Tue Aug 18 2026

Logo

ઘાટકોપરમાં બે પિસ્તોલ, 10 કારતૂસ જપ્ત: ઉત્તર પ્રદેશના યુવકની ધરપકડ

2026-08-15 17:35:20
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: ઘાટકોપરમાં ઘાતક શસ્ત્રો વેચવા માટે આવેલા ઉત્તર પ્રદેશના યુવકની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. યુવક પાસેથી બે પિસ્તોલ તેમ જ 10 કારતૂસ જપ્ત કરાઇ  હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીની ઓળખ મનીષ મંડુ શહાણી તરીકે થઇ હતી.

ધરપકડ બાદ આરોપીને અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. ઘાટકોપરમાં અસલ્ફા વિલેજ ખાતે દુકાન પાસે એક વ્યક્તિ શુક્રવારે ઘાતક શસ્ત્રો વેચવા આવવાની છે, એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મળી હતી. આથી તેમણે ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન એ સ્થળે આવેલા યુવકની હિલચાલ શંકાસ્પદ જણાઇ આવતાં પોલીસ ટીમે તેને તાબામાં લીધો હતો.

મનીષ શહાણી નામના યુવકની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી બે પિસ્તોલ અને 10 જીવંત કારતૂસ મળી આવી હતી. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મનીષ શહાણી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તે ત્યાંથી શસ્ત્રો મુંબઈમાં લાવ્યો હતો. તે આ શસ્ત્રો કોને વેચવાનો હતો, તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.