનલના માથા ઉપર હાથ ફેરવ્યો.. ઊંઘમાં બબડતી હોય તેમ સોનલ બોલી, `પ્લીઝ યાર સૂવા દયો ને!' ઘડિયાળ જોતાં જ તેને ફાળ પડી. સાડા દસ વાગતા હતા. ઓહ માય ગોડ ! દોઢ કલાક તો અહીં જ મોડું થઈ ગયું છે. કંપનીએ ખાસ પોતાને પસંદ કરીને મોકલ્યો છે.
જો અહીં ગેરહાજર કે બેદરકાર રહેશે તો શક્ય છે કે પોતાનો રિપોર્ટ ખરાબ થાય. તે અહિંયા એક જવાબદાર કર્મચારીની હેસિયતથી આવ્યો છે. તેણે સોનલના શરીર ઉપર એક નજર નાખી અને ટુવાલ લઈ સીધો બાથરૂમમાં ચાલ્યો ગયો. બાથરૂમમાં એક જુદા પ્રકારની સુગંધ આવતી હતી. રાતે સોનલે કોઈ સ્પ્રે કર્યું હોવું જોઈએ. તેણે ઊંડો શ્વાસ લીધો અને શોવર ચાલુ કર્યું. તેના શરીર ઉપર ઠંડા પાણીની ધારાઓ પડતી રહી.
આમ તો કદાચ તેને તે વખતે સોનલના વિચારો આવ્યા હોત. પણ સેશન ભરવાની ચિંતામાં સોનલ ભૂલાઈ ગઈ. તે નાહીને બહાર આવ્યો ત્યારે તેની આંખમાં ભરાઈ રહેલી રાત નીકળી ગઈ હતી. સોનલ પડખું ફરીને સૂતી હતી. વળી તે ગાઢ નિંદરમાં હતી તે છતાં તેને સોનલની હાજરીમાં કપડાં પહેરતાં જરા સંકોચ થયો. તેણે પોતાની ડાયરી લીધી અને ઝડપથી રૂમ બહાર નીકળી ગયો.
સનત બેઝમેન્ટમાં પહોંચ્યો ત્યારે ત્યાં ટી બ્રેક ચાલતો હતો. સનતને જોઈ બે ત્રણ જણ તેની નજીક આવ્યા. ચાલીસ પાર કરી ગયેલા અનુપ દેવકર નામના એક જણે ચાની ચુસ્કી ભરતા કહ્યું, `ભૈયા લગતા હૈ રાતભર સોએ નહીં હો. અરે ભાભીજી કો અકેલા છોડકર નહીં આયે હોતે તો ભી ચલતા.' ત્રીસેક વર્ષના એક યુવાને સનતના ખભા ઉપર હાથ મૂકતા કહ્યું.
`મુજે તો કલસે ઈનકી જલન હો રહી હૈ. બીવી હો તો આપકી જૈસી. બૂરા મત માનના ક્યોંકી મેરી અભી તક શાદી નહીં હુઈ હૈ. ભાભીજી નહીં આઈ?' કોઈને પણ ગમી જાય, મીઠી મૂંઝવણ થાય તેવી રોમાંચક વાત હતી, પણ સનત માટે જુદી જાતની મૂંઝવણ થઈ પડી. તે બેઉ સામે જરા હસતાં બોલ્યો. `વો અભી સો રહી હૈ.'
`ઓહ! યાને મેરા અંદાજા સહી થા.' કહીને દેવકર જોરથી હસી પડ્યો.
સનતને ન છૂટકે હસવામાં સામેલ થવું પડ્યું. તેને ચાની સખત જરૂર હતી વળી ભૂખ પણ લાગી હતી. અહીં તે મોડો આવ્યો હતો. બ્રેકફાસ્ટનો સમય આઠ વાગ્યાનો હતો. હવે બપોરે લંચ ટાઈમ સિવાય ખાવાનું મળવાનું ન હતું. તેણે ચાથી પતાવ્યું. તેને અચાનક સોનલનો વિચાર આવ્યો. એ જાગશે તો ચા કે કૉફી એને કોણ આપવા જશે. કદાચ તે હોટેલની બહાર ન પણ જાય. તે આવા વિચારોમાં ગૂંચવાયેલો હતો અને ફોન આવ્યો. નંબર અજાણ્યા હતા. તે હલ્લો બોલે તે પહેલા જ સામેથી કહેવાયું,
`સાંભળો હું નાહવા જાઉં છું. રૂમ બંધ કરું છું. ઉપર આવવાના નથી ને? અને પ્લીઝ ડિસ્ટર્બ ન થતા. હું નહાઈને બહાર જઈશ. મારે થોડું કામ છે. તમે મને અહીં તો પહોંચાડી હવેનું મારે વિચારવું પડશે ને ! મને આવતા મોડું થાય તો તમે ચિંતા ન કરતા. મારી રાહ જોજો. જરૂર પડ્યે હું તમને ફોન કરીશ, તમે ન કરતા. મારો ફોન બંધ આવે તો વારંવાર ટ્રાય પણ ન કરતા. મારી કસોટીનો સમય શરૂ થઈ ગયો છે સમજાય છે ને ? તમારે અત્યારે ઉપર આવવું છે? યસ ઓર નો? તમારા જવાબ સાથે જ ફોન કટ કરીશ.'
એ સનત અવાજ કોઈ કાળે ભૂલી શકે તેમ નહોતો. તેણે સોનલની સૂચના પ્રમાણે નો કહ્યું તે સાથે જ સામેથી ફોન કટ થયો. સનતે ચાનો બીજો કપ ભર્યો. ટી બ્રેક પૂરો થયો એટલે બધા પાછા જ્યાં સેશન ચાલતું હતું તે તરફ જવા લાગ્યા. સનત ખુરશી પર બેસી ગયો. ગઈકાલના પ્રમાણમાં હાજરી ઓછી હતી. જોકે આમ તો આજના દિવસે ખાસ કંઈ નહોતું, તે છતાં સનત માટે આ પહેલીવારનું હતું એટલે તે ગંભીર હતો.
એક ઉચ્ચ અધિકારી લાગતા વ્યક્તિએ માઈક હાથમાં લીધું અને કંપનીના આગામી પ્રોજેક્ટસ અને તેની વિશેષતાઓ વિશે બોલવા માંડ્યું. અંગ્રેજીમાં અપાતું ભાષણ સનતને પૂરું સમજાતું ન હતું. તેના ચિત્તમાં સોનલની વાર્તા ઘુમરાતી હતી. તેને ન સમજાય તેવો એક અફસોસ થતો હતો કે બસ હવે થોડા કલાક પછી સોનલ તેનાથી છૂટી પડી જશે. આ સફરમાં જે બન્યું તે અકલ્પનીય હતું. ફિલ્મોમાં જ બને એવું તેની વાસ્તવિક જિંદગીમાં બન્યું. (ક્રમશ:)