અમદાવાદઃ ગાંધીનગરમાં સિનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધો છે.
શું છે મામલો
ફરિયાદીને અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન મળેલું હતું. આ પ્રોટેક્શનની મુદ્દત વધારવા એટલે કે રીન્યુ કરાવવા માટે ફરિયાદીએ વિધિવત અરજી કરી હતી. આ સરકારી પ્રક્રિયાના ભાગરૂપે આરોપી કેતન દવેએ આ અરજી પર સકારાત્મક અભિપ્રાય મોકલી આપવા માટે ફરિયાદી પાસે નાણાંની માંગ કરી હતી. તેણે પોઝીટીવ અભિપ્રાય આપવા ફરિયાદી પાસે 80,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે જાગૃત નાગરિકે આ લાંચ આપવાને બદલે ગાંધીનગર એસીબી એકમનો સંપર્ક સાધી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના પગલે ગાંધીનગર એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાંધીનગર સરગાસણ ચોકડી, સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ ઉપર તેમની ગાડીમાં લાંચ લેતા ઝડપાયો હતો.
વર્ષ 2010માં કેતન પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે જોડાયો હતો. બાદમાં પ્રમોશન મેળવીને પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હતો. જે હાલમાં અમદાવાદ રિજિયન સાણંદ સેન્ટર ખાતે એક ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિનિયર ઈન્ટેલિજન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ કામગીરી ગાંધીનગર એસીબી એકમ અને અમદાવાદ યુનિટ દ્વારા કરવામાં આવી હતી.