દેવલ શાસ્ત્રી
આપણા સ્વતંત્રતા દિવસ પર ખુશ થવા જેવું તો ઘણુંબધું ઘટતું હોય છે, પણ ક્યારેક એ ચિંતા પણ સતાવતી હોય છે કે ખોટી માહિતી દેશને ગંભીર નુકસાન કરી શકે છે. અમર્યાદિત સોશ્યલ મીડિયાના યુગમાં અખબારોની જવાબદારી ઘણી વધી જાય છે.
ઈસવીસન 1897માં જ્યારે આયરિશ લેખક બ્રામ સ્ટોકરે પોતાની અમર નવલકથા ડ્રેક્યુલા લખી, ત્યારે કદાચ તેમને પણ કલ્પના નહીં હોય કે સવા સદી પછી પણ તેમનું સર્જન માત્ર હોરર સાહિત્ય તરીકે નહીં, પરંતુ માનવજાતના સામૂહિક મનને સમજવા માટેના સૌથી શક્તિશાળી રૂપકોમાંનું એક બની જશે. પ્રથમ નજરે આ એક ગોથિક હોરર કથા લાગે છે.
ટ્રાન્સિલ્વેનિયાના અંધકારમય કિલ્લામાં રહેતો કાઉન્ટ ડ્રેક્યુલા, જે દિવસ દરમિયાન તાબૂતમાં સૂઈ રહે છે અને રાત્રે બહાર નીકળીને માણસોનું લોહી પીવે છે, પરંતુ જો નવલકથાને માત્ર ભૂતપ્રેતની વાર્તા સમજીને વાંચવામાં આવે તો તેની સૌથી મોટી વાત ચૂકી જવાય છે. બ્રામ સ્ટોકરે માત્ર એક રાક્ષસ સર્જ્યો નહોતો; તેમણે એવી દુષ્ટતાનું પ્રતીક સર્જ્યું હતું, જે તલવારથી નહીં, પરંતુ ચેપની જેમ ફેલાય છે.
ડે્રક્યુલાની સૌથી ભયાનક શક્તિ તેના તીક્ષ્ણ દાંત નહોતી, તેની અમરતા પણ નહોતી. તેની સૌથી ભયાનક શક્તિ એ હતી કે તે જેનો શિકાર કરતો, તે ધીમે ધીમે પોતાનો સ્વભાવ, પોતાનો વિવેક અને પોતાની સ્વતંત્રતા ગુમાવીને એના જેવો જ વેમ્પાયર બની જતો. તે પોતાનું સામ્રાજ્ય યુદ્ધ જીતીને નહીં, પરંતુ પોતાના શિકારને પોતાના જેવા બનાવીને ઊભું કરતો હતો. કદાચ આ જ કારણ છે કે ડ્રેક્યુલા આજે પણ જીવંત છે, કારણ કે દુનિયામાં દુષ્ટતા ઘણી વખત તાકાતથી નહીં, પરંતુ માનસિક સંક્રમણથી જીતે છે.
જો આ કથાને આજના સમયમાં મૂકીએ તો પ્રશ્ન થાય કે શું ખરેખર ડ્રેક્યુલા મરી ગયો છે? કદાચ નહીં. તેણે માત્ર પોતાનું મોહં બદલી નાખ્યું છે.
આજે સોશ્યલ મીડિયાના અલ્ગોરિધમ હોય, સતત વહેતાં ફેક ન્યૂઝ હોય, અંધભક્તિ હોય, કાવતરાની થિયરીઓ હોય કે કોઈપણ પ્રકારની રાજકીય, ધાર્મિક અથવા વૈચારિક કટ્ટરતા. બધાનું મૂળ કામ એક જ છે: માણસને વિચારવાનું બંધ કરાવીને માત્ર પ્રતિક્રિયા આપતો જીવ બનાવી દેવાનું.
ટ્રેજેડી એ નથી કે માણસ ખોટી માહિતી સાંભળે છે; ટ્રેજેડી એ છે કે થોડા સમય પછી તે પોતે જ ખોટી માહિતી ફેલાવવા માંડે છે. એ જ ડ્રેક્યુલાનો અસલી ડંખ હતો અને એ જ આજના યુગનો પણ સૌથી મોટો ડંખ છે. આપણે ઘણી વખત માનીએ છીએ કે આપણે કોઈ વિચારધારાના સમર્થક છીએ, પરંતુ ધીમે ધીમે ખબર પડે છે કે આપણે વિચારધારાના નહીં, વિચારવિહીન પ્રતિક્રિયાના શિકાર બની ગયા છીએ.
મનોવિજ્ઞાન આ ઘટનાને `સોશ્યલ કોન્ટેજન' કહે છે. જેમાં લાગણીઓ, વિચારો અને વર્તન ચેપી હોય છે. હાસ્ય ચેપી છે, કરુણા ચેપી છે, પરંતુ દુર્ભાગ્યે ગુસ્સો, ભય અને નફરત એના કરતાં પણ વધુ ઝડપથી ચેપની જેમ ફેલાય છે.
સંશોધનો બતાવે છે કે માનવમગજ નકારાત્મક માહિતી તરફ વધુ ઝડપથી આકર્ષાય છે- મનોવિજ્ઞાનમાં તેને `નેગેટિવિટી બાયસ' કહેવામાં આવે છે. એ જ કારણ છે કે ભયજનક સમાચાર, ઉશ્કેરતી પોસ્ટ, અપમાનજનક ભાષા અને કાવતરાની વાતો સામાન્ય સત્ય કરતાં ઘણી ઝડપથી ફેલાય છે.
2018માં અમેરિકાની MIT (મેસેચ્યુસેટસ ઈસ્ટિયૂટ ઓફ ટેકનોલોજિ) ના એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે ખોટા સમાચાર સાચા સમાચાર કરતાં વધુ ઝડપથી અને વધુ દૂર સુધી પહોંચે છે, કારણ કે માણસ નવાઈ, ભય અને આક્રોશને વધુ ઉત્સાહથી શેર કરે છે. એટલે આજે સૌથી સફળ વેમ્પાયર કાળા ઝભ્ભામાં નહીં, પરંતુ ચમકતી મોબાઇલ સ્ક્રીનમાં રહે છે.
સમાજશાસ્ત્રનો એક અત્યંત કડવો નિયમ છે કે દુષ્ટતાની સૌથી મોટી જીત એ નથી કે તે સજ્જન માણસને હરાવી દે; તેની સૌથી મોટી જીત એ છે કે તે સજ્જન માણસને પણ પોતાના જેવો બનાવી દે. જ્યારે ગાળો સામાન્ય બની જાય, ત્યારે શિષ્ટ માણસ પણ ગાળો બોલવા લાગે છે.
જ્યારે અફવા સામાન્ય બની જાય, ત્યારે સત્ય કંટાળાજનક લાગવા લાગે છે. જ્યારે દરેક ચર્ચા યુદ્ધમાં ફેરવાઈ જાય, ત્યારે સંવાદ મરી જાય છે. આપણે ઘણી વખત માનીએ છીએ કે આપણે નફરત સામે લડી રહ્યા છીએ, પરંતુ ધીમે ધીમે સમજાય છે કે લડતાં લડતાં આપણે પણ એ જ ભાષા બોલવા લાગ્યા છીએ. એ ક્ષણે બહારનો ડ્રેક્યુલા જીતતો નથી; આપણા અંદર એક ડ્રેક્યુલા જન્મે છે.
`ડ્રેક્યુલા'ની આખી નવલકથામાં સૌથી પ્રેરણાદાયી પાત્ર છે પ્રોફેસર અબ્રાહમ વાન હેલ્સિંગ. લોકપ્રિય કથાઓમાં આપણે માનીએ છીએ કે તેણે ક્રોસ અને હથિયારો વડે ડ્રેક્યુલાને હરાવ્યો, પરંતુ જો નવલકથાને ધ્યાનથી વાંચીએ તો સમજાય છે કે તેની સૌથી મોટી શક્તિ આમાંથી કોઈ નહોતી. વાન હેલ્સિંગ જીતે છે કારણ કે તે પોતે ડ્રેક્યુલા જેવો બનતો નથી. તે ભય સામે વધુ ભય ઊભો કરતો નથી. તે જ્ઞાન, ધીરજ, વિજ્ઞાન, વિશ્વાસ, મિત્રતા અને સંયમનો સહારો લે છે. તેની સૌથી મોટી જીત ડ્રેક્યુલાને મારવામાં નથી, પરંતુ પોતાની માનવતા બચાવી રાખવામાં છે.
દરેક યુગમાં ડ્રેક્યુલા પોતાનું રૂપ બદલે છે. એક સમયે તે ટ્રાન્સિલ્વેનિયાના કિલ્લામાં રહેતો હતો. આજે કદાચ તે સ્માર્ટફોનની સ્ક્રીનમાં રહે છે. ક્યારેક ફેક ન્યૂઝના રૂપમાં, ક્યારેક ભયના વેપારી તરીકે, ક્યારેક અંધશ્રદ્ધાના વેશમાં, ક્યારેક અંધવિરોધના સ્વરૂપમાં અને ઘણી વખત આપણા પોતાના અહંકારમાં. ડ્રેક્યુલાને હરાવવાનો રસ્તો ચાંદીનો ભાલો નથી; પોતાની અંદર વિવેક, કરુણા અને આત્મજાગૃતિનો એવો દીવો પ્રગટાવવો છે કે કોઈ અંધકાર આપણને પોતાના જેવો બનાવી ન શકે. આખરે દરેક યુગમાં સવાલ એક જ રહેવાનો છે, શું આપણે હજુ પણ ડ્રેક્યુલાથી ડરીએ છીએ, કે પછી ધીમે ધીમે આપણે જ ડ્રેક્યુલાના વારસદાર બની રહ્યા છીએ?
ધ એન્ડ
એકવાર અસલ બાબત ગમવા લાગશે પછી નકલી ખબરોથી આપોઆપ દૂર રહેવા લાગશો. (અજ્ઞાત)