Tue May 26 2026

Logo

લોઅર પરેલમાં મૉલમાં કપડાની દુકાનમાં આગ

2026-05-26 21:01:33
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોઅર પરેલમાં સીતારામ જાધવ માર્ગ પર સન મિલ કમ્પાઉન્ડમાં મંગળવારે સવારે  કપડાના શોરૂમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે સવારનો સમય હોવાથી કોઈ કર્મચારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. લગભગ છ કલાકની જહેમત બાદ બપોરના આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી.

સન કમ્પાઉન્ડ મિલમાં આ દુર્ઘટના બની હતી, જેમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળના બાંધકામમાં કપડાનો મોટા પ્રમાણમાં સ્ટોક રાખવામાં આવ્યો હતો. મંગળવારે સવારે ૭.૪૨ વાગ્યે તેમાં આગ ફાટી નીકળી હતી. કપડાનો મોટો પ્રમાણમાં સ્ટોક હોવાથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી અને તેને ૭.૫૦ વાગ્યે એક નંબરની જાહેર કરી અને ચાર ફાયર એન્જિન, ત્રણ જમ્બો ટેન્કર, એક વોટર ક્વિક રિસ્પોન્સ વેહિકલ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને વોર્ડ સ્ટાફને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આખરે બપોરના ૧૨.૪૧ વાગ્યે આગ કાબૂમાં લેવામાં આવી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું.  
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. જોકે તપાસ બાદ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે એવું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું. સદ્નસીબે આગ વહેલી સવારના લાગી હોવાથી એ સમયે ત્યાં હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.