Thu Jun 18 2026

Logo

રોહિત અને વિરાટ સાથેના સંબંધો અંગે ગંભીરે કરી નાખી મોટી સ્પષ્ટતા, કહ્યું હું પણ માણસ છું...

2026-03-16 20:06:39
Author: Mumbai Samachar Team
Article Image

PTI


નવી દિલ્હીઃ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રથમવાર રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે તેમના સંબંધોને લઈને ખુલાસો કર્યો હતો. ગંભીરે સ્વીકાર કર્યો હતો કે છેલ્લા દોઢ વર્ષમાં તેમણે કેટલીક ભૂલો કરી હશે, પરંતુ તેમના ઇરાદા હંમેશાં સાચા રહ્યા છે.

ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, "હું પણ માણસ છું અને મને ભૂલો કરવાની છૂટ હોવી જોઈએ. ખેલાડીઓને પણ ભૂલો કરવાનો અધિકાર છે અને મેં છેલ્લા 18 મહિનામાં ભૂલો કરી હશે અને હું તેનાથી પીછેહટ કરતો નથી, પરંતુ હું હંમેશાં માનું છું કે સાચા ઇરાદા સાથે લેવાયેલો ખોટો નિર્ણય પણ સ્વીકારી શકાય છે, પરંતુ ખોટા ઇરાદા સાથે લેવાયેલો નિર્ણય ડ્રેસિંગ રૂમમાં સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે."

ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે, "જ્યાં સુધી હું મારા ડ્રેસિંગ રૂમની સામે ઊભા રહીને આંખોમાં આંખો નાખીને જોઈ શકું છું અને તેમની સાથે પ્રામાણિકપણે વાત કરી શકું છું ત્યાં સુધી મને લાગે છે કે હું મારી જવાબદારી સારી રીતે નિભાવી રહ્યો છું. 

નોંધનીય છે કે ગંભીર કોચ બન્યાના થોડા મહિના પછી ભારતના બે સૌથી અનુભવી ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો

સોશિયલ મીડિયા પર રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથેના તેમના સંબંધો વિશે સતત ચર્ચા થઈ રહી છે તે અંગે તેમને પૂછવામાં આવતા ગંભીરે કહ્યું કે તેમના માટે એ ખૂબ જ સરળ છે કે તેઓ બધું જ ઈમાનદારીથી કરી રહ્યા છે, તેઓ ડ્રેસિંગ રૂમમાં દરેક સાથે ઈમાનદાર છે, ફક્ત એક કે બે લોકો સાથે નહીં. 

તેઓ આસિસ્ટન્ટ કોચ સુધી દરેક સાથે ઈમાનદાર છે. તેઓ તેમની સાથે આંખોમાં આંખ નાખીને વાત કરી શકે છે. મને લાગે છે કે તેઓ પોતાની જવાબદારી સાથે યોગ્ય કામ કરી રહ્યા છે.