Sat Sep 12 2026

Logo

શુદ્ધ ગાયના ઘીના નામે પામતેલનું વેચાણ! સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર LCB અને ફૂડ વિભાગનો સપાટો

2026-08-15 17:43:52
Author: Devayat Khatana
શુદ્ધ ગાયના ઘીના નામે પામતેલનું વેચાણ! સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર LCB અને ફૂડ વિભાગનો સપાટો

સુરત: તાજેતરમાં જ સુરતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે એક મોટી કાર્યવાહી કરી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે આવેલા હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ફેક્ટરીના માલિક પાસે કાયદેસરનું લાઇસન્સ મળી આવ્યું નહોતું. ટીમે ફેક્ટરીને બહારથી તાળું મારી અંદર સાચા ઘીના નામે નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન તથા પેકિંગ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. 

સુરત ગ્રામ્ય LCB પોલીસે ચોક્કસ બાતમીના આધારે કામરેજના ધોરણ પારડી ખાતે ચાલતા એક શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી બનાવવા અને પેકિંગ કરવાના એકમ પર દરોડો પાડ્યો હતો. LCB PI નરેશ પંચાણીએ આપેલી માહિતી અનુસાર, આ ઓપરેશનમાં એ હકીકત સામે આવી હતી કે આ સ્થળ પર પામતેલ, વનસ્પતિ અને સોયાબીન તેલનું પ્રોસેસિંગ કરીને તેને શુદ્ધ ગાયના ઘી તરીકે "શ્રી અનમોલ રત્ન કાઉઝ ઘી" ના નામે પેક કરવામાં આવતું હતું.

આ સઘન કાર્યવાહી દરમિયાન પોલીસે ફેક્ટરીમાંથી પામતેલ, વનસ્પતિ ઘી, સોયાબીન તેલ, પેકિંગ કરાયેલું ડુપ્લિકેટ ઘી, પેકેજિંગ મટીરીયલ અને મશીનરી સહિત કુલ રૂ. 52.79 લાખનો તોતિંગ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડની વધુ કાયદેસરની તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચીને શંકાસ્પદ ઘી અને અન્ય ખાદ્ય સામગ્રીના સેમ્પલ એકત્ર કર્યા છે, જેને વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.