હેમંત વાળા
સ્થાપત્યમાં ઘણા બધા પરિબળો એક સાથે અસર કરતા હોય છે. આવા સંજોગોમાં આ બધા પરિબળો વચ્ચે સંતુલન સ્થાપવા સાથે એક ચોક્કસ સર્જનાત્મક વિચારને પણ અમલમાં મૂકવાનો હોય છે. આ એક જટિલ કાર્ય છે. છતાં પણ કેટલાક સર્જનાત્મક સ્થપતિ પોતાની સર્જનાત્મકતાને ચરમબિંદુ સુધી લઈ જઈ આ કાર્ય પાર પાડે છે. અહીં આ વાત સમજાવવા ચાર ઉદાહરણો પ્રસ્તુત થયા છે.
નેશનલ મ્યુઝિયમ - કતાર
સ્થાપત્યની રચનામાં આકારોનું આગવું મહત્ત્વ છે. દરેક આકાર કંઈક કહી જાય છે. જ્યાં ચોરસ ચોકસાઈની વાત કરે તો લંબચોરસ કોઈ એક દિશાને પ્રાધાન્ય આપે. ત્રિકોણ આકાર ઊર્જાના જોશને આલેખે તો વર્તુળ સૌમ્યતાની સ્થાપના કરે. કયો આકાર કયા કારણસર ક્યાં વાપરવો જોઈએ તે એક સંવેદનશીલ બાબત છે. પણ આમાં અગત્યની વાત એ છે કે જો એકનો એક આકાર વારંવાર વપરાય તો તેનાથી કંટાળાજનક સ્થિતિ ઊભી થઈ શકે.
આવા સંજોગોમાં વારંવાર વપરાતા આકારની ગોઠવણી એવી હોવી જોઈએ કે જેનાથી આવી કંટાળાજનક સ્થિતિ ન ઉદ્ભવતા રસપ્રદ પરિસ્થિતિ સર્જાય. સ્થપતિ જીન નોવેલ દ્વારા સન 2019માં રચાયેલ કતારના દોહાનું નેશનલ મ્યુઝિયમ-રાષ્ટ્રીય સ્મારક આ પ્રકારનો પ્રયત્ન છે. અહીં માત્ર વર્તુળમય સપાટીઓનો ઉપયોગ કરી રચના નિર્ધારિત કરાઇ છે. આ વર્તુળના માપ પણ એટલા બધા ભિન્ન નથી. તેની રચનાની સામગ્રી પણ સમાન છે. તેથી રસપ્રદતા સ્થાપવા આ વર્તુળમય સપાટીઓની ગોઠવણ સાવ જ ભિન્ન રીતે કરાઇ છે.
આ ગોઠવણમાં એક રીતે જોતા વર્તુળ ક્યાંય સ્થાપિત થતું નથી. ગોઠવણ એવી છે કે વર્તુળ સિવાયની કોઈપણ સપાટીઓમાંથી તેવી રચના થઈ શકે. આનાથી ગોઠવવામાં જે સ્વતંત્રતા મળી છે તેનો સ્થાપતિએ પૂરેપૂરો ઉપયોગ કરેલો છે. જે તે કાર્ય હેતુ માટે જે વિવિધ પ્રકારનું સ્થાન-નિર્ધારણ જરૂરી બને તે આ પ્રકારની ગોઠવણથી સંભવિત થયું છે. આ પ્રકારની ગોઠવણથી જરૂરી વિવિધતા શક્ય બની છે.
આ એક એવી રચના છે કે જેમાં મૂળ તત્ત્વ અને તેની ગોઠવણ બે સાવ ભિન્ન ભિન્ન વિધાન આપે છે. વર્તુળ જે વાત કહે છે તેનાથી સાવ અલગ વાત તે વર્તુળોની ગોઠવણ થકી વ્યક્ત થાય છે. વર્તુળમાં જે નિયમ છે તે તેની ગોઠવણમાં નથી. વર્તુળમાં જે મૃદુતા વર્તાય તેની સામે ગોઠવણમાં ક્યાંક આક્રમકતા દેખાય છે. વર્તુળો વચ્ચેની સામ્યતા અને તેની ગોઠવણ વચ્ચેની ભિન્નતાથી એક વિશેષ પ્રકારનું સંતુલન ઊભું થાય છે. આ સંતુલન આ મકાનની એક વિશેષતા છે. એક જ પ્રકારનો નિર્ણય લીધા પછી તેમાં વિવિધતા લાવી રસપ્રદ સર્જન કરવાનો આ એક આગવો અને સફળ પ્રયત્ન છે.
મેટ્રોપોલ પેરાશોલ - સ્પેન
મશરૂમ આકારનું સન 2011માં બનાવાય લાકડાનું આ વિશાળકાય બાંધકામ છે. લાકડાના બાંધકામની પ્રત્યેક પૂર્વધારણાઓનું ખંડન કરી પ્રાચીન નગરની મધ્યમાં પબ્લિક પ્લાઝા તરીકે બનાવાય, આ બાંધકામનો શરૂઆતમાં તો વિરોધ થયો હતો, પણ સમય જતા વિશ્વભરમાં તેની સ્વીકૃતિ પ્રસરી ગઈ. 150 મી લાંબુ, 70 મી પહોળું તથા 26 મી જેટલા વિસ્તારમાં મુખ્યત્વે લાકડામાંથી બનાવાયેલ આ મકાને સામગ્રી તરીકે લાકડાની બધી જ સીમાઓ પાર કરી એક નવી જ સર્જનાત્મકતાની જાણે શરૂઆત કરી છે.
વિશ્વમાં ઘણા ઓછા મકાનો એવા હોય છે કે જે તે શહેરની ઓળખ સમાન બની જાય. તે મકાનની ગેરહાજરીમાં કદાચ તે શહેર કે નગરની ઓળખ જ ન સ્થપાય. આ એક આ પ્રકારનું મકાન છે. લાકડાના પાટીયાઓને ચોક્કસ માપના અંતરે એકબીજામાં ફસાવીને જે આકારમાં મુકતા લાવવામાં આવી છે તે અભૂતપૂર્વ છે. આમ તો બાંધકામ ભૌમિતિક કહી શકાય તેવું છે પણ તેનાથી ઉદ્ભવતી અનુભૂતિ કાવ્યમય છે.
લાકડાની મર્યાદાઓનો સંપૂર્ણતામાં છેદ ઉડાડી દઈ જાણે માટીમાંથી કંડારી કાઢ્યું હોય એ રીતનું આ મકાન હળવાશની સાથે દ્રઢતા સ્થાપિત કરે છે. તે વિશાળ હોવા સાથે માનવીય પ્રમાણમાપ પણ જાળવી રાખે છે. તે શિલ્પમય હોવા સાથે ઉપયોગિતા પણ જાળવી રાખે છે. તે દેખાવમાં મૃદુ છે પણ તેની સ્થાપના મજબૂત જણાય છે. એમ કહી શકાય કે જમીનમાંથી ઊગી નીકળેલું આ મકાન સમાજે તેટલી જ સહજતાથી સ્વીકારી લીધું છે.