વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ બાદ પરિસ્થિતિ સતત બગડી રહી છે. અમેરિકા અને ઇઝરાયલ ઇરાનને નાબુદ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ઇરાન તેના વ્યૂહાત્મક દાવપેચ દ્વારા તેના વિરોધીઓનું મનોબળ ઘટાડી રહ્યું છે. ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ધમકી આપી છે અને સાથી દેશોને પણ અપીલ કરી છે.
દરિયાકાંઠા પર તેના લશ્કરી હુમલાઓને વધુ તીવ્ર બનાવશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર તમામ મોટા દેશોને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના નૌકાદળના યુદ્ધ જહાજો તૈનાત કરવા અપીલ કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને બાધિત કરવાનો પ્રયાસ કરશે અમેરિકા ઈરાની દરિયાકાંઠા પર તેના લશ્કરી હુમલાઓને વધુ તીવ્ર બનાવશે. વ્હાઇટ હાઉસ આ મહત્વપૂર્ણ શિપિંગ લેનની સુરક્ષાની ખાતરી આપવા માટે 20 બિલિયન ડોલર સુધીના વીમા કવરેજની ઓફર કરવાનું પણ વિચાર્યું છે.
યુદ્ધ જહાજો મોકલવાની તૈયારી
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ઘણા દેશો આ કટોકટીથી પ્રભાવિત છે અને આ દરિયાઈ માર્ગને ખુલ્લો અને સુરક્ષિત રાખવા માટે અમેરિકા સાથે જોડાવા માટે તેમના યુદ્ધ જહાજો મોકલવાની તૈયારી કરી રહ્યા છે. તેમના મતે આ માર્ગ વિશ્વ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેના દ્વારા વૈશ્વિક સ્તરે વિશાળ માત્રામાં ક્રુડ અને માલસામાનનું પરિવહન થાય છે.
ઇરાન કોઈપણ ક્ષણે ડ્રોન તૈનાત કરી શકે છે
ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ પહેલાથી જ ઇરાનની લશ્કરી ક્ષમતાઓને લગભગ સંપૂર્ણપણે નિષ્ક્રિય કરી દીધી છે. જો કે, તેમણે ચેતવણી આપી હતી કે આ હોવા છતાં, ઇરાન હજુ પણ નાના હુમલા કરી શકે છે. તેમના મતે ઇરાન કોઈપણ ક્ષણે ડ્રોન તૈનાત કરી શકે છે. દરિયામાં માઈન પાથરી શકે છે. અથવા નજીકથી મિસાઇલ હુમલાઓ શરૂ કરી શકે છે. જે આ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો માટે ખતરો ઉભો કરી શકે છે.
ઈરાન માટે આ માર્ગને વિક્ષેપિત કરવો અશક્ય બનશે
અમેરિકાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોએ પણ આ ક્ષેત્રમાં તેમના યુદ્ધ જહાજો મોકલવા જોઈએ, કારણ કે આ બધા દેશો આ દરિયાઈ માર્ગ દ્વારા થતા વેપાર પર ખૂબ નિર્ભર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો બધા દેશો સામૂહિક રીતે કાર્ય કરે, તો ઈરાન માટે આ માર્ગને વિક્ષેપિત કરવો અશક્ય બનશે. ટ્રમ્પે જાહેરાત કરી કે જ્યાં સુધી આ જળમાર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લો ન થાય ત્યાં સુધી અમેરિકા ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારો સામે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે.