Sat Sep 05 2026

Logo

રાપરના નંદાસરમાં કૌટુંબિક હિંસા: દશામાના જાગરણમાં જવાનું કહેતાં પતિએ પત્ની પર ધારિયા વડે હુમલો કર્યો

2026-08-24 10:46:00
Author: Mumbai Samachar Team
રાપરના નંદાસરમાં કૌટુંબિક હિંસા: દશામાના જાગરણમાં જવાનું કહેતાં પતિએ પત્ની પર ધારિયા વડે હુમલો કર્યો

ઘાયલ પત્નીના હાથમાં અસ્થિભંગ થવાના કારણે ઓપરેશન કરીને ડાબા હાથની આંગળી કાપી નાખવી પડી

ભુજ: કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના નંદાસર ગામે દશામાના વ્રતના જાગરણમાં જવા બાબતે ઉશ્કેરાઈ જઈ પતિએ પોતાની પત્ની પર ધારિયા વડે ઘાતકી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો ચોંકાવનારો બનાવ રાપર પોલીસ ચોપડે નોંધાયો છે.

નંદાસરની વાડી વિસ્તારમાં રહેતાં કમલાબેન ઠાકોર (કોળી) પોતાના પિયર પક્ષના લોકો સાથે દશામાના જાગરણમાં જવા માંગતા હતા. તેમણે આ અંગે પતિ અરવિંદ ધરમશી ઠાકોર (કોળી)ને વાત કરતાં પતિએ જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા અરવિંદે ધારિયું ઉપાડી પત્ની પર જાનલેવા હુમલો કરી દીધો હતો.

અરવિંદે ધારિયાના ઘા ઝીંકતાં કમલાબેનને માથા, પીઠ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાડારાડ થતાં આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને પ્રથમ રાપર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાથમાં અસ્થિભંગ થવાના કારણે ઓપરેશન કરીને ડાબા હાથની આંગળી કાપી નાખવી પડી હતી. બનાવ અંગે રાપર પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય