Fri Sep 04 2026

Logo

"ટ્વિટ કે ધમકીઓથી હોર્મુઝ પર કબજો નહીં થાય!" ટ્રમ્પના દાવા પર ઈરાનનો પલટવાર

Tehran   2026-08-15 18:39:01
Author: Devayat Khatana
"ટ્વિટ કે ધમકીઓથી હોર્મુઝ પર કબજો નહીં થાય!" ટ્રમ્પના દાવા પર ઈરાનનો પલટવાર

Reuters


તહેરાન: ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે યુદ્ધમાં ઈરાનને હરાવીને હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકી ક્ષેત્ર ઘોષિત કરવાનો દાવો કર્યો હતો. ઈરાનના નાયબ વિદેશ પ્રધાન કાઝેમ ગરીબાબાદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હોર્મુઝ પર કોઈ ટ્વિટ, એરક્રાફ્ટ કેરિયર, લશ્કરી આદેશ કે ચૂંટણી ભાષણો દ્વારા કબજો કરી શકાતો નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઈરાન કોઈ પણ પ્રકારની ધમકીઓથી ડરતું નથી કે શક્તિ પ્રદર્શન સામે ઝૂકતું નથી. હોર્મુઝ હંમેશાં ઈરાનનું હતું, ઈરાનનું છે અને ઈરાનનું જ રહેશે.

નાયબ વિદેશ પ્રધાને અમેરિકાને વાસ્તવિકતા સ્વીકારવાની સલાહ આપતાં દાવો કર્યો હતો કે, અત્યાર સુધી ઈરાન સામે અમેરિકાને ભારે વ્યુહાત્મક નુકસાન સહન કરવું પડ્યું છે. તેમણે ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવો કે બંધ કરવો તેનો નિર્ણય માત્ર ને માત્ર ઈરાનના નિયંત્રણમાં છે. જ્યાં સુધી અમેરિકા ઈરાનની શરતો સ્વીકારશે નહીં અને પોતાની હાર સ્વીકારશે નહીં, ત્યાં સુધી આ સ્ટ્રેટ પર લાદવામાં આવેલો પ્રતિબંધ ચાલુ રહેશે. બંને દેશો વચ્ચે સર્જાયેલા ઉગ્ર તણાવ અને હોર્મુઝને ફરીથી ખોલવા અંગે ચાલી રહેલી વાતચીતમાં ઊભા થયેલા અવરોધ વચ્ચે આ નિવેદન સામે આવ્યું છે.

આ અગાઉ એક રેલીને સંબોધિત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનને હરાવ્યા બાદ તેઓ ટૂંક સમયમાં જ હોર્મુઝને અમેરિકાનો વિસ્તાર જાહેર કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે અને તે પોતાના કબજા હેઠળ જ રહેશે. અમેરિકી નૌકાદળની નાકાબંધીને સ્ટીલની દીવાલ ગણાવતાં તેમણે કહ્યું હતું કે ઈરાન આ દીવાલ સામે કંઈ કરી શકશે નહીં. આ સાથે જ તેમણે ઈરાનની સૈન્ય ક્ષમતાઓ કમજોર થઈ ચૂકી હોવાનો દાવો પણ કર્યો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ દાવાઓને ઈરાને તુરંત જ ફગાવી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ હજુ પણ બંધ છે અને શરતો પૂર્ણ થયા વિના તેને ખોલવામાં આવશે નહીં.