નવી દિલ્હી/મુંબઈઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અનેક રાષ્ટ્રમાં કફોળી સ્થિતિ ઊભી થઈ રહી છે. ભારતમાં આ યુદ્ધની અસર અંતર્ગત ગેસ સંકટ ઊભું થયું છે. કમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાતા હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગ બંધ થવાની કગાર પર છે. સરકારે પણ કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કાપ મૂકી દેતા ફૂડ-રેસ્ટોરાં ચેઈનને સીધી અસર પહોંચી છે.
પાટનગર દિલ્હી, બેંગલુરુ સહિત મહારાષ્ટ્રના અનેક શહેરોના મંદિરના ભંડારા પર અસર થઈ શકે છે, કારણ કે LPG ગેસની કટોકટીની અસરો મંદિરમાં ચાલતા ભંડારા ઉપર પણ થઈ રહી છે. મંદિરમાં ભાવિકો માટે તૈયાર કરવામાં આવતા ભંડારા પર કાપ મૂકી દેવામાં આવ્યો છે. કેટલાક મંદિરોમાં ભાવિકોને પ્રસાદીરૂપે ફળનું વિતરણ કરાયું છે.
કર્ણાટકના મંદિરમાં રસોઈઘરમાં અસર
પૂર્વથી લઈને પશ્ચિમ એશિયા સુધી અને ઉત્તરથી લઈ દક્ષિણ સુધી દેશભારમાં આવેલા મોટા મંદિરોમાં આની અસર જોવા મળી રહી છે. તિરૂપતિ અને સબરીમાલા જેવા મંદિરમાં દૈનિક ધોરણે લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવતા હોય છે. LGP ગેસની શોર્ટેજ વચ્ચે મંદિરોમાં રસોઈઘર બંધ થાય એ દિવસો હવે દૂર નથી.
કર્ણાટકના પાટનગર બેંગ્લુરૂના ધાર્મિક સ્થળમાં LPG ગેસની કટોકટની અસર સ્પષ્ટ વર્તાય રહી છે. બાનાશંકરી મંદિરમાં 11 માર્ચથી ભંડારો અને પ્રસાદ વિતરણ બંધ છે. મંદિરમાં દૈનિક ધોરણે ભાવિકો માટે પ્રસાદ તૈયાર કરવા 6 જેટલા કોર્મશિયિલ સિલિન્ડરની જરૂર હોય છે.
ભાવિકો ઈચ્છે છે ભંડારા ફરી શરૂ થાય
હાલ જે મંદિરમાં ભંડારા ચાલી રહ્યા છે ત્યાં છના બદલે 4 સિલિન્ડરથી કામ ચાલે છે, તેથી પ્રસાદમાં મળતી ખાદ્ય સામગ્રી ઘટાડી દેવામાં આવી છે. ભોજન માટે ગેસનો સ્ટોક પૂરતો નથી. ગેસની કટોકટીને કારણે વિતરણ વ્યવસ્થામાં પણ ખલેલ પહોંચી છે. નાના મંદિરોમાં પ્રસાદ વ્યવસ્થા રૂપે ફળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સતત ચાલતા ભંડારા પણ ગેસની કટોકટીને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. દર્શન માટે આવતા ભાવિકોને ભાત અને મિષ્ઠાનના પ્રસાદ માટે હવે લાંબા સમય સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. ભાવિકોની એવી માગ છે કે, સરકાર મોટી મંદિરોમાં સિલિન્ડરની વ્યવસ્થા ઝડપથી કરે, જેથી ભંડારા ઝડપથી ફરી શરૂ થાય. અથવા બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.
શિરડીમાં પણ અસર
ગેસની કટોકટીને કારણે મહારાષ્ટ્રના શિરડી અને વિઠ્ઠલ રૂકમણી મંદિર પાસે ચાલતા રેસ્ટોરાં અને હોટેલ્સ મુશ્કેલીમાં મૂકાયા છે. ભાવિકો આવી રહ્યા છે પણ એમને પીરસવા માટે કોઈ ભોજન કે વાનગી બનતી નથી. શિરડી અને પંઢરપુર પાસે ફૂડ સ્ટોલ પણ કટોકટીનો સામનો કરી રહ્યા છે. મંદિરોના વહીવટી તંત્રએ આ ફૂડ સ્ટોલને બચાવવા માટે પ્રાથમિક પ્રયાસ કર્યા છે. હકીકત એ પણ છે કે, જ્યાં સ્ટોક જ નથી ત્યાં ગેસના બાટલાનું વિતરણ કેવી રીતે થશે?
પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલ રૂકમણી મંદિર પાસે હાલ પુરતી વ્યવસ્થા થઈ ચૂકી છે. થોડા સમય માટે કોઈ મુશ્કેલી નહીં થાય. બીજી તરફ શિરડીમાં સાઈબાબાના મંદિરે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભોજનાલયમાં દરરોજ દોઢ ટન ગેસનો ઉપયોગ થાય છે. આ કટોકટીનો સામનો ન કરવો પડે એ માટે પહેલાથી જ ગેસની ખરીદી અહીં કરી લેવામાં આવી હતી. એટલે આગામી એકાદ મહિના સુધી અહીં કોઈ કટોકટી ઊભી નહીં થાય