Fri Jun 12 2026

Logo

બિલિયોનર નહીં હવે ટ્રિલિયોનર મસ્ક, એક દિવસમાં અંબાણી-અદાણીની કુલ નેટવર્થથી વધુ કમાણી, તાઇવાનની GDP જેટલી નેટવર્થ!

2026-06-12 11:55:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની કંપની 'સ્પેસએક્સ' (SpaceX) નું આજે શેરબજારમાં લિસ્ટિંગ થશે. કંપનીના 75 અબજ ડોલરના મેગા આઈપીઓ (IPO) ને રોકાણકારોનો જબ્બર પ્રતિસાદ મળ્યો છે. માત્ર રિટેલ હિસ્સા (Retail Portion) માટે જ 70 અબજ ડોલરની બોલી મળી ચૂકી છે. સ્પેસએક્સના લિસ્ટિંગ પહેલા જ ગુરુવારે મસ્કની નેટવર્થ (કુલ સંપત્તિ)માં 274 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે, જે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની કુલ સંપત્તિ કરતાં પણ વધારે છે. આ સાથે જ તેઓ 971 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના પ્રથમ 'ટ્રિલિયોનર' બનવાની ખૂબ નજીક પહોંચી ગયા છે.

મુકેશ અંબાણી અને અદાણીની કુલ સંપત્તિ કરતાં વધુ ઉછાળો

એવું માનવામાં આવે છે કે સ્પેસએક્સના લિસ્ટિંગથી મસ્કની નેટવર્થ 1.1 ટ્રિલિયન (લાખ કરોડ) ડોલર પર પહોંચી જશે. સ્પેસએક્સ કંપનીમાં તેમના હિસ્સાની કિંમત અંદાજે 866 અબજ ડોલર છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર, ગુરુવારે જ મસ્કની સંપત્તિમાં 274 અબજ ડોલરનો વધારો થયો હતો. આ વર્ષે તેમની નેટવર્થમાં કુલ 351 અબજ ડોલરનો મોટો ઉછાળો આવ્યો છે. સંપત્તિની બાબતમાં અત્યારે દૂર-દૂર સુધી કોઈ પણ વ્યક્તિ મસ્કની આસપાસ પણ નથી. ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ 304 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના અમીરોની યાદીમાં બીજા નંબરે છે.

ક્યાંથી થાય છે કમાણી?

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં જન્મેલા 54 વર્ષના મસ્ક વ્યવસાયે એન્જિનિયર છે. વર્ષ 1997માં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેઓ 2008માં ટેસ્લા (Tesla) કંપનીના સીઈઓ (CEO) બન્યા હતા. ટેસ્લા અને સ્પેસએક્સ ઉપરાંત તેમણે બીજી પાંચ કંપનીઓની સ્થાપના કરી છે. જેમાં ટનલિંગ સ્ટાર્ટઅપ 'બોરિંગ કંપની' (The Boring Company) અને બ્રેઈન ઈમ્પ્લાન્ટ બનાવતી કંપની 'ન્યૂરાલિંક' (Neuralink) સામેલ છે. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીઓમાં રહેલો તેમનો હિસ્સો (શેર) છે.

અંબાણી-અદાણીની નેટવર્થ 

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ભારતના અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં ગુરુવારે 3.90 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેઓ 112 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના અમીરોની યાદીમાં 17મા નંબરે છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 27.6 અબજ ડોલરનો વધારો થયો છે.બીજી તરફ, મુકેશ અંબાણી 83.1 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 23મા સ્થાને છે.