Thu Sep 10 2026

Logo

ગુજરાતના મથકો પાછળ સિંગતેલમાં રૂ. 10નો ચમકારો

2026-08-14 19:50:25
Author: Ramesh Gohil
ગુજરાતના મથકો પાછળ સિંગતેલમાં રૂ. 10નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ગુજરાતનાં મથકો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સિંગતેલના લૂઝના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 30નો ઉછાળો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ સિંગતેલના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 10 વધી આવ્યા હતા.

વધુમાં ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 29 સેન્ટ ઘટી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 13 રિંગિટ ઘટી આવ્યાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિકમાં આયાતી તેલમાં સોયા રિફાઈન્ડનામાં 10 કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો મર્યાદિત રહેતાં અન્ય દેશી-આયાતી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1465 અને સન રિફાઈન્ડના રૂ. 1785 અને સપ્ટેમ્બર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1470, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1470, ગોકુલ એગ્રોના સન રિફાઈન્ડના રૂ. 1740, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1465, પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિન અને સન રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1480 અને રૂ. 1750 તથા સોયા રિફાઈન્ડના સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. 1490, જી-વનના આરબીડી પામોલિન તથા સોયા રિફાઈન્ડના રૂ. 1455 અને ઈમામીના આરબીડી પામોલિનના રૂ. 1470 અને સોયા રિફાઈન્ડના રૂ. 1485 ક્વૉટ થઈ રહ્યા હતા. 

જોકે, આજે ગોકુલ એગ્રોની સોયા રિફાઈન્ડના ઑગસ્ટ અને સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં અનુક્રમે રૂ. 1440 અને રૂ. 1145ના મથાળે બાયબેકમાં લેવાલી નીકળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે ગોંડલ મથકે મગફળીની 600 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1550માં અને રાજકોટ મથકે 800 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1575માં થયા હતા, જ્યારે હાજરમાં મથકો પર 10 કિલોદીઠ સિંગતેલના ભાવ રૂ. 1700થી 1725, વૉશ્ડ કૉટનના રૂ. 1650થી 1655 અને કોટન રિફાઈન્ડના રૂ. 1685થી 1690ના મથાળે રહ્યા હતા, જ્યારે રાજકોટ મથકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2730માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1725માં થયાના અહેવાલ હતા. 

આજે હાજર બજારમાં 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1490, સોયા રિફાઈન્ડના રૂ. 1485, સન રિફાઈન્ડના રૂ. 1765, સિંગતેલના રૂ. 1770, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1700 અને સરસવના રૂ. 1775ના મથાળે રહ્યા હતા.